________________
૪૧૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૦ તે ભોગના સંપર્કથી થાય છે, અને તે સંશ્લેષવાળો પરિણામ જીવ માટે હિતકારી નથી. માટે ધર્મથી થનારા ભોગો પણ સુંદર નથી, એ પ્રકારે સ્થિરાદષ્ટિવાળા જીવો વિચારે છે, અને તેના બળથી ભોગથી વિમુખ થઈને ધર્મનિષ્પત્તિમાં દઢ યત્ન કરે છે. ધર્મથી થનારા ભોગો અનર્થ માટે છે, તે બતાવવા માટે સામાન્યથી દષ્ટાંત બતાવે છે :
આશય એ છે કે વ્યાપ્તિગ્રાહક દૃષ્ટાંતમાં વ્યાપ્તિની પ્રાપ્તિ હોય છે. જેમ પર્વતમાં અગ્નિની સિદ્ધિ માટે અનુમાન કરાય છે, ત્યારે મહાનસનું દૃષ્ટાંત આપવામાં આવે છે, જેમાં ધૂમ અને અગ્નિની વ્યાપ્તિ હોય છે. તેના જેવું આ દૃષ્ટાંત નથી, અને તેવું દૃષ્ટાંત આપવું હોય તો એ બતાવવું પડે કે કોઈ જીવે ધર્મનું સેવન કર્યું હોય, તેનાથી તેને ભોગોની પ્રાપ્તિ થઈ હોય અને તે ભોગોથી તેને અનર્થની પ્રાપ્તિ થઈ હોય; પરંતુ એવું આ દૃષ્ટાંત નથી, પણ પદાર્થને સમજવા માટે સામાન્યથી આ દૃષ્ટાંત છે. તે બતાવવા માટે અહીં કહ્યું કે સામાન્યથી દષ્ટાંતને કહે છે.
ચંદનથી પણ થયેલો અગ્નિ બાળે છે; કેમ કે અગ્નિનો બાળવાનો સ્વભાવ છે. અહીં ચંદનથી થતો અગ્નિ બાળે છે, એમ બતાવીને એ કહેવું છે કે ચંદન પ્રકૃતિથી શીતળ છે, આમ છતાં તેનાથી થતો અગ્નિ બાળવાના સ્વભાવવાળો છે. તેમ ધર્મ પણ આત્માને માટે હિતકારી છે, તોપણ તે ધર્મથી પ્રાપ્ત થતા ભોગો જીવને પ્રમાદ કરાવનારા છે, માટે અનર્થને કરનારા છે. તેથી સ્થિરાદષ્ટિવાળા જીવો તે પ્રકારે ભોગનું સ્વરૂપ વિચારીને ભોગથી દૂર રહેવા યત્ન કરે છે, જેથી ભોગ પ્રત્યેના વલણથી પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ થાય નહિ.
અહીં ધર્મથી થતા ભોગો પ્રાયઃ જીવને અનર્થ માટે છે તેમ કહ્યું, તેમાં પ્રાયઃ કહેવાનું કારણ શુદ્ધ ધર્મથી આક્ષેપ્ય ભોગો અનર્થનું કારણ નથી તેમ બતાવવું છે, કેમ કે શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા ભોગો પ્રમાદનું કારણ બનતા નથી.
અહીં પ્રશ્ન થાય કે ધર્મથી થતા ભોગો જેમ પ્રમાદનું કારણ બને છે, તેની જેમ શુદ્ધ ધર્મથી થતા ભોગો પ્રમાદનું કારણ કેમ બનતા નથી ? તેથી કહે છે –
શુદ્ધ ધર્મના સેવનકાળમાં બંધાતું પુણ્ય વિશુદ્ધ કોટીનું હોય છે, અને તે પુણ્ય વિપાકમાં આવે છે ત્યારે આગમ પ્રત્યેનો અભિનિવેશ ઉત્પન્ન થાય છે, જેથી આગમન અભિનિવેશવાળા તે જીવો દેવલોકાદિમાં ભોગો ભોગવતા હોય ત્યારે પણ ધર્મપ્રધાન ચિત્તની ઉપપત્તિ છે; અને ભોગકાળમાં ધર્મપ્રધાન ચિત્ત હોવાને કારણે તેવા જીવોમાં એવી શુદ્ધિ વર્તે છે કે જે શુદ્ધિ અત્યંત અનવદ્ય એવા તીર્થંકરાદિ ફળની પ્રાપ્તિનું કારણ બને છે. આથી આવા જીવો દેવલોકમાં ભોગાદિ કરતા હોય ત્યારે તીર્થંકરનામકર્મ પણ બાંધતા હોય છે; . કેમ કે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા પછી આઠમાં ગુણસ્થાનક સુધી સતત બંધાયા કરે છે; અને આવા યોગીઓ ભોગકાળમાં પણ ભોગની અસારતા સ્પષ્ટ જોનારા હોય છે, તેથી આવા યોગીઓ દેવલોકાદિમાં ભોગકર્મ ભોગવે છે ત્યારે પણ આગમમાં અભિનિવેશવાળું ચિત્ત હોય છે, તેથી સંસારના ઉચ્છેદને અનુકૂળ એવી શક્તિનો સંચય કરે છે. જેમ કોઈ શ્રાવકોને મોક્ષ પ્રત્યે બળવાન ઇચ્છા હોય, મોક્ષના ઉપાયરૂપ નિર્લેપ ચિત્ત અત્યંત પ્રિય હોય, અને તેવા ચિત્તની નિષ્પત્તિ માટે સર્વવિરતિ ઉપાયરૂપે દેખાતી હોય; આમ છતાં