________________
4
જ્ઞાનતંતુનાં યુદ્ધ
મથુરામાં થયેલી રાજહત્યા પછી કોઈ માણસ નિરાંતે ઊંઘતો નહોતો. સહુ કોઈનું હૈયું દળાતું હતું, સહુનો જીવ ભારે હતો. દિવસ કેમે ખૂટતો નહિ, રાત તો વેરણ બની જતી.
રાજવંશનું રક્ત ભારે હોય છે. અને એ રેડાયા પછી અનેક પ્રકારનાં અનિષ્ટની શંકાઓ માનવીના દિલમાં ઘમ્મરવલોણાં ફેરવે છે !
મથુરાની ગાદી પર કંસદેવના કેદી પિતા ઉગ્રસેન બિરાજતા હતા, અને અત્યાચારી કંસ નામશેષ થતાંની સાથે એનો પ્રતાપ પણ નામશેષ થયો હતો.
આ રાજક્રાંતિ માટે બે વસ્તુ ખપમાં આવી હતી : એક, કંસદેવના જુલમથી કંટાળેલી પ્રજા અને બીજી, ગોકુળ-વૃંદાવનના ગાયો ચારતા ગોવાળોમાંથી બનેલી ગોપર્સના ! કૃષ્ણ અને બલરામના આધિપત્યમાં રહીને એણે ચક્રવર્તીની સેનાને છાજતું કૌશલ અને પરાક્રમ દાખવ્યાં હતાં.
કામ પરિપૂર્ણ થયું હતું. ખપ પૂરતી ગોપસેના મથુરામાં રહી હતી અને બીજી ગોકુળ વૃંદાવનમાં પાછી ફરી રહી હતી.
ગોપસેનાને મથુરા ભાવતું નહોતું. જમનાજીનાં એ અતળ શીતળ જળ ત્યાં નહોતાં, જેમાં નાહીને તેઓ શ્રમ નિવારે !
એ કદંબ વૃક્ષની ઘટાઓ ત્યાં નહોતી, જે ઘટામાં નર વાનરની સાથે રમે, ઠેકડા મારે ને આંખમિૌલી કરે.
ને સહુથી વધુ તો બાલવિના શીળા પ્રકાશમાં નર્તન કરતી ને વનમાં ચરવા જતી ને સંધ્યાના રંગમાં વત્સની ચિંતામાં ઉતાવળી ઉછરંગે પાછી ફરતી ધેનુઓ ત્યાં નહોતી. ને એ ધેનુથી પણ વધુ સલૂણી એવી ગોપાંગનાઓ ત્યાં નહોતી. તેઓ
માનતા કે સંસારના સર્વ આસવો, પેર્યા, આસ્વાદો કુદરતે નર-નારનાં દેહમાં સભર ભર્યાં છે. હીરા, મોતી, મહેલ, સિંહાસન, મિષ્ટાન્ન કે વૈભવ એ સર્વ એ બેના સમત્વની પાસે નિરર્થક હતાં.
આ ગોપાંગનાઓ નિર્દોષ શૃંગારનો અવતાર હતી. રસિકાઓને છોડીને રસનો આસ્વાદ માણવો, એ ત્યાં સહજ આનંદ મનાતો. એ વખતે રસવિભોર
ગોપિકાની દેહમૂર્તિ નિહાળવી અનેક જન્મનાં પુણ્યનું ફળ લેખાતું. આ ગોકુળવૃંદાવનનાં વ્રજોમાં રોજ દિવાળી ને રોગ ફાગના તહેવારો ઊજવાતા.
ત્યાંનો માણસ ઈર્ષ્યા, ચિંતા કે અસૂયા જાણતો નહોતો; અને એ કાલંદીના કાલીય નાગ જેવાં ભૂંડાં માનતો.
ચાર ગોપિકાઓ ચત્વરે કે ત્રિભેટે મળી ને સામે એક રસિયો ગોપ મળ્યો, તો એનું આવી બનતું ! ને એ રીતે ચાર રસિયા એકઠા મળ્યા, ને સામે એકલી ગોપિકા મળી, તો જોઈ લ્યો ગમ્મત !
ગોપિકા ને ગોપ ખુદ કવિતા ને ખુદ કંઠ હતાં, ખુદ સૂર ને ખુદ નુપુર હતાં. અહીં ગીત હતા ઋતુનાં, રંગનાં, મોસમનાં ! અહીં ગાન હતાં મહીની મટુકીનાં, પયોધરોનાં, પ્રેમનાં ને દાણનાં !
પણ એ બધાંમાં એક અજ્ઞાત સૌરભ ભરી હતી; એની પાછળ વ્યભિચાર જેવી ગંદકીનાં ગરનાળાં નહોતાં છલકાતાં !
જીવનને જીવવા જેવું મીઠું કરનાર સર્વ સામગ્રી ગોકુળ-વૃંદાવનના વ્રજોમાં મોજૂદ હતી, એટલે ગોપસેનાનો મોટો ભાગ રજા મળતાં મથુરા છોડી ગયો હતો.
સૈનિક બનેલા ગોવાળે જઈને બખ્તર ઉતારી નાખ્યાં, એણે જઈને ખડગ ખીંટીએ લટકાવી દીધું. કાળો કામળો ખભે નાખ્યો. હાથમાં ડાંગ લીધી અને ઘરઆંગણાની ગાયને છોડીને એ નીકળી પડ્યો, જમનાજીના કાંઠા પર વિહાર કરવા! ગોપાંગનાઓ નાચવા આવી. વાનરો રમવા આવ્યા. મોર ટહુકવા આવ્યા. પ્રેમની બંસી છેડાઈ ગઈ !
એક આખી બાદશાહીના બદલામાં પણ ગોપલોકો આ જીવનની આપલે કરવા તૈયાર નહોતા. આ મજા પાસે રાય પણ રંક લાગતો, મોટો ભૂપ મોટો ભિખારી ભાસતો. જીવન જીવવા માટે છે, મોજ માણવા માટે છે, પરસ્પર પ્રેમ કરવા માટે છે - ઈર્ષ્યા કરવા માટે કે ઝઘડવા માટે નથી !
ગોપસેનાના જુવાનો હવે મથુરાની રાજહત્યા ભૂલી જવા માગતા હતા. પૃથ્વી પર અધર્મનો ભાર વધી પડ્યો હતો અને એ ઊતર્યો હતો. ફરજ હતી તે પૂરી થઈ
જ્ઞાનતંતુનાં યુદ્ધD 25