________________
જ જીવવાનું છે. સોમા તને પૃથ્વી ઉપર સ્વર્ગનો ભાસ કરાવશે, આજે જ હું તારો વિવાહોત્સવ રચાવું છું. ને પછી રાજ્યારોહણનો ઉત્સવ કરું છું. તમે બંને એક વાર દ્વારામતીના સિંહાસને બેસો, પછી તમારી ઇચ્છાને અનુકૂળ વર્તજો. દુઃખી દેવકી માતાને હવે વધુ દુ:ખ ન પહોંચાડશો.'
માતાપિતા અને પૂજ્ય વડીલ બંધુની વિનંતીને માન આપી ગજસુકુમાર ઘેર
આવ્યા.
એ વખતે ભગવાન નેમનાથ છ સાધુઓ સાથે સહસ્રામ્રવનમાં પહોંચી ગયા હતા અને આ બાજુ વિવાહ અને રાજ્યારોહણનાં મંગલ વાદ્યોથી દ્વારિકા નગરી ગુંજી ઊઠી.
ગજસુકુમાર પત્નીને લઈ યમુનામાં નૌકાવિહારે ગયો. પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ખીલ્યો હતો. સરિતાનું પાણી રૂપેરી બની ગયું હતું ! એનાં મત્સ્ય પણ રૂપેરી રંગે ચમકી રહ્યાં હતાં.
ગજે સોમાને કહ્યું, “સંસારમાં સ્નેહ કરીને સાથે રહીને સહુ જીવે છે. આપણે એવાં નર-નાર નથી. આપણે દુનિયાને દર્શાવવું છે કે પરણ્યા એટલે ભોગ, રોગ અને શોકનું જીવન વિતાવવું એમ નહિ ! પરણીને પ્રભુતા તરફ પગલાં ભરવાં એ જ સાચું પરણેતર; બાકી તો બધાં ઝાંઝવાનાં નીર ! આ શરીરના સૌંદર્યમાં જોવાનું પણ શું છે ? એ અસ્થિર છે, અનિશ્ચિત છે, નિત્ય સડનારું ને ગળનારું છે. એમાં ભરેલા મળોનો કોઈ પાર નથી !'
સોમા જેમ સુરૂપા હતી તેમ એ સુશીલા પણ હતી. એના અંતરનું સૌંદર્ય એના દેહના સૌંદર્યને વટી જાય એવું હતું. એણે ગજસુકુમારને એના રાહ પર નિષ્કંટક થઈને જવા અનુજ્ઞા આપી. પોતાના પિતાનો પોતાના પર અત્યંત મોહ છે; એ મોહ પૂરો થતાં પોતે પણ રેવતાચળ પર આવી પહોંચશે તેમ એણે વચન આપ્યું.
ગજસુકુમાર નૌકા પરથી જ ભગવાન નેમનાથ પાસે પહોંચ્યા. સોમા એકલી રાજમહેલમાં પાછી ફરી. એ મૌન ધારણ કરી રહી.
ગજ સહસ્રામવનમાં ભગવાન નેમનાથ પાસે દીક્ષિત થયો. એણે પહેલે જ દિવસે માગણી કરી : ‘મહાકાલ સ્મશાનમાં આ રાત ધ્યાનમાં ગાળવા ચાહું છું. ભિક્ષુ મહાપડિમા સ્વીકારીને હું ત્યાં રહીશ.’
ભગવાન નેમનાથે કહ્યું, ‘દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કરો.'
યુગના પ્રવાહો હંમેશાં માનવજીવનને દોરનારા હોય છે. યુદ્ધની હવામાં માણસ હોંશે હોંશે મસ્તક કપાવવા નીકળી પડે છે; પણ માનવીને જ્યારે ત્યાગની હવા લાગી જાય છે ત્યારે તો એ પોતાનું સર્વસ્વ હોમી દે છે, દેહને પણ યજ્ઞશેષ માને છે.
412 Q પ્રેમાવતાર
ગજસુકુમાર મહાકાલ સ્મશાનમાં ગયા. સ્મશાનનું સ્વરૂપ જ બિહામણું હોય છે, પણ જેણે સંસારના સ્વરૂપને જાણ્યું હોય, એને એનું એ બિહામણાપણું સતાવતું નથી !
અડધી જળેલી ચિંતાઓ ભડકા નાખતી હતી. બુઝાઈ ગયેલી ચિતાઓના અંગારા રાક્ષસની આંખો જેવા ધખધખતા હતા.
હાડકાં કરડતાં કૂતરાંઓ જ્યાં ત્યાં ઘૂમતાં હતાં, ને આપસ આપસમાં ભયંકર
રીતે લડતાં હતાં.
નાનાં બાળકોની લાશો જ્યાં ત્યાં દાટેલી પડી હતી. ઘોરખોદિયાં જાનવરો પોતાની મિજબાની માટે એને ફંફોસી રહ્યાં હતાં. ગીધ જેવાં નિશાચરો પણ ત્યાં આંટા મારતાં હતાં. સંસાર જેને અસાર સમજીને તજી દે છે એને માટે ઝપટાઝપટી ચાલતી હતી.
અસાર અને સારની ભારે વિમાસણ ! એક માનવી એક વસ્તુને સાર સમજે; બીજો એને જ અસાર સમજે.
ગજસુકુમાર અભયની મૂર્તિ બનીને ધ્યાનમાં સ્થિર થઈ ગયા.
દેહના મૃત્યુથી જગતમાં મોટો કોઈ ભય નહિ; પણ ગજસુકુમારે એને જ અર્પણ કરી દીધો. અને આત્માથી મોટો કોઈ અભય નહિ ! આજ એને જાગ્રત કરી દીધો. મુનિએ કાયાનો ઉત્સર્ગ કર્યો. એને નમાવી ચાર આંગળને અંતરે બે પગોને સંકોચ્યા; એક પુદ્ગલ પર દૃષ્ટિ સ્થિર કરી. એક રાત્રિના ધ્યાનનો આરંભ કર્યો.
રાત સમસમ વીતી જવા લાગી. ટાઢમાં સાપ ગુંચળા વળવા લાગ્યા. મોડી રાતે અતિસારના વ્યાધિથી મરી ગયેલા એક માણસનું મડદું આવ્યું, એનાં સગાંઓએ ચિતા ખડકીને એને દાહ દીધો.
શબ બળ્યું ન બળ્યું ને બધા ચાલ્યા ગયા - સંસારમાં સગાઈ જીવ હોય ત્યાં સુધીની જ !
મુનિ તો હજી પણ ધ્યાનમગ્ન જ હતા. રાત તો પોતાની રીતે જ વહી જતી
હતી.
એ વખતે એક ટટ્ટુ પર એક માણસ ત્યાંથી પસાર થયો.
સ્મશાનમાં થોભવું કોને ગમે ? ટટ્ટુના અસવારે વેગ વધાર્યો. ત્યાં અંધારી અષ્ટમીના ચંદ્રના અજવાળામાં એણે કંઈક જોયું. જે જોયું એથી એને ખુબ આશ્ચર્ય થયું.
એ કૂદકો મારીને નીચે ઊતર્યો. ધસમસતો પાસે આવ્યો. ચંદ્રના પ્રકાશમાં એણે બરાબર નિહાળીને જોયું તો પોતાનો જમાઈ ગજસુકુમાર !
ગજસુકુમાર D 413