________________
૪૧૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૨
૧૬. દોષવ્યપાય -દોષોનો વિશેષ રીતે અપગમ:- નિષ્પન્નયોગી પ્રાયઃ સર્વત્ર અસંગભાવવાળા હોય છે. તેથી રાગાદિ દોષો વિશેષ રીતે તેઓમાંથી દૂર થયેલા હોય છે.
૧૭. પરમતૃપ્તિ :- નિષ્પન્ન યોગવાળા યોગીઓનું ચિત્ત અસંગભાવવાળું હોવાથી આત્માને નિષ્પન્ન કરવાને અનુકૂળ ધ્યાનાદિથી પરમ તૃપ્તિને અનુભવે છે. તેવી તૃપ્તિ ચક્રવર્તી આદિના ભોગોથી પણ અનુભવાતી નથી.
૧૮. ઔચિત્યયોગ :- નિષ્પન્ન યોગીઓ રાગાદિથી અનાકુળ હોવાથી સર્વત્ર ઉચિત વ્યાપાર કરનારા હોય છે. જીવ જે કંઈ મનથી, વચનથી કે કાયાથી અનુચિત વ્યાપાર કરે છે તેનું બીજ રાગાદિ આકુળતા છે, અને નિષ્પન્ન યોગીના રાગાદિ ભાવો અત્યંત નષ્ટપ્રાય છે, તેથી સહજ પ્રકૃતિથી તેઓ ઉચિત પ્રવૃત્તિ કરે છે.
૧૯. ગુ સમતા- શ્રેષ્ઠ સમતા :- નિષ્પન્ન યોગીઓ સહજ પ્રકૃતિથી ધ્યાનમાં વર્તતા હોય છે અને તેઓમાં ધ્યાનના બળથી સમતાની વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિ પામેલી સમતા ઉપરની કક્ષાના ધ્યાનમાં સહજ પ્રવર્તાવે છે. તેથી નિષ્પન્ન યોગીઓની સમતા ઉત્તરોત્તર પ્રકર્ષને પામતી જાય તેવી શ્રેષ્ઠ કોટીની હોય છે.
૨૦. વેરાદિનાશ :- યોગનું સેવન કરીને સિદ્ધયોગી બનેલા એવા તે યોગીઓના સાંનિધ્યમાં આવનારાં હિંસક પ્રાણીઓમાં પણ વૈરાદિનો નાશ થાય છે.
૨૧. ઋતંભરા બુદ્ધિ :- નિષ્પન્ન યોગીઓને યોગના સેવનના પ્રકર્ષથી ઋતંભરા પ્રજ્ઞા પ્રગટે છે, જે પ્રાતિજ્ઞાન અથવા કેવળજ્ઞાનસ્વરૂપ છે.
અહીં પણ=આગળની કાન્તા આદિ દૃષ્ટિઓ બતાવાશે એમાં પણ, પૂર્વમાં વર્ણન કરાયેલા અકૃત્રિમ એવા અલૌલ્યાદિ ગુણોનો સમુદાય હોય છે, અને તેનો પ્રારંભ પાંચમી દૃષ્ટિથી થાય છે.
આશય એ છે કે પાંચમી દૃષ્ટિવાળા જીવો વેદ્યસંવેદ્યપદને પામેલા છે, તેથી તત્ત્વને સ્પષ્ટ જુએ છે અને સ્વશક્તિ અનુસાર તત્ત્વની નિષ્પત્તિમાં ઉદ્યમવાળા હોય છે. તેથી ઉપર વર્ણન કરાયેલા એકવીસ ગુણોનો પ્રારંભ પાંચમી દૃષ્ટિથી માંડીને થાય છે. વળી આ સર્વ ગુણો કૃત્રિમ હોતા નથી, પરંતુ યોગના સેવનથી જીવની પ્રકૃતિરૂપ હોય છે, અને તે ગુણો ઉત્તર ઉત્તરની દૃષ્ટિઓમાં ક્રમસર વધે છે. જોકે નિષ્પન્ન યોગીના ગુણો પાંચમી દૃષ્ટિમાં હોતા નથી, તોપણ તે ભૂમિકાનાં બીજ પાંચમી દૃષ્ટિમાં પણ છે. તેથી અહીં કહ્યું કે આ અકૃત્રિમ ગુણોનો સમુદાય પાંચમી દૃષ્ટિથી પ્રગટ થાય છે અને તે ગુણો છઠ્ઠી દૃષ્ટિમાં કંઈક ખીલેલા છે. તે રીતે છઠ્ઠી દૃષ્ટિને બતાવવા માટે કહે છે – શ્લોક :
कान्तायामेतदन्येषां प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसास्ति हितोदया ।।१६२।।