________________
આત્મબલિદાન સ્ટિફને નીચે નમી તેને હાથમાં લઈને જોયું, તો માઇકેલ સન-લોકસે તેને પાછી આપેલી પૈસાની થેલી હતી.
તરત જ કોઈએ તેના માથામાં ફટકો માર્યો હોય તેમ તે ધબ લઈને પાછો નીચે બેસી પડ્યો. તે જ વખતે મોજાં ઉપર ચડીને દૂરથી આવતો માઈકેલ સન-લૉકસનો અવાજ તેને સંભળાય : “તમે હવે એ રસ્તે ફરી પૈસા ભેગા કરવા પ્રયત્ન નહિ કરો. તમારું વચન યાદ રાખજો બાપુ, તમારી બાકી રહેલી જિંદગી હું ખરીદી લઉં છું.”
સ્ટિફનનું હૃદય ધબકતું બંધ પડી જવા લાગ્યું. તેણે પેલા પુસ્તા તરફ નજર કરી, તો ત્યાં હવે દીવો ન હતો. તેણે પેલા જહાજ તરફ નજર કરી, તો તે હવે આ તરફ જ આવતું હતું. એક-બે-ત્રણ મિનિટ એમ જ પસાર થઈ ગઈ; દરમ્યાન એ જહાજ નજીક જ આવતું જતું હતું. એ જહાજ ઉપર જીવતા માણસો હશે, અને તેઓ તેમના મોત તરફ જ અજાણમાં ધસી રહ્યા છે તેમને પત્નીઓ હશે જેઓ તેમને ચાહતી હશે; અને છોકરાં હશે, જે તેમને ઢીંચણે ચડીને રમવા આતુર હશે. પણ પોતે ફાનસ તોડી પાડ્યું, તે પહેલાં તેઓએ એને જોઈ લીધું હોય તો કેવું સારું! પણ અરેરે ! જહાજ તો આ તરફ જ સીધું આવતું જાય છે; જરાય દૂર ફંટાતું નથી. તેમણે એ ફાનસ નહીં જ જોયું હોય; કાળઅંધાર ખડકોને કાળઅંધાર દરિયો માનીને તેઓ સીધા આ તરફ આવ્યું જાય છે !
સ્ટિફન અકળાઈ ઊઠયો – ગભરાઈ ઊઠયો. તેણે સીધા એ જહાજ સામે ધસી જઈ, એ લોકોને ચેતવવા જવાનો વિચાર કર્યો. તેણે હોડી જલદી જલદી એ જહાજ તરફ લીધી. પણ આ શું? તે જહાજથી થોડે દૂર રહ્યો એટલામાં તે ઉત્તર તરફના પ્રવાહમાં ઘસડાવા લાગ્યો. તેણે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે જહાજ પાસે જઈ ન શક્યો. પછી તેણે બૂમો પાડવા માંડી, પણ પવન તેના અવાજને જુદી દિશા તરફ જ ઘસડી જવા લાગ્યો.