________________
બંસીના સાદે એણે ભક્ષ શોધવા માંડ્યું. સુરના રાહે એ આગળ વધ્યો. જોયું તો સવત્સા ગૌ !
સિંહને થયું. અરે, આજ પુરતો ભક્ષ સાંપડી ગયો, આજ પૂરી મિજબાની થશે. પેલા બંસીના નાદો તો હજી પણ અનવરત આવી રહ્યા હતા. સિંહ આગળ વધ્યો, પણ એની ભાવનામાં પરિવર્તન આવવા લાગ્યું, ગાયની નિર્દોષતાને, એની મધુરતાને, એના અપત્યપ્રેમને એ અનુભવી રહ્યો.
અને એથી વધુ આશ્ચર્ય તો વાછરડાને જોઈને થયું. મા કેવી ચાટી રહી છે પોતાના વત્સને ! જનેતાની માયા સંસારમાં અજોડ છે. સિંહ સરખામણી કરી રહ્યો.
સિંહને પોતાનાં બાળ માટે લાગણી પ્રગટ કરતી સિંહણ યાદ આવી. રે! એનું બાળ કોઈ લઈ જાય, તો એ માતાને કેવું થાય ? ને મારા જેવા પિતાને કેવું લાગે? અને એવું જ આ ગૌમાતાને એના ગોવત્સને માટે કેમ ન લાગે ? જીવ તો સહુને વહાલો છે. જીવ કોઈ આપવા માગતું નથી, સહુ જીવ બચાવવા માગે છે !
સિંહને આ આત્મૌપત્યની ફિલસૂફી ન સમજાઈ, પણ એને ગાય પર પ્યાર જાગ્યો. રે ગૌ ! મારાથી ન ડરીશ, હું હત્યારો નથી !
અને સિંહના પગલે સિંહણ આવી. સિંહને જોઈને છક્કા છૂટી જાય ! એમાં પણ ગાયના તો મોતિયા મરી જાય ! પણ વાહ રે ગાય ! એ જરાય ન ડરી. એણે સામે જઈને સિંહણનું સ્વાગત કર્યું ને કહ્યું, ‘આવો સિંહણબહેની'
ભોળા જગતનું ભોળું વાછરડું ! એને તો સંસારની બધી સ્ત્રીઓ માતા લાગે. એ સિંહણને જઈને ધાવવા લાગ્યું.
ગાયે વત્સને વારતાં કહ્યું, ‘વત્સ ! અનધિકારનું-અણહકનું દૂધ કેમ પીએ? સિંહણબહેનીને પણ પોતાનાં સંતાન ધવરાવવાનાં હશે ને ?’
‘ના રે બહેની ! નિજના બાળને તો સહુ ઉછેરે, એમાં મહત્ત્વ શું ? પરનાં બાળને પોતાનાં કરીએ, ત્યારે આપણામાં આપણાપણું પરખાય !' સિંહણનું અંતર પ્રેમની અબોલ વાણી ઉચ્ચારી રહ્યું.
એકબીજાને નજરે દીઠ્યા ન મૂકનાર, આજ અહીં મમતાનાં મીઠાં બંધને બંધાણા છે. પ્યારની અજબ દુનિયા રચાઈ ગઈ છે !
ભલા કયું દિવ્ય જળ આ કડવી ભૂમિના મૂળને મીઠું બનાવી રહ્યું છે ? ઓહ! ઉસર ભૂમિને આટલી ફળદ્રુપ કોણ સર્જાવી રહ્યું છે ?
અહીં તો સંસાર આખો મનમીઠો ને જીવવા જેવો લાગે છે ! ચાલો, ચાલો, ત્યારે બંસીના સૂર જે દિશામાંથી આવે છે, એ દિશામાં જઈએ.
402 – પ્રેમાવતાર
રે ! એ બંસીનાદ નથી, આ તો ભગવાન નેમનાથની પ્રેમબાની છે. એ પ્રેમબાનીએ આ પૃથ્વીમાં, આ પાણીમાં, આ હવામાં, આ જીવોમાં પરિવર્ત આણ્યો છે.
રાજકુમાર નેમ આજ યોગીના વેશે છે. બાહ્ય સંપદા બધી સરી ગઈ છે, પણ અંતર સંપદા એટલી આકર્ષક બની છે કે બાહ્યનો અહીં કોઈ ભાવ પૂછતું નથી. મુખ પર તપ, ત્યાગ ને તિતિક્ષાનાં આભામંડલ એટલાં ભવ્ય રચાયાં છે કે દૃષ્ટાની આંખો આપોઆપ મુગ્ધ ભાવ અનુભવે છે.
પ્રેમવાણી જ્યાં સુધી વહેતી હતી, ત્યાં સુધી આખો પ્રદેશ પ્રેમજળથી તરબોળ રહ્યો. જાણે સ્વાર્થ આ સંસારમાં હતો જ નહિ અને માણસને આપમતલબની વાત કરવી એ આત્મહત્યા કરવા જેવું લાગે છે !
અગ્નિમાં હાથ નાખવો સુકર હતો, દુઃખભરી વાણીથી કોઈના દિલને દુભાવવું દુષ્કર હતું.
ભૂંડું કરવું એ મૃત્યુ લેખાતું,
ભલું કરવું એ જીવન લેખાતું.
શૂરવીર યોદ્ધો ગમે ત્યાં જાય, પણ પોતાની શેહ પાડે, એવું આ મહાન યોગીનું હતું. એ જ્યાં જતા ત્યાં પોતાનું પ્રેમમય વાતાવરણ લઈ જતા. જોનારને લાગતું કે જાણે પ્રેમનો અવતાર પૃથ્વીને પાવન કરી રહ્યો છે.
નેમ યાદવોના અગ્રગણ્ય નરપુંગવોમાંના એક હતા. અભિમાન લેવા લાયક ગણ્યાગાંઠ્યા જનોમાં તેમનું સ્થાન હતું. તેઓના દ્વારકા ભણી આવવાના સમાચારે અનેકનાં અંતરમાં હર્ષ પેદા કર્યો.
પણ ખરેખરો હર્ષ તો રાજકુલોના પાર્શ્વ ભાગમાં રહેતા પતિ-પત્નીના એક યુગલને થયો.
પતિનું નામ વસુદેવ. સતીનું નામ દેવકી.
વસુદેવ અને દેવકી દ્વારકાના શાસનમાં એક રીતે અત્યંત મહત્ત્વનાં હતાં; બીજી રીતે તેઓએ આત્મવિલોપન કરી લીધું હતું. સંધ્યા જેમ વિવિધ રંગોથી આકાશને ભરીને નિશાતારકોની પાછળ છુપાઈ જાય, એમ તેમણે કહ્યું હતું.
સંસારવિદ્યુત બલરામ અને મહારથી શ્રીકૃષ્ણના વસુદેવ પોતે પિતા હતા, પણ એમણે જનકલ્યાણ માટે એ ગૌરવનો ત્યાગ કર્યો હતો. શ્રીકૃષ્ણને શ્રાવણની મેઘલી રાતે ગોકુળમાં નંદ ગોપને ત્યાં મૂકી આવ્યા, બલરામને તો એ પહેલાં જ
પ્રેમની અજબ સૃષ્ટિ D 403