________________
તું તારા આત્મામાં સ્થિર થા.'
‘તું મળી એ પહેલાં હું સ્થિર જ હતો. અનેક સાધુઓ મને સેવતા, યોગીઓ મારા તપ અને ધ્યાનનું ઉદાહરણ લેતા; પણ તને જોઈ હું બદલાઈ ગયો ! તું જ મારી સિદ્ધિ છે, મેં આ સાધુવેશ સ્વીકાર્યો છે, તેનું કારણ પણ તું જ છે. રાજ્યશ્રી ! મારી સાધુજીવનની ઉપાસના અને મારા ત્યાગ, તપ અને તિતિક્ષાનું કેન્દ્ર પણ તું જ છે!' ‘તો મારું ધ્યાન ધરી લે ને પવિત્ર થઈ જા. મારા બોલ અંતરે ઉતાર અને તારા મહાન ભાઈના પગલે પળી જા. આ વીજ કરતાંય જીવન વધુ ચપળ છે. ને ડુંગરનાં આ વહેતાં પાણી કરતાંય યૌવન વધુ વેગવંત છે. રથનેમિ ! સંસાર આપણને જોતો નથી, પણ આપણે આપણી જાતને જોઈએ. આજ આપણે એવો આત્મવિજય વરીએ, એવો ઇતિહાસ રચીએ કે સંસારમાં આપણું શીલ દીવાદાંડીરૂપ બની રહે. જ્યારે જ્યારે કોઈ ભૂલા-ભટક્યા ઘેલાં સ્ત્રીપુરુષ ઘેલછાં કરવા એકઠાં મળે ત્યારે આપણા દૃષ્ટાંતથી એમને સન્માર્ગે વળવાનું બળ મળે.’
‘સાચી વાત ભાભી!' રથનેમિના અંતરનું ઝેર ઓછું થતું જતું હતું.
*સાધુ ! આપણું આચરણ અવનિમાં અનર્થ જન્માવનારું ન હોવું જોઈએ. આપણો ઇતિહાસ લોકો જાણે અને કહે કે સાચાં અને પવિત્ર હતાં એ નર ને નાર. એકલાં મળ્યાં, એકાંતે મળ્યાં, તોય વ્રતથી અને ટેકથી ન ચળ્યાં !'
‘રાજ ! બોલ્યું જા ! મારા મનમહેરામણનું મોતી બરાબર વીંધાઈ રહ્યું છે. મારું અંતર જાગી રહ્યું છે.' રથનેમિનાં નેત્રો નીચાં ઢળી રહ્યાં હતાં.
‘રથનેમિ ! વ્યક્તિ વિશ્વનો અંશ છે. આપણાં સારાંનરસાં કાર્યનો ઇતિહાસ રજેરજ અહીં અંકાય છે. યાદ રાખ કે વૃક્ષની જાણકારી બહાર કોઈ પાંદડું પીળું પડતું નથી. વિશ્વ વૃક્ષ છે, આપણે પર્ણ છીએ.’
રથનેમિ પૃથ્વીસરસો ઝૂકી રહ્યો, બોલ્યો, ‘ભાભી ! ના, ભૂલ્યો, માતા ! મારી ગુરુ!' ને વાદળે નગારા પર ઘા દીધો.
વીજે ઝબકારો કરીને આરતીના શતશત દીવા પ્રગટાવ્યા. બપૈયાએ ધીરજની વાણી ઉચ્ચારી.
રથનેમિ ! સાધુ ! આ મેઘ જેવું વ્રત લે. નિરપેક્ષ ભાવે નિર્દોષ રીતે વરસી જા. ધરતીમાં ઊતરી અદશ્ય થઈ જા. હરિયાળી બનીને જગતને લીલુંછમ બનાવી જા. તું રોગી નથી, શોકી નથી. તું તો યોગી છે. યોગી ત્રણ લોકનો રાજવી, એનો કોઈ રાજા નહિ.' રાજ્યશ્રીએ કહ્યું.
રથનેમિ ગદ્ગદ્ કંઠે બોલ્યો, “સાચો યોગી મારો ભાઈ નેમ ! સાચો ત્યાગ
એનો. અમે તો તમારાં છોરું ને તમારાં વાછરું !'
392 7 પ્રેમાવતાર
સર્વ વ્યાધિનો ઉપાય પ્રેમ અને પ્રાયશ્ચિત્ત છે.' રાજે કહ્યું.
સાધુ નજીક આવ્યો. રાજ નજીક સરી. પણ અત્યારે સાધુના રોમમાંયેઅણુમાંયે વિકાર નહોતો.
‘રથનેમિ ! જા ! માર્ગ તારો અનુકૂળ હો, પુરુષસિંહ ! તારી સાધનાનો વિજય હો !'
‘આજનો પ્રસંગ મારા માટે કાળી ટીલી બનશે, કાં ?' રથનેમિના અવાજમાં પશ્ચાત્તાપ હતો.
‘ના. એ તારું જયતિલક બનશે. તારી ગાથા ગૌરવભેર ગવાશે.' ‘આશિષ ! રાજ ! મારી ગુરુ !'
રથનેમિએ રાજના ચરણ જ્યાં પડ્યાં હતાં, ત્યાં ધૂળ પર હાથ અડાડ્યો, ને એ ગુફામાંથી બહાર નીકળી ગયો.
એનો આત્મા જાગી ઊઠ્યો હતો.
ભાભી C 393