________________
સોમિલ બ્રાહ્મણની ચીસ પડી ગઈ. પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવી પોતાની પ્રિય પુત્રી સોમાનો પતિ ! આ ભિખારાને દીકરી કોણ આપે ? એ તો માગી મહામાન્ય શ્રીકૃષ્ણે અને આપી !રે, મારી દીકરીના એક અંગનું મૂલ એક દેશ જેટલું અને આ મૂર્ખ એને પોતાના જીવતેજીવત વિધવા બનાવી ! મારી ડાહી દીકરીને તજીને મૂંડ થયો અને ઘર છોડીને મુનિ થયો ! ભાગીને સ્મશાનને ભજવા આવ્યો ! મારી દીકરીને ભવની ઓશિયાળી કરી !
સોમિલ આગળ વધ્યો.
અષ્ટમીનો પાછલી રાતનો ચંદ્ર તેજ ઢોળી રહ્યો હતો. મુનિના મુખ પર નિર્વિકાર શાંતિ પ્રસરેલી હતી.
સોમશર્મા વધુ ખીજવાયો. ‘વાહ, રાજકુમાર થયો એટલે જાણે કાયદા કાનૂનથી
પર થયો ! પોતાની પત્નીને પરણ્યાની રાતે તજનાર માથે કેટકેટલી જવાબદારી રહી છે અને આ મૂર્ખ બેજવાબદાર મુંડ બનીને ઊભો છે. ઓ કાયર ! રણક્ષેત્રમાં પીઠ બતાવીને ભાગે એ રજપૂત નહિ. છોડી દે આ બાલચેષ્ટા ! ચાલ ઘેર ! અને સંભાળી લે તારો સંસાર. હજી કંઈ બગડ્યું નથી.’
સોમશર્માએ ફરી ફરીને કહ્યું, વિનવણી કરીને, આજીજી કરીને કહ્યું, પણ જાણે પથ્થર પર પાણી ! પેલો તો જાણે કશું સાંભળતો જ નથી, બોલતોય નથી, ચાલતોય નથી !
સોમશર્મા થોડી વાર ધીરજ ધરીને ખડો રહ્યો. એણે માન્યું કે હમણાં ગજસુકુમાર આ ઢોંગધપેડા છોડી આગળ થશે !
પણ વ્યર્થ !
રાત ઘેરી બનતી જતી હતી !
સોમ આગળ વધ્યો. એની ધીરજ હવે ખુટી ગઈ હતી. એણે ગજને બે બાવડે પકડીને ધમકાવ્યો. પણ એ તો જાણે નર્યું કાષ્ઠનું પૂતળું ! થોડી વાર હલાવ્યો તો હાલ્યો, પાછો હતો તેવો ને તેવો !
રે ! લગ્નના મંડપમાં તું ખોટી રમત રમ્યો ! મારી કુંજવનની કોયલડી જેવી દીકરીને તેં ઠગી ! ચાલ, આગળ થા, નહિ તો તારી ભૂંડી વલે કરીશ! મને ઓળખે છે !
કોણ બોલે કે કોણ ચાલે ! ઓ પુણ્યહીન છોકરા, આજ તારી છોકરમતનું તને પ્રાયશ્ચિત્ત કરાવું છું. જોઉં છું કે તું કેવો બોલતો નથી, કેવો ચાલતો નથી!
સોમે આજુબાજુ જોયું. એક બુઝાયેલી ચિતાની રાખ પર પાણી ભરેલી માટલી
414 D પ્રેમાવતાર
હતી. એણે માટલી ઉઠાવી. પૃથ્વી પર પામી ઢોળીને કાદવ કર્યો. એ કાદવ લઈને ગજસુકુમારના માથા પર મૂક્યો ને ચારે તરફ પાળ બાંધી. પછી માટલીના બે ભાગ કર્યા.
સળગતી ચિતા પાસે જઈને માટલીની ઠીબમાં અંગારા ભર્યા, કેસુડાનાં ફૂલ જેવા લાલચોળ અંગારા !
સોમ આપોઆપ હસ્યો, ‘જવાન ! આજ તારી બેજવાબદારીની તને પૂરતી સજા થશે ! એવી સજા કે જેની વાત સાંભળીને કોઈ છોકરીનો ભવ ભાળતાં સંસારના તમામ પુરુષો ધ્રુજશે. ભૂંડ થવું હતું તો શા માટે મારી કન્યાનો ભવ બગાડચો ! સસરો જમાઈને પાઘડી બંધાવે. આજ હું તને અગન-પાઘડી બંધાવું છું.’
અને સોમે ધગધગતા અંગારાની ઠીબ ગજસુકુમારના મુંડિત મસ્તર પર ઠાલવી દીધી. ક્રોધ ખરેખર, મહારાવણ છે. સોમ અત્યારે રાવણ બન્યો હતો.
ઊગતા તારુણ્યવાળા મુનિ ગજસુકુમારને ખ્યાલ નહોતો કે આત્મસાધનાના પહેલે પગથારે જ આવી આકરી કસોટી થશે. એને તો હતું કે મારા દેહનો કાળ મેં બાળ્યો, સાથે સોમપુત્રીનો પણ ઉદ્ધાર કર્યો.
પણ દુનિયાનો ક્રમ સાવ જુદો જ છે. અહીં જે ઉદ્ધારનું પુણ્યકાર્ય હતું, સંસારની નજરે એ ભયંકર પાપકાર્ય કર્યું હતું !
મુંડિત મસ્તક પર ધખધખતા અંગારા એક અજબ વેદના સરજી રહ્યા. મહાવેદના | કલ્પનાતીત વેદના !
થોડી વારમાં મુનિ એ વેદનાને વંદના કરી રહ્યા. ભર્યા સરોવરમાં શિશિરની પ્રભાતે નાનકડું પોયણું આંખ ખોલીને બંધ કરી દે, એમ એણે આંખ ખોલીને એક મંદસ્મિત કર્યું, ને જોતજોતામાં આંખ જ્વાલામાં સડસડી ગઈ !
જીવતું માંસ શેકાયાની ગંધ નાકને ફાડી રહી. અને કોઈ કુમળું વૃક્ષ મૂળમાંથી ઊખડી પડે, એમ એ મુનિ નીચે ઊથલી પડ્યા. પ્રાણ પરવારી ગયો ને નિષ્પ્રાણ દેહ ન જાણે ક્યાંય સુધી જલતો રહ્યો.
એ રાતે ઘુવડોએ આ કરુણ દેશ્ય જોઈ ભયંકર ચિત્કાર કરી આખી વનપલ્લીને ગજવી દીધી. મુડદાલ માંસ ખાવામાં આનંદ માનનાર શિયાળ એ ચિત્કાર સાંભળીને ઊભી પૂંછડીએ નાસી ગયાં. આવું માસ તો કોઈ દહાડો તેઓએ જોયું નહોતું. ચિતાના અંગારા મુનિના દેહ સાથે પોતાનો સ્વધર્મ અદા કરી રહ્યા.
ગજસુકુમાર D 415