________________
I અપેક્ષા અદશ્ય થતાં બીજું પ્રકટ થાય છે. વળી કોઇ એક જ સ્વરૂપ દીર્ઘકાળ પર્યત ટક્યા કરતું દેખાવા છતાંય એમાં રોજેરોજ, પ્રતિપળે ફેરફાર થતો જ રહે છે.
આનો સ્પષ્ટ અર્થ એ થયો કે સ્થિતિ રહેતી નથી; એનો વ્યય-વપરાશચાલ્યા જ કરે છે. રૂપાંતરો દ્વારા વિનાશશીલતા અને નવીન નવીન સ્વરૂપશીલતાનો ક્રમ ચાલ્યા જ કરે છે. એના માટે, જૈન તત્ત્વવેત્તાઓએ, ‘સ્થિતિને બદલે “ધ્રૌવ્ય એવો શબ્દ આપ્યો છે; કેમકે તે તે પ્રત્યેક પરિવર્તનમાં પણ કોઇ કાયમી અંશની સાપેક્ષતા-અપેક્ષા-ભાવ-રહેલો જ હોય છે.
આમ આ “ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યમાં જે ત્રણ પરિસ્થિતિઓનું આપણે દર્શન કરીએ છીએ એ સ્થિતિ પણ પૃથક્ પૃથફ, જુદી જુદી ભિન્ન કે એક બીજાથી સ્વતંત્ર નથી. એક જ વસ્તુની એ ત્રણ જુદી જુદી અવસ્થાઓ માત્ર છે. આ ત્રણે અવસ્થાનો એક બીજા સાથેનો સંબંધ છે, તે આ સાપેક્ષતા-અપેક્ષાભાવ-ઉપર નિર્ભર છે.
વસ્તુના પ્રત્યેક પરિણમનમાં તેનો દ્રવ્યઅંશ કાયમ રહે છે, પૂર્વપર્યાયનો નાશ થાય છે અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ થાય છે. વસ્તુનો જે દ્રવ્યઅંશ છે તે ધ્રુવ (કાયમ) રહે છે અને પર્યાયઅંશ ઉત્પન્ન-નષ્ટ થાય છે. અર્થાત્ મૂળ દ્રવ્યનું પ્રૌવ્ય છે અને પૂર્વપર્યાયનો નાશ તથા ઉત્તરપર્યાયની ઉત્પત્તિ છે. આ રીતે, વસ્તુમાત્રમાં આ ત્રણે ધર્મ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય-અનાદિ અનંતકાળ પર્યત ચાલ્યા કરે છે. વસ્તુનો જે ધ્રુવ (કાયમી) અંશ છે તે નિત્ય છે અને ઉત્પન્ન તથા વિનષ્ટ અંશ છે, તે અનિત્ય છે. • આ રીતે વસ્તુ માત્ર, કથંચિત્ નિત્યાનિત્ય-સ્વરૂપ છે, એવું જૈન દર્શનકારો ભારપૂર્વક જણાવે છે. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય કોઈ વસ્તુ હોઈ શકતી જ નથી.
અહીં કોઈ કદાચ એવો પ્રશ્ન પૂછશે કે “ઉત્પાદ-વ્યય તો પર્યાયમાં થયા અને પ્રૌવ્ય દ્રવ્યમાં રહ્યું, તો પછી, આ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને એક જ વસ્તુના ત્રણ ધર્મો કેવી રીતે કહેવાય?” * આનો ઉત્તર તદ્દન સ્પષ્ટ છે. પર્યાય, વસ્તુથી કંઈ જુદા નથી. દ્રવ્ય પણ વસ્તુથી જુદું નથી. વસ્તુ પોતે દ્રવ્યરૂપ પણ છે. અને પર્યાયરૂપ પણ છે; તેથી એ ત્રણે ધર્મ એક જ વસ્તુના છે.
વસ્તુ માત્રના જે જુદા જુદા અનેક અંત છેડા છે, તે દરેક અંત સ્વતંત્ર નથી. એ બધાં અંત, કોઈ ને કોઈ અપેક્ષાએ એક બીજા સાથે સંબંધ ધરાવનારા છે. આ વાત જૈન દાર્શનિકો જયારે નયદષ્ટિથી અને સપ્તભંગીના કોષ્ટક દ્વારા બતાવે છે, ત્યારે એની સામે મોટામાં મોટું બૂમરાણ એ મચાવવામાં આવે છે કે “એ અધૂરી વાત હોવા ઉપરાંત એમાં અનિશ્ચિતતા છે. આ બંને વાતો-એ બધી બૂમરાણો ખોટી છે.
જૈન તત્ત્વવેત્તાઓએ કોઇપણ વાતને અધૂરી કે અચોક્કસ રીતે કહી નથી.