________________
નમસ્કાર મહામંત્ર જગતના સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન વિષે સંક્ષિપ્ત પરિચય મેળવ્યા પછી, જે જૈન ધર્મના પ્રવર્તકોએ એક મહાન તત્ત્વજ્ઞાનની જગતને ભેટ આપી છે, તે ધર્મના એક પરમ કલ્યાણકારક ઈષ્ટ મંત્રનો ઉલ્લેખ કર્યા વિના જ આ પુસ્તકને સમાપ્ત કરવું, તે, એક નૃપતિને મુગટ વિના સિંહાસન ઉપર બેસાડવા જેવું થશે.
આ ઈષ્ટ મંત્ર “નમસ્કાર મહામંત્ર' ના નામે ઓળખાય છે.
અહીં આપણે “મંત્રનો નિર્દેશ કર્યો છે એટલે “મંત્ર' વિષેની થોડીક વિચારણા અપ્રસ્તુત નહિ ગણાય.
અનાદિ કાળથી મનુષ્યજાત સુખ પ્રાપ્તિ માટે અનંત પરિશ્રમ કરતી આવી છે. અનન્ય, અદ્વિતિય અને નોંધપાત્ર સુખની શોધ પાછળ માણસ ચિરકાળ ભમતો આવ્યો છે.
આ બધાની પાછળ, અણવિકસિત મનુષ્યનો પ્રાથમિક હેતું, ભૌતિક તેમ જ સાંસારિક સુખસામગ્રી પ્રાપ્ત કરવાનો હોય છે. પ્રેમાળ પત્ની, વહાલસોયા બાળકો, કિલકિલાટ કરતું કુટુંબ, ધનવૈભવ અને વજ જેવી તંદુરસ્તી વિગેરે એની પ્રાપ્તિનાં લક્ષ્ય રહ્યાં છે. આ સિવાય, પોતાનું નામ પંકાતું બને, પાંચમાં પોતે પૂછાતો અને પૂજાતો બને, પોતાના હાથે કંઈક યશપ્રદાયક મોટું કાર્ય બને, સત્તા અને ઠકુરાઈ મળે, એ બધી બાબતો પણ માણસની સુખ પ્રાપ્તિની ઈચ્છામાં આવી જાય છે.
આવી બધી શારીરિક, કૌટુંબિક, સામાજિક અને એવી ઘણી બધી ભૌતિક સિદ્ધિઓ માટે અથાક પ્રયત્ન કરતા, મુસીબતો ઉઠાવતા અને ખપી જતા માણસને અનાદિ કાળથી જગતે જોયો છે, ઈતિહાસ કારોએ નોંધ્યો છે. - આ હેતુની પ્રાપ્તિ માટે, મળી શકતા બધા જ સાધનોનો ઉપયોગ માણસે કર્યો છે વિશેષમાં, એ સુખની પ્રાપ્તિમાં ઉપયોગી બની શકે તેવા નવા નવા સાધનોને શોધવા અને પેદા કરવા પાછળ પણ માણસે અવિરત પ્રયાસો કર્યા છે.
આ બધા વિભિન્ન સાધનોમાં “મંત્ર' દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયાસો પણ, માણસ અજ્ઞાત સમયથી કરતો આવ્યો છે. ચમત્કારિક સિદ્ધિ આપી શકે તેવા, ચોક્કસ શબ્દો અથવા શબ્દોના સમૂહમાં અને એના વિધિપૂર્વકના પ્રયોગોમાં માણસ અનન્ય શ્રધ્ધા રાખતો આવ્યો છે.
આ મંત્ર શું છે? જે સિદ્ધિદાયકતાનું આરોપણ એમનામાં કરવામાં આવે છે, એવી શક્તિ ખરેખર આ મંત્રોમાં છે? આ મંત્રો પાછળ કોઈ બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક બળ છે? કે પછી, મનુષ્યની બુદ્ધિ અને સમજણથી પર, એવી આ કોઈ ચીજ છે?