________________
આત્માનો વિકાસ ક્રમ
૨૦૧
જાણી જોઇને, હેતુપૂર્વક જે કાર્યો આપણે કરીએ છીએ તે ‘સકામ કર્મ’ કહેવાય છે અને અનાયાસે થતાં કર્મો ‘અકામ કર્મો’ કહેવાય છે. તેવી જ રીતે, બંધાયેલા જે કર્મો તેની સમયમર્યાદા પૂરી થતાં, ભોગવાઇ ગયા પછી ખરી પડે છે તેને ‘અકામ નિર્જરા’ કહે છે અને શુભ હેતુપૂર્વક તપ, જપ, વ્રત, નિયમ આદિ વ્યાપારો દ્વારા જે કર્મોનો ક્ષય કરે છે તેને ‘સકામ નિર્જરા’ કહેવામાં આવે છે.
:
અંગ્રેજીમાં ‘Prevention is better than cure’ એવું એક વાક્ય છે.એનો અર્થ થાય છે ઃ ‘ઉપચાર કરતાં અટકાયત વધારે સારી છે.’ શરીરની તંદુરસ્તીના સંબંધમાં આ ઉપદેશ આપવામાં આવ્યો છે. માંદા પડીને પછી દવા વગેરે ઉપચાર કરીને સાજા થવું એના કરતાં બિમારીને આવતી જ અટકાવવી એ વધારે સારી સ્થિતિ છે.
એવી જ રીતે, કર્મોને બાંધવા અને પછી સકામ નિર્જરા દ્વારા ક્ષય (નાશ) કરવો એના કરતાં. ‘સંવર’ દ્વારા એને બંધાતાં જ અટકાવવા ઘણો વધારે સારો અને ઉત્તમ માર્ગ છે. છતાં અજ્ઞાનતાવશ બંધાઈ ચૂક્યા છે એવાં કર્મને પણ ભોગવવા પર છોડવા કરતાં સકામ નિર્જરાથી એનો વહેલો અને સંગીન ક્ષય કરવો એ પણ એટલો જ જરૂરી માર્ગ છે. આ આત્માની પોતાની શક્તિની મર્યાદાની અંદરનો વિષય છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું ઉત્તમોત્તમ સાધન છે.
૯. મોક્ષ
નવ તત્ત્વોમાંનું છેલ્લું અને નવમું તત્ત્વ તે ‘મોક્ષ તત્ત્વ છે. આત્માને બાંધીને બેઠેલા તમામ કર્મોનો ક્ષય એનું નામ ‘મોક્ષ’. પરમ આનંદ અને પરમ સુખની આ સ્થિતિ છે. જન્મમરણના ફેરા ટળી જાય છે અને અનંત સુખનો ભોક્તા બની ગયેલો આત્મા આ મોક્ષ તત્ત્વને પ્રાપ્ત કર્યા પછી તેની અનંત અનંત લાખો કરોડો વર્ષોની અને અનંત દુઃખોની ઘટમાળ સમી સંસાર યાત્રામાંથી મુક્ત થાય છે.
આત્મા તેના વિકાસક્રમની ઉચ્ચ શ્રેણી પર, ઉચ્ચતમ ભૂમિકા પર જ્યારે પહોંચે ત્યારે તેનાં આઠે કર્મોનો નાશ થાય છે. પ્રથમ ચાર ઘાતી કર્મોના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી ચાર અઘાતી કર્મોનો નાશ (ક્ષય) કરીને તે સિદ્ધત્વનેમોક્ષને પામે છે. સંસારના ગુરૂત્વાકર્ષણમાંથી તે છૂટે છે અને અનંત અવકાશના અગ્રસ્થાને સ્વસ્થાન પ્રાપ્ત કરીને તે ચિરંજીવ સ્થિરતાને પામે છે.
ભોગોપભોગની મનુષ્યની આસક્તિમાં ‘સ્ત્રી’ મોટે ભાગે અગ્રસ્થાને રહી છે. આત્માના આ ભોગસ્વભાવને લક્ષ્યમાં લઇને કોઇ કોઇ ધર્મપંથોએ આત્માની અંતિમ મકસદ તરીકેની મુક્તિને ‘પ્રિયતમા’ નામથી ઓળખાવી છે. પશ્ચિમ એશિયામાં જે સુફીવાદ નામથી ઓળખાતો પંથ છે તે મુક્તિને ‘માશુક’ માને છે.