________________
ર્મ
પા
એટલા માટે જ, એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્ય, પછી તે મોક્ષ પ્રાપ્તિનું હોય કે કેળાના ભજિયાં તળવાનું હોય, જ્ઞાન અને ક્રિયાના સુમેળ વગર સિદ્ધ થતું જ નથી.
બાહ્યક્રિયા કરતી વખતે ભાવ જો જાગ્રત ના થતો હોય, તો તે કારણે એ ક્રિયાને છોડી દેવાની જરૂર નથી, જો છોડી દઈએ, તો તો તેના પરિણામ ખતરનાક આવે, કેમકે, દ્રવ્યક્રિયા છૂટી થયા પછી હાથમાં હિંસાદિ મિથ્યા ક્રિયાઓ જ રહેવાની અને આ મિથ્યા ક્રિયાઓમાં શુભ પરિણામી ભાવ જગાડવાની કોઈ તાકાત નથી.
ભાવનું જાગ્રત થવું એ કોઈ સામાન્ય કે નાનીસૂની વાત નથી. એને માટે સમજણું પૂર્વકની સમ્યગ્ ક્રિયાઓના ખૂબ ખૂબ પ્રયત્નો કરવા પડે છે. એટલે, દ્રવ્યક્રિયા વખતે ભાવ જો જાગ્રત ના થતો હોય, તો એ ‘અજાગ્રતિ’ વિષે ‘જાગ્રત’ રહીને અને ભાવ જગાડવાના ઉદેશને જીવંત રાખીને ક્રિયાઓ ચાલુ રાખવામાં જ લાભ છે. કોઈક સુભગ પળે, ભાવ જાગ્રત થઈ જશે. અપૂર્વ ભાવ જો પ્રાપ્ત થઈ જશે, તો, કરેલી અસંખ્ય દ્રવ્ય ક્રિયાઓની નિરર્થકતા પછી અપૂર્વ સાર્થકતા આપણને મળશે જ. એની શરત માત્ર એટલી જ છે કે આવશ્યક સમજણ અને ભાવનું સંવેદન મેળવવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ; ભાવ આપણામાં જાગ્રત નથી થતો એ હકીકતને આપણા પ્રયત્નની ખામી ગણીને આપણી તમામ શક્તિઓને તે માટે આપણે કામે લગાવવી જોઈએ. આ વાત તરફ આપણે દુર્લક્ષ્ય કરીશું તો પછી એવા પ્રકારની શુષ્ક ક્રિયાઓ સદાકાળ વંધ્યા જ રહેશે.
આ કાર્ય માટે ઘણા આલંબનોની આપણને જરૂર પડે છે. મુખ્ય આલંબન આમાં ‘સદ્ગુરૂનું છે, આપણે સુદેવ અને સુગુરૂ એ બંનેને પરમાત્મા ગણવાના છે. એક દૃષ્ટિથી, સાપેક્ષ ભાવે, સદ્ગુરૂ તો ‘પ્રત્યક્ષ પરમાત્મા' છે. સમુદ્રમાં અગાધ અને અથાગ જળ પડ્યુ છે. પરંતુ, જ્યારે આગ લાગે ત્યારે આપણા આંગણામાંનો કુવો અથવા આપણા ગામ કે શહેરનું વોટર વર્કસ કામમાં આવે છે. એટલે, નિરંજન નિરાકાર વીતરાગ પરમાત્માના કે સાકાર સ્વરૂપ તરીકે સદ્ગુરૂનું આપણે આલંબન લઈશું તો તેથી આપણને મહાન લાભ જ થવાનો. આપણી જાતને ઉચ્ચ ભૂમિકા ઉપર ચડાવવાનું અને નીચે પડતી અટકાવવાનું કામ, યોગ્ય ગુરૂ દ્વારા જ થઈ શકે છે.
કર્મ, કર્મના સ્વરૂપ તથા કર્મની અસરો ઈત્યાદિની સામાન્ય સમજણ આપણે અહિં મેળવી લીધી છે. આ વિષયમાં વધુ જાણવાની જિજ્ઞાસા અવશ્ય જાગશે. આ માટે પણ સદ્ગુરૂ રૂપી તજજ્ઞ તેમજ સંત પુરૂષનો સત્સંગ સાધવાનું આવશ્યક છે. શોધવા નીકળશું તો તો અવશ્ય મળશે જ.
આ વિષયમાં ઉંડા ઉતરવાની વાતને આપણા અંતઃકરણમાં અંકિત કરીએ અને હવે આગળ વધીએ.