________________
મજા પડશે. પછી વારે વારે આપણી ટીકા કરનાર એ દોઢ ડાહ્યા દાઢીવાળાઓની દાઢીમાં ધૂળ નાખશું અને આખી દ્વારકામાં ફજેતી કરીશું.’
ચાલો, ત્યારે આ શબને છોકરીનાં કપડાં પહેરાવો. એ રૂપાળો વધુ છે. એટલે સુંદરી તરીકે શોભી ઊઠશે.'
એક સુંદરીનાં વસ્ત્રો ઉતરાવીને શાંબ નામના યાદવને પહેરાવ્યાં અને એને પેટે પોટલું બાંધ્યું. એ ખુદ શ્રીકૃષ્ણનો પુત્ર હતો.
ગર્ભવતી સ્ત્રીને લઈને એ નશાબાજ ટીખળી યાદવો ઉપવનમાં આવ્યા.
અહીં મુનિઓ જ્ઞાનધ્યાન કરતા બેઠા હતા. ક્યાંક પઠનપાઠન ચાલતું હતું. ક્યાંક શાસ્ત્રચર્ચા ચાલતી હતી. ક્યાંક જ્યોતિષ, પિંગલ, કાવ્ય, વગેરે વિષયોનું અધ્યયન ચાલતું હતું. દુનિયાના વાતાવરણ કરતાં અહીંનું વાતાવરણ સાવ અનોખું હતું. જાણે કોઈ બીજી દુનિયા જ જોઈ લ્યો !
બધે ગંભીરતા પથરાયેલી હતી.'
અરે મહાપુરુષો ! જરા ઊંચું જોઈને હસો તો ખરા ! જ્ઞાને શું તમને પથ્થર બનાવી દીધા છે ?' યાદવોના તોફાની ટોળાએ આવતાંની સાથે વાતાવરણ ફેરવી નાખ્યું.
સમતાવંત મુનિઓ શાંતિ જાળવી રહ્યા. તેઓએ તોફાની યાદવોને આવકાર આપ્યો.
એક હોશિયાર યાદવે હાંસી કરતા બધા યાદવોને આંખના ઈશારાથી થંભાવી દીધા, પછી વિનયપૂર્વક આગળ આવીને એણે એ ઋષિઓને વંદન કર્યું. અને પછી ભારે ગંભીર ભાવ ધારણ કરીને પૂછયું, ‘ત્રિકાલજ્ઞાની મુનિવરો! અમારે આપની પાસેથી એક વાત જાણવી છે. આપની રજા હોય તો અમારા મનની વાત આપને પૂછીએ.’
‘ખુશીથી.' મુનિઓએ ભોળેભાવે કહ્યું.
‘આ છોકરી ગર્ભવતી છે.' આટલું બોલી યાદવ જરા થોભી ગયો. અને એણે પોતાની પાસે ઊભેલા અટકચાળા યાદવોને શાંત રહેવાની સૂચના આપતાં ચેતવણી આપી કે, ‘આ મુનિઓ ત્રિકાલજ્ઞાની છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણેને હાથમાં રહેલ આંબળાની જેમ જાણે છે, અને કહી શકે છે, પણ જો એ નારાજ થઈને શાપ આપે તો સત્યાનાશ કાઢી નાખે.”
આટલું બોલી એ યાદવ મુનિઓ તરફ ફર્યો ને બોલ્યો, “કૃપા કરીને આપ કહો કે આ છોકરીને શું અવતરશે ?
પ્રશ્ન પછી હસું હસું થતો યાદવ સંઘ કૃત્રિમ ગંભીરતા ધારણ કરી રહ્યો. કેટલાક યાદવોએ હાસ્ય રોકવા મોંએ હાથ દાળ્યો. મુનિ તરફથી જવાબ ન મળતાં, પેલા યાદવે ફરી વિનંતી કરી. ‘કૃપા કરીને આ સુંદરીના ગર્ભમાં છોકરો છે કે છોકરી તે અમને કહો.”
મુનિઓ હજી પણ મૌન હતા. યાદવે ફરી વિનંતી કરી. મુનિ ખિન્ન ચિત્ત બોલ્યા, ‘આ શાંબકુમાર સાંબેલાને જન્મ આપશે, અને એ સાંબેલું યાદવોનું નિકંદન કાઢશે, એમનો સર્વનાશ વાળશે.’
‘હા-હા-હા ! જોઈ લીધા જ્ઞાની મુનિઓ, અને જોઈ લીધું એમનું જ્ઞાન ! નકરા ઢોંગી, ધુતારા અને ભોળી દુનિયાને ઠગનારા ! જરા વાતમાં મુનિ ક્રોધી બની ગયા 1 ક્રોધી ચાંડાલ ! મુનિ ચાંડાલ !' બધા યાદવો ખડખડાટ હસી પડ્યા.
થોડી વારે જાણે અંતરની દાઝ કાઢતા હોય એમ તેઓ બોલ્યા, ‘સતી શાપ દે નહિ અને શંખણીનો શાપ લાગે નહિ ! યાદવો તમારા જેવા ધૂર્ત સંન્યાસીઓથી કે એમની ધુતારી ભવિષ્યવાણીથી ડરતા નથી. તમારું ચાલે તો યાદવોનું સત્યાનાશ વાળી નાખજો.’
ને યાદવો અને યાદવસુંદરીઓ હાસ્યના પરપોટા ઉડાડતાં ઉડાડતાં પાછાં વળી નીકળ્યાં.
426 પ્રેમાવતાર
ઉન્માદ 427