________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ઉપનિષદો : અમર ભોમના આંબા-૨
Éડૉ. નરેશ વેદ
લેખ ક્રમાંક બીજો
આગલા હપ્તામાં આપણે ઉપનિષદો વિશે પરિચાયક વિગતો જોઈ. એમાં આપણે દર્શાવ્યું હતું કે ઉપનિષદોની સંખ્યા તો ધણી છે પરંતુ આદિ શંકરાચાર્યે એમાંથી દસ ઉપનિષદો પસંદ કરીને એમની ઉપર ભાષ્યો રચ્યાં હતાં, તેથી એ દસ ઉપનિષદો મુખ્ય ઉપનિષદો ગણાય છે. આ લેખમાળાના બીજા હપ્તામાં આ દસ ઉપનિષદોના વિષયવસ્તુનો સંક્ષિપ્ત પરિચય કરીશું. ત્યારબાદ આ ઉપનિષદોને અનુલક્ષીને એમાં રજૂ થયેલાં બ્રહ્મતત્ત્વ, આત્મતત્ત્વ, પ્રાણતત્ત્વ, માયાતત્ત્વ, વિદ્યાતત્ત્વ વગેરે મુદ્દાઓની તેમજ એમાં રજૂ થયેલી પ્રાણવિદ્યા, પ્રજ્ઞાનવિદ્યા, પ્રણવવિદ્યા, સર્ગવિદ્યા, સંવર્ગવિદ્યા, પંચાગ્નિવિદ્યા, મધુવિદ્યા વગેરે વિષેની સંશોધનમૂલક વિચારણા ક્રમશઃ રજૂ કરીશું.
આ દસ ઉપનિષદોમાં ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ ક્રમમાં અગ્રસ્થાને છે. આ ઉપનિષદ યજુર્વેદની શુક્લ શાખાનું છે. એ વેદનો ચાલીસમો અધ્યાય તે જ આ ઉપનિષદ છે. અઢાર શ્લોકના આ ઉપનિષદમાં ઘણી મહત્ત્વની વાત રજૂ થઈ છે. આ જગતમાં કોનો આવાસ છે. એમાં રહેલા સંસારમાં મૂળગત સત્તા કોની છે, આ જગત શું છે, એમાં મનુષ્ય કોણ છે, એના જીવન અને કાર્યનું સ્વરૂપ કેવું છે, એના જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ, એ સિદ્ધ કરવા તેણે કેવું જીવન જીવવું જોઈએ, એ માટે જ્ઞાનની આવશ્યકતા કેમ છે, એવું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી મનુષ્ય પોતાના જીવનને કેવી રીતે સફળ અને સાર્થક બનાવી શકે એવી પાયાની કેટલીય બાબતો લાઘવથી આ ઉપનિષદમાં મંત્રાત્મક સ્વરૂપે નિરૂપાયેલી છે.
ચાર ખંડ અને ચોત્રીસ શ્લોકમાં રચાયેલ ‘કેન ઉપનિષદ' સામવેદની ‘તલવકાર’ નામની શાખાના ‘તલવકાર’ બ્રાહ્મણનું છે. આ ઉપનિષદના આરંભમાં પ્રશ્નાર્થક ‘ન’ (કોના વડે ?) શબ્દ આવવાથી આ ઉપનિષદનું નામ ‘કેન ઉપનિષદ’ પડ્યું છે. તેમાં મનુષ્યની જીવનશક્તિ કઈ છે, તેને પ્રાણશક્તિ શા માટે કહે છે, મનુષ્ય પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે જે કંઈ કામ કરે છે તે કોની પ્રેરણાથી કે હુકમથી કરે છે, આ પાંચ ઈન્દ્રિયો વડે મનુષ્યનો બાહ્ય જગત સાથે કેવી રીતે સંબંધ જોડાય છે, તેના વડે કઈ રીતે જીવનની સત્તા સિદ્ધ થાય છે, શરીરમાં રહેલા આ પાંચ પ્રાણરૂપી દેવતાઓને પ્રેરણા આપી અને ચલાવનારો એનાથી અલગ અને ઉત્તરો કર્યા દેવ છે, અને કેવી રીતે જાણી શકાય, એ બ્રહ્મરૂપી દેવને મનુષ્યો યક્ષ રૂપે પૂજે છે તે યથાયોગ્ય છે કે નહિ, આ બ્રહ્મ વિશ્વચર વિશ્વમાં રહેલું) અને વિશ્વાતીત (વિશ્વથી ૫૨) એમ બંને રૂપોમાં સર્વોપરી શા માટે છે, આ જાબની અનેકવિધ શક્તિઓ રૂપ અનેક દેવો હોવા છતાં આ ત્રિતાત્મક (ત્રણ લોકી) જગતમાં ત્રણ મુખ્ય દેવો ક્યા છે, એમાં ભૌતિક જગતના, પ્રાણાત્મક જગતના અને માનસ જગતના દેવ કોણ કોણ છે, એ દેવ વિશે માહિતગાર થવાનાં સાધનો કયાં છે–એ બધી
જુલાઈ, ૨૦૧૩
વાતોનું નિરૂપણ આ ઉપનિષદમાં છે.
બે અધ્યાયી અને પ્રત્યેક અધ્યાયની ત્રણ ત્રણ વલ્લીઓ એટલે છ નાના વિભાગોમાં રચાયેલું ‘કઠ ઉપનિષદ' કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાના બ્રાહ્મણનો એક ભાગ છે. એમાં એક રોચક કથાના માધ્યમથી મૃત્યુ પછી મનુષ્યના જીવની ગતિ શી થાય છે એ વાત રજૂ થઈ છે. જેનાથી વ્યષ્ટિ અને સમષ્ટિનું ત્રિકાત્મક રૂપ તૈયા૨ થાય છે એ અગ્નિરૂપ ચૈતન્ય તત્ત્વ શું છે, એનો સંબંધ મૃત્યુદેવ સાથે કેમ છે, એ યમદેવ કોણ છે, મનુષ્ય આ મૃત્યુ ઉપર વિજય મેળવવા ક્યું અને કોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, એ જ્ઞાનપ્રાપ્તિ માટેના માર્ગો ક્યા છે, મનુષ્યના જન્મ-મરણનાં ચક્રનું નિયમન કરનાર શક્તિ કઈ છે, વૈશ્વાનર પુરુષ કેવી રીતે આવિષ્કૃત થાય છે, એ પુરુષના છ આત્માઓ એટલે ક્યા ક્યા, એ આત્માઓનું દર્શન કેવી રીતે થાય, જીવનની ચાર અવસ્થાઓનો ઉદય અને અસ્ત શામાં થાય છે, મરણ બાદ જીવની ગતિ ક્યાં થાય છે, મનુષ્ય કઈ વિદ્યા પ્રાપ્ત કરે તો વિશુદ્ધ ચૈતન્યાવસ્થા પામી શકે એ બધા મુદ્દાઓ આ ઉપનિષદોમાં વિચારાયા છે.
૬૬ શ્લોકમાં પથરાયેલું 'પ્રશ્ન ઉપનિષદ' અથર્વવેદનું છે. એમાં બ્રહ્મતત્ત્વની જિજ્ઞાસાવાળા છ તેજસ્વી શિષ્યો અને બ્રહ્મવિદ્યાના જાણકાર પરમ જ્ઞાની એવા ગુરુ વચ્ચે થતાં પ્રશ્નોત્તરરૂપ સંવાદમાં જીવન વિશેના પાયાના પ્રશ્નો ચર્ચાયા છે, જેમ કે, આ વિશ્વમાં જન્મતા જીવો ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેટલા દેવતાઓ આ પ્રજાને ધારણ અને પ્રકાશિત કરે છે અને તે સર્વ દેવોમાં સૌથી મુખ્ય દેવ કોણ, પ્રાણનું ઉત્પત્તિ સ્થાન ક્યું છે, એ પ્રાણ મનુષ્યશરીરમાં કેવી રીતે દાખલ થાય છે, એ પ્રાણ વિભક્ત થઈ મનુષ્યશરીરમાં ક્યાં રહે છે અને ક્યું કાર્ય કરે છે, આ પ્રાણ શરીરમાંથી ચાલ્યો જાય ત્યારે ક્યાંથી નીકળીને જાય છે, આ પ્રાણનો બાહ્ય જગત સાથે શો સંબંધ છે, આ પ્રાણનું અધ્યાત્મ સ્વરૂપ કેવું છે, મનુષ્યની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓમાં કઈ કઈ શક્તિઓ જાગ્રત કે સુષુપ્ત રહે છે, સ્વપ્નાવસ્થામાં સ્વપ્ન જોનારી શક્તિ કઈ છે, સુષુપ્તિ અવસ્થામાં સુખ અને આનંદના અનુભવ કરનાર કોણ હોય છે, આ બધી અવસ્થાઓનો અંતિમ આધાર શો છે, કાર અને સંસારમાં પરસ્પર સામ્યસંબંધ શાનો છે, સોળ કળાયુક્ત ષોડશી પુરુષ એટલે કોણ-આવા બધા પ્રશ્નો અને એના અત્યંત મુદ્દાસર ઉત્તરોથી આ ઉપનિષદ પ્રાણ અને બ્રહ્મનાં સ્વરૂપ અને કાર્યનો ખ્યાલ આપણને આપે છે.
ત્રણ મુંડક, પાંચ ખંડો અને ૬૪ શ્લોકોમાં રચાયેલ ‘મુંડક ઉપનિષદ' અથર્વવેદની પરંપરાનું છે. આ ઉપનિષદમાં જગતની સર્વ વિદ્યાઓના મૂળરૂપ બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન થયેલું છે. અપરા વિદ્યા અને પરા વિદ્યા એટલે શું, સૃષ્ટિકર્મ કેવો છે, ઉપાસનારહિત અને