________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૮
અચિંત્ય શક્તિનો યોગ હોવાને કારણે તેની સંનિધિમાં=સિદ્ધિયમવાળા યોગીની સંનિધિમાં, વૈરત્યાગાદિ થતા હોવાથી પરાર્થસાધક યમનું પાલન છે, એમ અન્વય છે. આ ચતુર્થ યમ જ સિદ્ધિયમ છે, એ પ્રકારનો ભાવ છે. ।।૨૧૮।।
ભાવાર્થ
જ્યારે યોગી યમનું સેવન કરી કરીને સિદ્ધિયમને પ્રાપ્ત કરે છે, ત્યારે ચંદનગંધન્યાયથી તેમના આત્મામાં યમ પરિણમન પામેલ હોય છે; તેથી યમના પરિણામથી શુદ્ધ થયેલા મનવાળા તે યોગીઓને બીજા જીવોના અર્થનું સાધક એવું યમનું પાલન હોય છે, અને તે યમનું પાલન સિદ્ધિયોગ છે.
૫૧૮
:
અહીં પ્રશ્ન થાય કે યમનું સેવન પોતાનામાં તેવી પરિણતિ પ્રગટ કરી શકે છે, પરંતુ તે પરિણતિ બીજાના અર્થને કેવી રીતે સાધી શકે ? તેથી ખુલાસો કરે છે કે યમના સેવનથી સિદ્ધયોગીઓને અચિંત્ય શક્તિનો યોગ થાય છે અર્થાત્ સામાન્ય જીવો તે શક્તિ કેવી છે તેની કલ્પના પણ ન કરી શકે તેવી શક્તિનો યોગ થાય છે, અને તેવી શક્તિને કારણે પરસ્પર વૈરવાળી પ્રકૃતિવાળા જીવો પણ તે યોગીના સાંનિધ્યમાં વૈરનો ત્યાગ કરે છે. તેથી આવા યોગીઓનો અહિંસાયમ અન્ય જીવોના વૈરત્યાગરૂપ પરના અર્થનો સાધક છે. વળી કોઈ યોગીને સત્યયમ સિદ્ધ થયો હોય તો તેમના વચનના બળથી અન્ય સાધકને જે અનુષ્ઠાન કરવાનું છે, તે અનુષ્ઠાન તેને સુખે સુખે સમ્યગ્ નિષ્પન્ન થાય છે. તે રીતે પાંચે યમોમાં પરાર્થસાધકતા જાણવી.
અહીં વિશેષ એ છે કે પહેલી દૃષ્ટિમાં રહેલા યોગીઓ પણ યમનું સેવન કરે છે, અને પહેલી દૃષ્ટિવાળા યોગીને પણ ઇચ્છાદિ ચારે પ્રકારના યમોમાંથી કોઈને કોઈ યમ હોય છે. તેથી પહેલી દૃષ્ટિવાળા યોગી પણ સિદ્ધિયમનું પાલન કરનારા હોઈ શકે; તોપણ પહેલી દૃષ્ટિમાં યમનું પાલન દ્રવ્યથી હોય છે, જ્યારે શ્લોક૨૦૯માં પ્રસ્તુત ગ્રંથના અધિકારી કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી બતાવ્યા; અને ત્યારપછી પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ બતાવતા કહ્યું કે પ્રવૃત્તચક્રયોગી ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમના આશ્રયવાળા હોય અને સ્થિરયમ અને સિદ્ધિયમના અર્થી હોય, અને શુશ્રુષાદિ આઠ ગુણોથી યુક્ત હોય છે; અને શુશ્રુષા આદિ આઠ ગુણો ભાવસાધુને હોય છે, અન્યને નહિ, તેવું કથન ચોથા પંચસૂત્રમાં આવે છે. તેથી ભાવસાધુને પ્રવૃત્તચક્રથી ગ્રહણ કરેલ છે, અને ભાવસાધુને ભાવયમ હોય છે, તેવા ભાવસાધુ પ્રસ્તુત ગ્રંથના અધિકારી છે, અને પ્રવૃત્તચક્રયોગીમાં સ્થિરયમ અને સિદ્ધિયમવાળાને ગ્રહણ કર્યા નથી.
તેથી એ ફલિત થાય કે જે ભાવસાધુ છે તે શુશ્રુષા આદિ આઠ ગુણોથી યુક્ત છે, અને તે ભાવસાધુ ઇચ્છાયમવાળા અને પ્રવૃત્તિયમવાળા હોય છે, તેઓ પ્રસ્તુત ગ્રંથના અધિકારી છે; પરંતુ સ્થિરયમવાળા અને સિદ્ધિયમવાળા ભાવસાધુ પ્રસ્તુત ગ્રંથના અધિકારી નથી; કેમ કે તેઓને પ્રસ્તુત ગ્રંથથી ઉપકાર થાય તેમ નથી. માટે સ્થિરયમવાળા અને સિદ્ધિયમવાળાને નિષ્પન્નયોગીથી ગ્રહણ કરેલ છે, તેવું જણાય છે; અને શ્લોક-૨૧૫ થી ૨૧૮ સુધી જે ઇચ્છાદિ ચાર યમો બતાવ્યા, તે ભાવયમને આશ્રયીને છે, દ્રવ્યયમને આશ્રયીને નહિ; કેમ કે ભાવસાધુમાં ભાવયમ હોય છે; અને શ્લોક-૨૧૨માં પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ બતાવીને પ્રવૃત્તચક્રયોગીમાં વર્તતા ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમનું સ્વરૂપ અને પ્રવૃત્તચક્રોગીના અર્થીપણારૂપ સ્થિરયમ અને સિદ્ધિયમનું સ્વરૂપ બતાવવાનું શ્લોક-૨૧૪થી પ્રારંભ કરેલ છે. તેથી ભાવયમનો પ્રસ્તાવ હોવાથી પ્રસ્તુતમાં વર્ણન કરાયેલા સર્વ ભાવયમો જાણવા. II૨૧૮I