________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬ર
૪૧૭ છે અને શક્તિ અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ છે; જ્યારે તેની પૂર્વે પ્રથમની ચાર દૃષ્ટિઓમાં બોધમાં કંઈક વિપર્યાસ હોવાથી સમ્યક્ યોગમાર્ગની પ્રવૃત્તિ નથી. આ સ્થિરાદૃષ્ટિવાળા યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેમની યોગની પ્રવૃત્તિથી જે ગુણો પ્રગટે છે તે બતાવે છે – ૧. અલૌલ્ય :- સ્થિરાદૃષ્ટિવાળા જીવોને ભોગાદિ પ્રવૃત્તિમાં અલોલુપતા હોય છે.
૨. આરોગ્ય :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે સ્થિરાદષ્ટિવાળા જીવોનું ચિત્ત સૌમ્ય હોવાથી પ્રાયઃ શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે, કેમ કે યોગની પ્રવૃત્તિથી દેહની પ્રક્રિયા પણ આરોગ્યની વૃદ્ધિનું કારણ બને તેવી થાય છે, ક્વચિત્ જ બળવાન કર્મને કારણે રોગાદિની પ્રાપ્તિ થાય; પરંતુ જે જીવો યોગમાર્ગમાં પ્રવૃત્ત નથી તેમને તો તેવું બળવાન કર્મ ન હોય તોપણ યોગમાર્ગથી વિપરીત પ્રવૃત્તિને કારણે તેવું આરોગ્ય પ્રાપ્ત થતું નથી; અને યોગમાર્ગમાં પ્રવૃત્તને ઉત્તમ ચિત્તને કારણે દેહનું આરોગ્ય પ્રાપ્ત થાય છે.
૩. અનિષ્ફરત્વ :- યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા સ્થિરાદષ્ટિવાળા જીવોનું ચિત્ત દયાળુ હોય છે. ૪. શુભ ગંધ :- સ્થિરાદષ્ટિવાળા જીવોને યોગમાર્ગની પ્રવૃત્તિથી યોગમાર્ગને અનુકૂળ એવા તેમના ઉત્તમ ભાવોને કારણે દેહમાં શુભ ગંધ પ્રાયઃ પ્રગટ થાય છે. વિશિષ્ટ કર્મ હોય તો જ દુર્ગધી દેહની પ્રાપ્તિ થાય, નહિ તો યોગમાર્ગની પ્રાપ્તિ પૂર્વે દેહની સ્થિતિ જે ગંધવાળી હોય તેના કરતાં યોગમાર્ગની પ્રાપ્તિને કારણે સ્થિરાદષ્ટિવાળાઓની દેહમાં શુભ ગંધ થાય છે.
૫. વિષ્ટા-મૂત્રની અલ્પતા :- યોગીઓની યોગમાર્ગની પ્રવૃત્તિથી આહાર આદિનો પરિણામ પણ સાત ધાતુઓરૂપે અધિક પરિણમન પામે છે અને મળ-મૂત્ર આદિરૂપે અલ્પ પરિણમન પામે છે. તેથી સ્થિરાદષ્ટિવાળા યોગીઓની યોગપ્રવૃત્તિને કારણે મળ-મૂત્રની અલ્પતા થાય છે.
૬. કાંતિ :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે પ્રાયઃ પૂર્વે જે શરીરની સુંદરતા હોય તેમાં અતિશય થાય તેવી કાંતિ પ્રગટે છે; કેમ કે યોગના સેવનથી સ્થિરાદષ્ટિવાળા જીવોના શરીરની કાંતિની વૃદ્ધિ થાય તે રીતે આહારાદિનાં પુદ્ગલો પરિણમન પામે છે.
૭. પ્રસાદ :- યોગમાર્ગની પ્રવૃત્તિ કરનારનું ચિત્ત હંમેશાં પ્રસન્નતાવાળું હોય છે. ૮. સ્વરસૌમ્યતા :- યોગમાર્ગની પ્રવૃત્તિ કરનારા યોગીઓને કુદરતી શરીરની રચનાના અનુસારે જે પ્રકારનો સ્વર પ્રાપ્ત થયો હોય તેમાં યોગના સેવનથી સૌમ્યતા પ્રગટે છે. તેથી તેમના વચનપ્રયોગમાં સૌમ્યતાનું દર્શન થાય છે.
યોગમાર્ગની પ્રવૃત્તિનાં આ પ્રથમ ચિહ્નો છે. તેથી એ ફલિત થાય કે પાંચમી દષ્ટિવાળા જીવો યોગમાર્ગને યથાર્થ જોઈને યોગમાર્ગની પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે, જેના ફળરૂપે પૂર્વમાં વર્ણન કરાયેલા આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે.
યોગમાર્ગની પ્રાથમિક પ્રવૃત્તિ કર્યા પછી યોગીઓ જેમ જેમ યોગમાર્ગનું સેવન કરે છે તેમ તેમ નવા નવા ગુણો પ્રગટે છે.