________________
સમ્યકત્વની પ્રાપ્તિ
* ચોથી ગાથાથી સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય છે તે જણાવ્યું છે. સમ્યગ્દર્શન પામવાની વસ્તુ છે. અનાદિકાળથી આપણે મિથ્યાદષ્ટિ છીએ એ વાત આપણને માન્ય છે ને ? આપણે મિથ્યાદષ્ટિ છીએ છતાં કોઈ આપણને મિથ્યાત્વી કહે એ ગમે ખરું ? આપણને ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધા કેટલી? અને સંસારનું સુખ કેટલું ગમે? અવિરતિ જેને ગમે તેને સમ્યગ્દર્શન છે એવું કહેવાનું કામ કપરું છે.
ચોથી ગાથામાં જણાવ્યું છે કે મિથ્યાત્વરૂપી મહામોહના અંધકારથી મૂઢ બનેલા જીવોને પુણ્યથી, કોઈક નિમિત્ત પામીને દુર્લભ એવો સમ્યકત્વનો પરિણામ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. એને પેદા નથી કરવાનો, પ્રગટ કરવાનો છે. અહીં પુણ્યથી સમ્યકત્વ મળે છે એમ કહ્યું છે-એનો અર્થ એ છે કે સમ્યકત્વનો પરિણામ પ્રગટ કરવામાં નિમિત્તો પુણ્યથી મળે. પૈસો પુણ્યથી મળે કે પુરુષાર્થથી ?
સ. બંન્ને જોઈએ.
તેમ અહીં પણ સમ્યકત્વ પામવાની સામગ્રી પુણ્યથી મળે અને એ સામગ્રી પામ્યા પછી સામગ્રીનો ઉપયોગ કરવા માટે પુરુષાર્થ કરીએ તો જ સમ્યકત્વનો પરિણામ પ્રગટે. પુણ્યથી મળેલ સામગ્રી પણ પુરુષાર્થ કરવામાં આવે તો જ પરિણામને પ્રગટાવે. પરિણામ પેદા કરવા માટેની વસ્તુ પુણ્યથી મળે છે પણ પરિણામ તો પુરુષાર્થથી પ્રગટે. સમ્યકત્વ શેનાથી મળે છે એ જણાવવા પહેલાં સમ્યકત્વ શેનાથી અટકેલું છે - તે જણાવવાનું કામ કર્યું છે. સમ્યકત્વ પામવાની સામગ્રી પુણ્યથી મળે પણ એ સામગ્રી કાર્યાન્વિત ન બને તે મહાપાપનો ઉદય. જૈનધર્મ પામ્યા પછી આપણે સમ્યગ્દર્શન પામી ન શકીએ તો તે આપણા મહાપાપનો ઉદય છે એમ માનવું પડે. આજે આપણે સામગ્રી મળવા છતાં સમ્યત્વ પામી નથી શકતા એ પ્રભાવ મહામોહનો છે. મોહ અને મહામોહમાં ભેદ છે. મોહ બે પ્રકારનો છે : દર્શનમોહ અને ચારિત્રમોહ. વીતરાગતાને અટકાવે તે ચારિત્રમોહ અને સમ્યકત્વને અટકાવે તે દર્શનમોહ. ચારિત્રમોહ એટલે અવિરતિ અને દર્શનમોહ એટલે મિથ્યાત્વ. તેમાંથી અવિરતિ એ મોહ છે અને મિથ્યાત્વ એ મહામોહ છે. કારણ કે અવિરતિ કરતાં મિથ્યાત્વનો ઉચ્છેદ કરવો – એ કપરું છે અને સાથે અવિરતિ કરતાં મિથ્યાત્વની સ્થિતિ પણ ગુરુ છે. ચારિત્રમોહની સ્થિતિ (ઉત્કૃષ્ટ) ચાલીસ કોટાકોટિ સાગરોપમની છે જ્યારે મિથ્યાત્વમોહની સ્થિતિ (ઉત્કૃષ્ટ) સિત્તેર કોટાકોટિ સાગરોપમની છે. અવિરતિ મોહ હોવા છતાં તે ભાનમાં રાખે છે. જ્યારે મિથ્યાત્વ એ એવો મોહ છે કે જેમાં ભાન, સાન, જ્ઞાન બધું જ ગુમાવી બેસીએ છીએ. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org