________________
59
ઉન્માદ
કોઈ ખરાબ સપનું આવે અને જાગતાંવેંત એ સપનું ભુલાઈ જાય, એમ ભગવાન નેમનાથની વાણી કાળના પ્રવાહમાં યાદવો વીસરી ગયા અને પાછા વારુણી અને વનિતાના વિલાસમાં ખૂંતી ગયા .
ભગવાન નેમનાથ રેવતાચળની ગુફાઓ તરફ ચાલ્યા ગયા, ત્યારે સમાચાર આવ્યા કે સતી રાજ્ય શ્રી નિર્વાણ પામી ગયાં છે !
રાજ્યશ્રીના નિર્વાણના સમાચાર શ્રી નેમનાથને મળ્યા ત્યારે તેઓ એટલું જ બોલ્યો, સ્ત્રીઓ સ્વકર્મમાં ભારે કુશળ હોય છે. પ્રેમમાં ને વૈરાગ્યમાં તેઓને કોઈ આંટી શકતું નથી. પ્રેમમાંય રાજ્યશ્રી પહેલાં ને વૈરાગ્યમાંય પહેલાં; અને આત્મકલ્યાણને પણ એ સહુની પહેલાં વર્યા. એવા સિદ્ધ આત્માઓને સૃષ્ટિનાં વંદન !'
ભર્યા સરોવરને છોડીને હંસ ચાલ્યો જાય, એમ રાજ્યશ્રી છેલ્લા ઘણા વખતથી જનસમુદાયથી અદૃશ્ય થઈ ગયાં હતાં અને છેલ્લે છેલ્લે તો એ ક્યાં રહેતાં હતાં અને શું કરતાં હતાં એની કંઈ માહિતી જગત પાસે નહોતી. જાતવિલોપન એમનો ધર્મ બન્યો હતો. તપ-શીલ સારાં હતાં, પણ એની કીર્તિ ભયંકર હતી, તપકીર્તિ કે શીલકીર્તિ જ તપિયાને કે શીલિયાંને તપથી કે શીલથી પાછાં પાડે છે. જગતની નજર સામે રહેવું સાચા યોગીઓને અકારું લાગે છે, ને એ માટે તેઓ એકાંત સાધે છે.
લોકો કહેતાં કે રાજને રેવતાચળ ખાઈ ગયો.
કોઈ કહેતું, રે ! અમે રેવતગિરિના દુર્ગમ પગથિયાના કાળા પથ્થરો પર અંકિત થયેલી પગલીઓ નિહાળી છે. એ પગલીઓ બીજા કોઈની નહિ, સતી રાજ્યશ્રીની જ છે !
દ્વારકા તો એનચેનની નગરી બની ગઈ હતી. એશ-આરામની વાતોમાં એને જેટલી જિજ્ઞાસા હતી, એટલી તપ, ત્યાગ અને સંયમની કથાઓમાં નહોતી. ગાયન
ને નર્તનનો જેટલો એને નાદ હતો, એટલો આત્માની વાતોનો નહોતો.
યાદવો ચોખ્ખું કહેતા : જે વસ્તુ પ્રત્યક્ષ ન હોય, જેનું પ્રત્યક્ષ પરિણામ ન હોય, એની વાત ન કરશો ! આકાશકુસુમ જેવી કાલી કાલી અપ્રમેય વાતો કરવાથી શું લાભ ?
આત્માની વાત આવા લોકોને કોણ કહે ? આત્મા વિનાના લોકો કોઈ પર્વણી કે કોઈ મેળાને ન મૂકતા. મેળાઓ તો સંપર્ક ને સ્નેહનાં મુખ્ય સાધન બન્યા હતા.
એ મેળાઓમાં ગામ-નગરનાં જૂજવાં રૂપ જોવા મળતાં. ત્યાં છેલછબીલાં નરનારનાં ગીત સાંભળવા મળતાં. અહીં કોલ આપેલાં પ્રેમીઓ મળી શકતાં. છતાં કેટલાય યાદવો મુનિજીવનનો આકરો માર્ગ સ્વીકારીને ક્યારેક રાજ્યશ્રીની ખોજ માં નીકળી પડતા. એક નારીની શોધ માટે આવા તપ-ત્યાગ સ્વીકારવા, એ છોકરાંના ખેલ નહોતા.
પણ રાજ તો જલકમલવતું બનીને જગતમાં અદશ્ય બની ગઈ.
આત્મશોધકો રાજની શોધ કરતા રહ્યા, અને રાજ નિર્વાણ પામી. એની સુમધુર છબી સાથે પવિત્રતાનું તેજ ભળ્યું. અને એક સદાવંદનીય વ્યક્તિત્વને મૂકીને એ આત્મલીન થઈ ગઈ.
પણ યાદવો હવે આવા ચારિત્ર્યને વધુ મહત્ત્વ આપતો નહિ, આવો જીવનનું મૂલ્ય શું ? ખાધું નહિ, પીધુ નહિ, એકત્ર કર્યું નહિ, કીર્તિની પતાકા ફરકાવી નહિ, એ જીવનનો અર્થ શો ?
પવિત્રતાની કિંમત તેઓને નહોતી. પ્રસિદ્ધિમાં એ બહુ માનતા.
પણ આશ્રમોમાં નેમ અને રાજ નાં તપ, ત્યાગ અને સંયમ ચર્ચાનો વિષય બન્યાં હતાં, તેમની તત્ત્વચર્ચાનો પાર પામવા તો યોગીઓ રાતના ઉજાગરા કરતા.
પણ આવા વૈરાગી યાદવો તો મૂઠીભર જ હતા, બાકીના બધા તો વ્યસનોમાં મસ્ત હતા, અને ધર્મની વાતો કરનારની હાંસી ઉડાડતા હતા.
એક વાર રાજવંશી યાદવોનું જૂથ મૃગયા રમવા નીકળ્યું. એમાંથી કેટલાક યાદવો ઉઘાન તરફ વળ્યા. એમને જુગાર, શિકાર કે દારૂ તરફ કશું આકર્ષણ ન હતું. એમને જોઈને પેલા વ્યસની યાદવોએ મશ્કરી કરતાં પૂછયું, ‘રે ઋષિપૂજ કો! ક્યાં જાઓ છો ?
ઋષિપૂજક જૂથે કહ્યું, ‘દ્વારકાના ઉપવનમાં મુનિત્રિપુટી પધારવાની છે. એ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ભાખે છે.”
શું નામ છે એમનું ?” પેલા જૂથે પૂછવું.
ઉન્માદ D 423