________________
૧૫૮
મં અનેકાંત અને સ્યાદ્વાદ મન
જ્ઞાન મેળવવાના માર્ગની જાણકારી એ પણ એક ‘જ્ઞાન’ જ છે; એટલે, ‘આપણે જ્ઞાન મેળવવાના માર્ગનું જ્ઞાન પણ મેળવવું છે'.
૩. જ્ઞાન મેળવવાના માર્ગનું જ્ઞાન મેળવીને એ જ્ઞાન અનુસારની ક્રિયા આપણે કરવી છે; એ માટે આપણે કાર્યબદ્ધ-ક્રિયાશીલ- બનવું છે.
હવે આમાં સ્વાભાવિક રીતે જ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે,
૧.
જ્ઞાન પ્રાપ્ત કરવા પાછળનો આપણો હેતુ.
૨. એ હેતુની પવિત્રતા, નિર્દોષતા અને વિશુદ્ધતા.
૩. જે જ્ઞાન આપણે મેળવવા માગીએ છીએ, તેનાથી આપણો હેતુ સિદ્ધ
થશે?
આપણે પવિત્ર, નિર્દોષ અને વિશુદ્ધ એવો એક હેતુ-ધ્યેય-નક્કી કરી લઇએ અને તે માટે આવશ્યક જ્ઞાન મેળવવાનો ઉદ્યમ શરૂ કરી દઇએ, તે પહેલાં, ‘આપણી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવવામાં એ જ્ઞાન આપણને ઉપયોગી થઇ શકશે કે કેમ એની સ્પષ્ટ સમજણ મેળવી લેવાનું અત્યંત આવશ્યક છે; કેમ કે, એ વાત નક્કી કર્યા વગર અને સમજ્યા વગર જો આપણે કામે લાગીએ તો તેમાં આપણે ગોથાં જ ખાધા કરીશું, જ્ઞાનને બદલે ભ્રમ લઇને ફર્યા કરીશું.
આનું કારણ એ છે કે ‘અજ્ઞાન’ એ પણ એક પ્રકારનું ‘જ્ઞાન’ છે. ‘ખોટું જ્ઞાન’ એ પણ એક પ્રકારનું ‘જ્ઞાન’ છે.
‘હું અજ્ઞાન છું’ એવું જે માણસ જાણતો હોય તેને તો આજના યુગમાં એક ‘મહાજ્ઞાની’ગણવો જોઇએ. ‘હું અજ્ઞાન છું’ એમ જાણવું એ પણ એક પ્રકારનું જ્ઞાન છે.
પુરાતન તત્ત્વવેત્તા સોક્રેટિસ વિષે એક પ્રચલિત વાત છે. એક વખત કેટલાક લોકોએ એવી આકાશવાણી સાંભળી કે ‘આ યુગમાં આજે સૌથી વિશેષ શાણો અને ડાહ્યો માણસ સોક્રેટિસ છે,’ આ સાંભળીને એ લોકો સોક્રેટિસ પાસે ગયા. સાંભળેલી આકાશવાણી એમણે તેને સંભળાવી અને પછી પૂછ્યું : ‘આ વાત સાચી છે?’ થોડીવાર વિચાર કરીને સોક્રેટિસે જે જવાબ આપ્યો તે ખૂબ વિચારવા જેવો અને સમજવા યોગ્ય છે. એણે કહ્યું :
:
‘હા, એ વાત સાચી છે; કારણ કે, હું કશું જ જાણતો નથી એ વાત હું જાણું છું.’ આમ, જે માણસ, ‘હું અજ્ઞાની છું’ એ વાત બરાબર જાણે છે, તેની પાસે એક ‘મહા જ્ઞાન’છે, કેમ કે, જ્ઞાન મેળવવાની એની જિજ્ઞાસા તેથી જીવંત અને જ્વલંત રહે છે.
પરંતુ, આ જિજ્ઞાસાની તૃપ્તિમાં એક મોટી મુસીબત આવીને ઉભી રહે છે.