________________
58
ભાવીના બોલ
રેવતગિરિ પર આજે ફરી વસંતોત્સવ ઊજવાતો હતો. યાદવસેનાઓ અને યાદવકુળો નેમનાથને વંદન કરવા અને ક્રીડા કરવા જઈ રહ્યા હતા. યાદવો વ્યવહાર કુશળ હતા. સંદા એક પંથ અને બે કાજ જેવા અવસર યોજતા હતા.
કુરુક્ષેત્ર રચાયું ને સમાપ્ત થયું; શુક્લ પક્ષનો ચંદ્ર ઊગ્યો ને અમાસની અંધારીમાં પરિપૂર્ણ થયો. હસ્તિનાપુરનું પાંડવોનું રાજ્ય વિલાસીઓના બદલે વૈરાગીઓનું ધામ બની ગયું !
વારંવાર એ કળામણ સાદ સંભળાતા હતા : ‘આવા લોહિયાળ સિંહાસને બેસીને શું કરવું છે ?'
કંઈ કહેવાય નહિ. ન જાણે કઈ ઘડીએ મનથી થાકેલા, હારેલા પાંડવો સિંહાસન છોડીને ગિરિગવરોમાં અદૃશ્ય થઈ જાય !
આ વખતે તેજ માં તેજ એકલી દ્વારકામાં દેખાતું હતું. અને ઉલ્લાસમાં ઉલ્લાસ એકલા યાદવોમાં દૃષ્ટિગોચર થતો હતો. તેઓને હૈયે અભિમાન હતું કે આજે દ્વારકાને કે યાદવોને પરાજિત કરી શકે તેવી કોઈ તાકાત પૃથ્વી તટ પર મોજૂદ નથી.
અને ખરેખર, યાદવોનું નામ પડતું ત્યાં ભલભલા રાજવીઓના મોતિયા મરી જતા. મહાભારતના સંગ્રામમાં યાદવનેતા શ્રી કૃષ્ણની શક્તિ ચમત્કાર લેખાઈ ગઈ હતી, અને એ યાદવનેતાના કળ-બળથી જ, જૂનાં વૃક્ષ વાવંટોળથી જમીનદોસ્ત થાય તેમ, ભલભલી રાજ સત્તાઓ ખોખરી થઈ ગઈ હતી. યાદવ- સેનાની શક્તિ કહેવત જેવી બની ગઈ હતી.
યાદવો દિગ્વિજયી લેખાયા હતા. એમના ઘોડા આખા ભારતવર્ષના પાટલા પર નિરંકુશ દોડવા લાગ્યા હતા. એમના ઘોડાને રોકવાની તાકાત કોઈમાં હતી નહીં.
યાદવોના આ ભૌતિક બળની સામે યાદવોના નેતા શ્રીકૃષ્ણ થોડા વખતથી આત્માની, મનની અને અંધકારને દૂર કરવાની વાતો કરતા. વાતવાતમાં એ મનનાં, આત્માનાં ગીત ગાતા. એ ગીત ને એ ગીતા ને એ વાતોને પોતાના બળના ગર્વથી છકી ગયેલા ખુદ યાદવો જ એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખતા. મોટા માણસો આવી ન સમજાય તેવી વાતો શા માટે કરતા હશે?
યાદવો ધીમે ધીમે વિલાસી અને નૃત્ય-ગાનના શોખીન બનતા ચાલ્યા, યાત્રા તો એમના પૂર્વજોનો જીવનક્રમ હતો. પણ આ યાદવોની યાત્રા કંઈક જુદા જ પ્રકારની હતી; એમાં હમેશાં નૃત્ય-ગાન-સ્તાન અને માનની જ વાતો ચાલતી. અને સુંદરીઓ એમના રથની સારથિ ન હોય-સાથે ન હોયતો એમનો યાત્રાનો આનંદ ઊડી જતો.
અને સુંદરીઓ હોય ત્યાં મધ ન હોય તો જુવાની કેમ જાગે ? યાદવો મદિરાના અધિક શોખીન બન્યા હતા. પ્રાંતપ્રાંતમાંથી મળના નિષ્ણાતો દ્વારકા રાજમાં આવીને વસ્યા હતા અને દારૂ ગાળતા હતા.
આખો દિવસ મધ પીવાની મહેફિલો ચાલ્યા જ કરે. જાણે વિલાસપ્રિયતાનો એક આખો સાગર દ્વારકાને વીંટી વળ્યો હતો, ને એના તરંગોમાં સહુ સ્નાન કરી રહ્યા હતી.
યાદવોનું એક જૂથ આ રીતની વિલાસિતામાં મશગૂલ હતું, ત્યારે બીજું જૂથ આ સામે વૈરાગ્યની વાતો કરનારું હતું. એ આ કાર્યપ્રણાલીનો વિરોધ કરતું અને કહેતું : ‘કુરુકુળના વંશજોએ ભૌતિક મૂલ્યો પાછળ મહાભારત નોતર્યું. યાદવો પણ એમની વિલાસિતાથી બીજું યુદ્ધ ન નોતરે તો સારું !'
યુદ્ધ ?
યુદ્ધની વાતો સાંભળીને યાદવો ગર્જતા : ‘યુદ્ધથી યાદવ ન ડરે. યુદ્ધની આકાંક્ષામાં તો યાદવ જીવે છે. યુદ્ધ નથી તો મધ છે ! મઘ નથી તો માનુની છે ! યુદ્ધ આવશે ત્યારે યાદવ પાસે યુદ્ધ સિવાય કંઈ નહિ હોય. સમય સમયના ધર્મ પરત્વે યાદવો સદાકાળ સાવધ છે. માફ કરજો, યાદવોને કોઈ દયા ખાય એ રચતું નથી, કોઈ મુરબ્બી થઈ શિખામણ આપે, એ ગમતું નથી !'
કેટલાક યાદવો યુદ્ધવિરોધી વાતો કરતા ફરતા. એ આશ્રમવાસી ઋષિઓ હતા. મુનિઓ હતા. સદાચારના એ સંરક્ષક લેખાતા ને ધર્મના ધોરી ગણાતા. આ મુનિઓ કાળેઅકાળે ઉપદેશ દેવા લાગતા, અને યાદવોને એ ઉપદેશ ફરજિયાત સાંભળવો પડતો પણ આખાબોલા જુવાન યાદવોને આવી દખલગીરી ન ગમતી. રે ! એવા મુનિઓથી સર્યું !
ભાવીના બોલ 417