________________
નવેમ્બર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
ઉપનિષદમાં બ્રહ્માંડ અને સૃષ્ટિની ઉત્પત્તિનો વિચાર
n ડૉ. નરેશ વેદ
(લેખ કમાંક : ચાર)
આગલા લેખમાં આપણે જોયું કે ઉપનિષદના ઋષિઓ માને છે કે બ્રહ્માંડ અને પિંડમાં એક જ તત્ત્વનો વાસ અને વ્યાપાર છે. સમષ્ટિગત ભૂમિકાએ એને બ્રહ્મ કહે છે અને વ્યક્તિગત ભૂમિકાએ એને આત્મા કહે છે. આ બ્રહ્મ ઉર્ફે આ આત્માનો જ બધો વિસ્તાર અને વિલાસ છે. આવો વિચાર કરતાં એમને બ્રહ્માંડ અને આ સચરાચર સૃષ્ટિ વિશે વિચારવાનું પણ આવ્યું. આ બ્રહ્માંડ અને આ સૃષ્ટિની ઉત્પત્તિ શામાંથી થઈ અને કેવી રીતે થઈ એ વિશે પણ તેઓએ વિચાર્યું હતું. એમની એ
વિચારણા સમજવાનો પ્રયાસ કરીએ.
એમની પ્રતીતિ હતી કે એક માત્ર આત્મા જ સૃષ્ટિની પહેલાં હતો. એ આત્માને બ્રહ્મ કહો કે સત્ કહો, તેના સિવાય બીજું કશું નહોતું. તે આત્માએ ઈચ્છા કરી, ‘હું અનેક બનું.’ તેણે તપ કર્યું. તપ (સંકલ્પ) કર્યા બાદ, જે કાંઈ અહીં છે તે બધાને તેણે ઉત્પન્ન કરીને પછી તેમાં તેણે પ્રવેશ કર્યો. તેમાં પ્રવેશ કરીને પછી સત્ય રૂપ પોતે જ પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે, વ્યક્ત અને અવ્યક્તરૂપે, મૂર્ત અને અમૂર્તરૂપે, ચેતન અને અચેતનરૂપે, સત્ય અને અસત્યરૂપે અને જે કાંઈ અહીં છે તે બધાં રૂપે તે બન્યો. ‘કૈવલ્ય’ ઉપનિષદના રચયિતા ઋષિ માને છે કે જે સર્વનો આધાર છે, જેનું જ્ઞાન પૂર્ણ છે, તેવા એ આત્મામાંથી જ પ્રાણ, મન, સર્વ ઈન્દ્રિયો, આકાશ, વાયુ, તેજ, જળ અને સર્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થઈ છે. ‘કઠ’ ઉપનિષદના ઋષિનો પણ મત એવો છે કે પહેલાં જેનું સર્જન કર્યું એ જળમાંથી, તપ દ્વારા આખી સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં જેની ઉત્પત્તિ થઈ હતી અને જેણે પંચ મહાભૂત દ્વા૨ા એ જળમાં છુપાઈ રહેલાં મૂળ તત્ત્વનો વિચાર કર્યો હતો એ ક૨ના૨ આત્મા હતો.
આત્મા કેવી રીતે એકમાંથી અનેક થયો હશે અને આ બ્રહ્માંડસૃષ્ટિની રચના થઈ હશે, એની કલ્પના કરતાં ઋષિઓના મનમાં જુદા જુદા ખ્યાલો આવ્યા હશે. તેથી તેઓ જુદા જુદા ખ્યાલો રજૂ કરે છે. આત્માએ કાં તો પ્રથમ પાણીનું અથવા વાયુનું અથવા તેજનું અથવા આકાશનું તત્ત્વ ઉત્પન્ન કર્યું હશે અને એમાંથી આ બધાંનું સર્જન થયું હશે. મતલબ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતોની આ સૃષ્ટિ અને વ્યષ્ટિ બનેલી છે તો એ પાંચમાંના કોઈ એક તત્ત્વ વડે જ બાકીના તત્ત્વોનું એણે સર્જન કર્યું હશે. આ પાંચ પૈકી ક્યા તત્ત્વમાંથી આ બાકીના તત્ત્વોનું અને આ બધાંનું સર્જન એણે કર્યું હશે એના વિશે આ ઋષિચિંતકો એક મત નથી. કોઈ એ જળમાંથી (શ્રુતર્ષિ મહીદાસ એત્તરેય), કોઈએ અગ્નિમાંથી (કઠોપનિષદ’ અને છાંદોગ્ય' ઉપનિષદના રચયિતા ઋષિઓ), કોઈએ વાયુમાંથી (‘બૃહદારણ્યક’ ઉપનિષદના રચયિતા ઋષિ) તો કોઈએ આકાશમાંથી
૯
(રાજર્ષિ પ્રવાહણ જેબલિ) જેવા મૂળ તત્ત્વમાંથી એનું સર્જન થયું એમ માને છે. ‘છાંદોગ્ય’ ઉપનિષદના રચયિતા પાંચ મહાભૂતોના ઉદ્ભવ વિશે વિચાર કરતાં પ્રથમ અગ્નિ, પછી પાણી અને પછી પૃથ્વી એવો ક્રમ આપે છે. એને બદલે ‘બૃહદારણ્યક’ ઉપનિષદના રચયિતા પ્રથમ પાણી, એના મંથનમાંથી પૃથ્વી અને એ મંથનના ઘર્ષણતાપમાંથી અગ્નિ તત્ત્વ ઉત્પન્ન થયું હશે એવો ક્રમ આપે છે. જ્યારે ‘તૈત્તિરીય’ ઉપનિષદના રચયિતા આ બ્રહ્માંડ અને આ સંસારનું સર્જન પાણીમાંથી નહીં પણ આકાશમાંથી થયું છે એમ પ્રતિપાદિત કરતાં કહે છેઃ આ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી ઔષધિઓ, ઔષધિઓમાંથી અન્ન અને અન્નમાંથી પુરુષ પેદા થયો. જોઈ શકાશે કે આ ચિંતકો વિચાર વિમર્શ, કરતાં કરતાં, મૂળ વાત સુધી, પોતાના અને અન્યના મતોની શુદ્ધિ-વૃદ્ધિ કરતાં કરતાં કમશઃ પહોંચ્યાં છે. આ ભૂતોની સંખ્યા અને ક્રમ કેટલી લાંબી વિચારણા બાદ યથાયોગ્ય રૂપે એમને સમજાયા હશે. એમાં કેટલી તાર્કિકતા છે એનો ખ્યાલ આજે જ્યારે આપણે એના વિશે વધારે વિચારીએ અને જાણીએ છીએ ત્યારે આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પરસ્પર પૂરક અને ઉપકારક છે. પૃથ્વીને શુદ્ધ કરે છે જળ, જળને શુદ્ધ કરે છે અગ્નિ, અગ્નિને શુદ્ધ કરે છે વાયુ અને વાયુને શુદ્ધ કરે છે આકાશ. પૃથ્વી કર્મસાધનાનું સ્થાન છે અને એના દેવતા છે ગણેશ, જળ ભક્તિસાધના માગે છે અને એના દેવ છે વિષ્ણુ, અગ્નિ જ્ઞાનસાધના માગે છે અને એના દેવતા છે સૂર્ય, વાયુ યોગસાધના માગે છે અને એની દેવી છે પરામ્બિકા ભગવતી, આકાશ નૈષ્કર્મની સાધના અપેક્ષે છે અને એના દેવતા છે શિવ. ગણેશ, વિષ્ણુ, સૂર્ય, દેવી અને શિવ એ પાંચની સાધના એટલે પંચાયતનની ઉપાસના !
‘ઐતરેય’ ઉપનિષદના રચયિતા ઋષિ આ બ્રહ્માંડ અને આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થયા એનો વિગતવાર ખ્યાલ આપતાં કહે છેઃ આત્માએ વિચાર કર્યો કે ‘હું લોક ઉત્પન્ન કરું.' એવો વિચાર કરીને એમણે સ્તંભ, મરીચિ, મર અને આપ–એમ ચાર લોક ઉત્પન્ન કર્યા. જે ઘુલોક (સ્વર્ગ)ની ઉપર છે તે અંભ નામનો લોક છે. ઘુલોક (સ્વર્ગ) તેનો આધાર છે. અંતરિક્ષલોક મરીચિલોક છે. પૃથ્વી મર (મૃત્યુ) લોક છે. આ પૃથ્વી નીચે જે લોક છે, તે આપોલોક (જળમય પાતાળલોક) છે. એ ઋષિટ્ઠષ્ટા આગળ ચાલતાં દર્શાવે છે કે આત્માએ વિચાર્યું, ‘આ લોકને તો મેં ઉત્પન્ન કર્યાં. હવે લોકપાળો (દેવતાઓ)ને ઉત્પન્ન કરું.’ આ લોકપાળો (દેવતાઓ) કેવી રીતે કર્યા એનું વર્ણન કવિસહજ કલ્પનાનિર્મિતિ દ્વારા એમણે કર્યું છે. આત્માએ જે જળ ઉત્પન્ન કર્યું હતું એ જળમાંથી જ એક વિરાટ’ (અક્ષ૨) પુરુષનું એણે નિર્માણ કર્યું. એ