________________
મતભેદ હોવાથી જુદા પડવાની તૈયારીમાં હતા; ત્યાં રાજ્યશ્રીએ પોતે પોતાના લગ્નની વાત ગોઠવીને બધાનું મન આ તરફ વાળી લીધું.' રાજ્યશ્રીની માતાએ ખુલાસો કર્યો.
જશનો બદલો અપજશથી એ આ નગુરી દુનિયાનો ન્યાય છે. સાચું કહું છું. રાજકુંવરીઓમાં આટલું ડહાપણ મેં ક્યાંય જોયું નથી.' રથનેમિએ રાજ્યશ્રી તરફનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો.
‘કહ્યું છે ને કે અણીનો ચૂક્યો સો વર્ષ જીવે !' રાજ્યશ્રીની માતાએ કહ્યું.
થોડી વાર રહીને રથનેમિએ કહ્યું, ‘આપણા આવા નેતાઓને યુદ્ધમાં જતાં રોકવાનું પગલું કેટલું શાણપણ ભરેલું હતું ? યુદ્ધ શરૂ કરતાં કે એમાં ભાગ લેતાં સો ગરણે ગળવું જોઈએ. જીવતાને મારી શકાય, મરેલાને જીવતા કરી શકાય નહિ, એ સ્પષ્ટ છે ! હું મારી વિચારસરણી મુજબ કુરુક્ષેત્રે નથી સંચરવાનો. યુદ્ધ એ પુરુષો માટે દિલબહેલાવ હશે, પણ સ્ત્રીઓ માટે તો નર્યો શાપ છે !'
ધન્ય છીએ અમે. અનિષ્ટમાં ઇષ્ટનાં દર્શન આનું નામ. જો આપનો પૂરતો પરિચય પ્રાપ્ત થયો ન હોત તો આપને માટે પણ અમે કંઈનું કંઈ માની લેત !' રાજ્યશ્રીના પિતાએ રથનેમિ તરફ મમતા દર્શાવતાં કહ્યું.
‘એમ માનવાનો આપનો હક હતો. બાકી રાજ્યશ્રીનાં ડહાપણ, શીલ ને સંસ્કાર માટે મારો અભિપ્રાય ઘણો ઊંચો છે; એ તો અંધારિયા પક્ષની ચાંદની છે. પણ કુદરત ઘણી વાર વેલે કોળાં વળગાડે છે !'
‘કેટલું બધું સાચું છે તમારું કહેવું ! અમે તો આ ઘટનામાં પણ કંઈક શુભ સંકેત કલ્પીએ છીએ.’
નિ:સંશય. જે થાય તે સારા માટે. ઉતાવળ થઈ હોત તો રાજ્યશ્રી માટે પરણીને પસ્તાવા જેવો ઘાટ થાત.' રથનેમિએ કહ્યું.
એવામાં રાજ્યશ્રી જરાક સળવળી.
સત્યારાણીએ રથનેમિ તરફ ફરતાં કહ્યું, ‘તમે હમણાં અહીં જ રોકાજો. જવાની ઉતાવળ ના કરશો; કદાચ તમારું કામ પડે. અમારા મહાલયના ખંડમાં જ વિશ્રામ કરો.’
રથનેમિને તો ભાવતું હતું ને વૈધે કહ્યા જેવું થયું.
‘કોણ પણ સેવા માટે તૈયાર છું.' રથનેમિએ કહ્યું ને ખંડમાં જવા વિદાય લીધી. એનો પ્રભાવ બરાબર જામ્યો હતો.
348 – પ્રેમાવતાર
47
આશા નિરાશ
સૂર્યોદયે સુરજમુખી મોં ફેરવે એમ બેભાન બનેલી રાજ્યશ્રીએ મોં ફેરવ્યું. એનાં બિડાયેલાં પોપચાં રૂપની શ્રી પેદા કરતાં હતાં, અને દેવપ્રતિમા જેવું નિર્દોષ મોં હરકોઈના અંતરમાં લાગણી જગાવતું હતું.
રાજ્યશ્રીની દેહ પર હજી પણ પીઠીનો સુવર્ણ વર્ણ શોભતો હતો. વાળની લટો એ જ બકુલ ફૂલના ભારવાળી હતી, કપોળ પર મૃગમદની અર્ચા હતી, હાથમાં કંકણનો ભાર હતો અને પગનાં પાયલ હજી અણધારી રીતે રણઝણી ઊઠતાં હતાં. પાસે ઊભેલી ચિંતાતુર માતાને જોતાં જ દીકરી ક્ષીણ સ્વરે બોલી, “મા ! મારું સુંદર સ્વપ્ન તૂટી ગયું !'
‘હા, દીકરી !’ માએ એટલું કહ્યું. એનું હૃદય વેદનાથી ભર્યું હતું. એ મનને કાબૂમાં રાખી રહી હતી. લાગણીની જરાક અતિશયતા રોવરાવી નાખે તેવી હતી. માને મોટી દીકરી સત્યા કરતાં આ બટકબોલી ને ઉછાંછળી રાજ્યશ્રી પર વધુ વહાલ હતું.
મા ! શું ખરેખર, સ્વપ્ન તૂટી ગયું ?'
‘હા દીકરી ! આપણે કોઈના દિલમાં થોડા જ પેસી શકીએ છીએ ?’ ‘એમાં દિલમાં પેસવાનો સવાલ જ ક્યાં છે ? મને શું કામ જગાડી ?'
‘ન જગાડીએ તો શું કરીએ ?' મા આ અજબ છોકરીની અજબ વાતો સમજી શકતી નહોતી.
“મા ! મારું સ્વપ્ન તૂટી ગયું. હું કેવું સુંદર સ્વપ્ન માણતી હતી !'
‘બેટી ! સ્વપ્નની સુખડી કંઈ ભૂખ ન ભાંગે.'
‘પણ મા, આ સુખડી તો સાચોસાચ ભૂખ ભાંગે એવી હતી - ભવોભવની