________________
એમ લાગતું હતું કે યુદ્ધકાળ એ તો એમને મન બાળકની રમત જેવો કાળ હતો. ખરો કસોટીનો કાળ તો હવે જ આવ્યો હતો. તેઓ બોલ્યા. બહેન સુભદ્રા, કુંતી ફઈબા, દ્રૌપદી અને ઉત્તરારાણી ! તમે સૌ ધીરજ ધરો. ધર્મનું શરણ ધરો. સહુ સારા વાનાં થશે.’
પણ આશ્વાસન નિરર્થક નીવડ્યું; બલ્કે શબ્દોએ ધીરજનો બંધ તોડી દીધો. ખુલ્લા મોંએ બાળક માબાપ પાસે ૨૩, એમ બધાં ૨ડી રહ્યાં. એમનાં અશ્રુ રાજમહેલની ફરસને ભીંજવી રહ્યાં. સર્વત્ર અસ્વસ્થતાનું સામ્રાજ્ય પ્રસરી રહ્યું.
આ બધાંમાં સ્વસ્થ લાગતા હતા એકલા શ્રીકૃષ્ણ. છતાં એમના અંતરમાં પણ ભારે મંથન ચાલી રહ્યું હતું. દિશાઓને, મરુતોને અને દેવોનેય થંભાવી દે એવો નિશ્ચય એમની મુખમુદ્રા પર આકાર ધરી રહ્યો હતો.
થોડી વારે એ આગળ વધ્યા. એમના એક એક કદમમાં જે કૌવત હતું, એ યમરાજને પણ આગળ વધતા અટકાવે તેવું હતું.
ઉત્તરાની આગળ કસમયે જન્મેલો બાળક મૃતવત્ પડ્યો હતો, શ્રીકૃષ્ણે પોતાની નજર એના પર સ્થિર કરી.
થોડીએક પળો એમ ને એમ વીતી.
શ્રીકૃષ્ણના ઓષ્ઠ વજદ્વારની જેમ બિડાયેલા હતા, એ થોડા ખૂલ્યા ને એમાંથી શબ્દો શર્યા, ‘ધર્મ મને સદા વહાલો લાગ્યો હોય, તો આ શિશુ ફરી શ્વાસોશ્વાસ લેવા લાગજો.'
ન
મશ્કરીમાં પણ હું અસત્ય વઘો ન હોઉં તો આ બાળક જીવતો થજો !' ‘યુદ્ધમાં મેં કદી પાછી પાની ન કરી હોય તો આ બાળક જીવન ધારણ કરજો!' વિજયને સમયે મેં કદી વિરોધભાવ ન દાખવ્યો હોય તો તે સત્યના બળથી આ શિશુ પુનર્જીવિત પામજો.’
શબ્દો સંજીવની જેવા હતા. શ્રીકૃષ્ણના મોં સામે મીટ મંડાય તેમ નહોતી. અને સૌના આશ્ચર્ય વચ્ચે નિશ્ચેતન બાળકમાં જીવનનો સંચાર થતો દેખાયો. થોડી વારે એણે હાથપગ હલાવ્યા.
રોતી સ્ત્રીઓએ આનંદનાં આંસુ વહાવવા માંડ્યાં ! ક્ષણ પહેલાંના શોકનાં આંસુ હર્ષનાં આંસુ બની ગયું - સંસારમાં જાણે શોક ને હર્ષ પાડોશી ન હોય!
અર્જુન દોડીને શ્રીકૃષ્ણના પગમાં પડ્યો, અને બોલ્યો, ‘આપનું સારથિપદ મહાભારત યુદ્ધમાં નહિ, પણ આજે સાચું સિદ્ધ થયું. અમારા કુળના આપ એકમાત્ર સાથિ. આપને અમારાં વંદન હો !'
396 ] પ્રેમાવતાર
યુધિષ્ઠિરકના હૃદયમાં ધર્મ અને સત્યનો આ જીવંત વિજય જોઈ અપૂર્વ આનંદ થયો. લોકાપવાદ શ્રીકૃષ્ણને છલપ્રપંચી ઠરાવતો હતો અને યુદ્ધમાં અસત્ય ને અધર્મના જે દાવ ખેલાયા તેના અધિપતિ તરીકે તેઓને માનતો હતો, તે અપવાદ આજ ટળી ગયો.
થોડી વારે હર્ષાતિરેક શમતાં યુધિષ્ઠિર બોલ્યા, ‘પ્રભો ! અમારા કુળનું આપ પૂજાસ્થાનક છો ! આજ શ્રીકૃષ્ણચંદ્રને લાગેલી ૨જ ધોવાઈ ગઈ ને મુખ યશોજ્જ્વલ થયું તે માટે આપનો પાડ માનું છું. અમને લોકો ગમે તે ઉપાલંભ આપો, પણ અમારા પૂજ્યને કદી કોઈ એક ખોટો અક્ષર પણ ન કહો, એવી અમારી ઇચ્છા છે.’
ભીમની તો આનંદ વ્યક્ત કરવાની રીત જ અનોખી હતી. એણે શ્રીકૃષ્ણનાં ચરણની રજ મસ્તકે ચડાવી અને શ્રીકૃષ્ણને આખા ને આખા તેડી લઈને ઘણી વાર સુધી નૃત્ય કર્યું.
સ્ત્રીઓએ હાલરડાં ઉપાડ્યાં ! સંસાર પણ કેવો અજબ છે; ઘડીમાં રૂદન, ઘડીમાં હર્ષ ! ઘડીમાં છાંયો, ઘડીમાં તડકો !
એ બાળકે મોટાઓના ધર્મની પરીક્ષા લીધી માટે એનું નામ પરીક્ષિત રાખ્યું. હસ્તિનાપુરમાં કુરુવંશની હસ્તી ટકી રહી, બાકી તો આ મહાભારતમાં ભલભલા ટળી ગયા હતા. મહારથી જરાસંધનું મગધ આજે હયાત નહોતું. બલ્કે એ વખતના પ્રચલિત રિવાજ મુજબ જરાસંધની દીકરી પોતાના પિતાના હણનાર ભીમને વરી હતી.
અને એવું જ આશ્ચર્ય ચેદિ દેશના રાજા શિશુપાળના પુત્ર ધૃષ્ટકેતુનું હતું. બાપે મરતાં સુધી પાંડવો અને શ્રીકૃષ્ણનો દ્વેષ કર્યો હતો, દુશ્મનાવટ નિભાવી હતી, ને તેનો પુત્ર ધૃષ્ટકેતુ પાંડવોના પક્ષમાં રહીને લડ્યો હતો.
આજે સિંધુસૌવીરનો પરાક્મી જયદ્રથ નહોતો, એનો જયનો રથ પરાજયનો રથ બન્યો હતો !
ઉત્તર તરફથી પીતવર્ણી પ્રજાનો માલિક ભગદત્ત આજે સંસારમાં શોધ્યો જડતો નહોતો. અને જેના પરાક્રમનાં ભૂરિભૂરિ અભિવાદન થતાં હતાં, એ ભૂરિશ્રવા પણ ગઈ ગુજરી બન્યો હતો ! એનાં ગદા, તલવાર ને પરશુ ક્યાંય શોધ્યાં મળતાં નહોતાં.
મદ્ર દેશનો રાજા શલ્ય, કર્ણનો સારથિ, આજ શ્રીકૃષ્ણના અત્યુત્તમ સારથિપણાને લીધે નિંદાતો હતો ને મર્યા પછી પણ ગાળો ખાતો હતો. માદ્રી રાણીનો ભાઈ અને નકુલ-સહદેવનો મામો શલ્ય શત્રુ સિદ્ધ થયો હતો.
અરુણોદય – 397