________________
રાજકારણમાં મામા-ભાણેજના સંબંધો ન જાણે કેમ ખૂબ વગોવાયેલા હતા. મોટે ભાગે એમને કદી એકબીજાને રાસ્તી આવતી જ નહિ.
અવન્તીનો રાજા, કેય દેશનો રાજા, વિરાટનો રાજા વગેરે મહાકાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.
પશુધનના વિનાશનો તો કોઈ પાર નહોતો. સૂંઢ તૂટેલા, પગ ભાંગેલા હાથીઓના મૃત્યુ સુધીના તરફડાટ હૈયું વલોવી નાખે તેવા હતા, ને એમની સારસંભાર લેનાર કોઈ નહોતું.
અશ્વોની દશા તો ઓર વિચિત્ર હતી. એમના જખમ માટે દવાઓ મળતી નહોતી, ને જીવાતોથી ને પરુથી ઘા ખદબદી રહ્યા હતા.
ખેતરોમાં દાણા નહોતા, જળાશયોમાં જળ નહોતાં. જંગલોમાં પશુ નહોતાં. આકાશમાં પંખી નહોતાં,
યુદ્ધની આ બિભીષિકાએ સહુને થરથરાવી દીધાં હતાં. નગરોનાં નગરો વેરાને પડ્યાં હતાં; સમ ખાવા જેટલાય પુરુષો રહ્યા નોતા ને સ્ત્રી-બાળકોને લૂંટારાઓ ઉઠાવી ગયા હતા !
કોઈ શસ્ત્રધારી નીકળે કે આજુબાજુના લોકો પોકાર પાડી ઊઠતા, શસ્ત્રધારી શસ્ત્ર છોડી દેતા તે પછી જ એનાથી આગળ વધી શકાતું.
ઘણાં ઘરોમાં એકલદોકલ વૃદ્ધો અને રુગ્ણો શેષ રહ્યા હતા, અને એમને પાણી પાનાર પણ કોઈ નહોતું.
કૌરવ પક્ષને મદદ કરવા ગયેલી યાદવોની ગોપસેનાની ખુવારી થઈ હતી, અને બચેલા સૈનિકો હસ્તિનાપુરથી કૂચ કરીને દ્વારિકા આવવા નીકળી ગયા હતા.
શ્રીકૃષ્ણ પણ હસ્તિનાપુરમાં ચાલતા પુત્રજન્મના ઉત્સવ વચ્ચેથી એક દિવસ પોતાનો રથ પાછો વાળ્યો. યાદવ સાત્યકિ સાથે હતો. ક્તવર્મા કે જેને અશ્વત્થામા સાથે રચેલા હત્યાકાંડની જવાબદારીમાંથી માફી મળી હતી તે પણ સાથે હતો.
આ વખતે નેમ કુમારની પશુડાંના પોકારની વાતો ઠીક ઠીક ચર્ચાતી થઈ હતી. અને સંસારની કુશળતા યુદ્ધમાં છે કે તપ-ત્યાગમાં તેનો મોટો વિવાદ ચાલતો હતો. એ બધી વાતોની ચર્ચામાં લાંબો માર્ગ કપાઈ જતો હતો.
વાતમાં ને વાતમાં રથનેમિને રાજ્યશ્રીની વાત નીકળી. યુદ્ધની અને હત્યાની વાતોથી કંટાળેલા સૈનિકોએ આ વાતો ખૂબ રચવા
398 પ્રેમાવતાર
લાગી. કવિતાના રસિયા જીવો એની અલંકાર-ઉપમા સાથે કવિતાઓ રચીને ગાતા ફરવા લાગ્યા.
જીવનનો જય જીવનને જીતવામાં છે, એમ તેઓ પ્રતિપાદન કરતા. જીવન જીવવાના પુરુષાર્થનો પરાજય એનું નામ જ યુદ્ધ !
વીરત્વ કઈ વાતમાં ? ભરસભામાં પારકી પત્નીને નગ્ન જોવામાં કે પોતાની પત્નીને સંયમના માર્ગે તજી દેવામાં ?
કુંતા માતા કે જેઓએ પુત્રોને ભિખારી-યાચક બનીને રાજ્ય માગવા કરતાં પોતાના હકની લડાઈમાં મરી ખૂટવાનો આદેશ આપ્યો હતો, તેઓના વચનો સંભળાતાં હતાં કે
धर्मे ते धीयतां बुद्धिः मनस्ते महदस्तु च ।
ધર્મમાં તમારી બુદ્ધિને પરોવજો. મન તમારું મોટું રાખજો ! એવું મોટું કે જે માં આખું વિશ્વ સમાઈ જાય.'
મનની સંકુચિતતામાં તો કૌરવોએ બધું ખોયું. વહેંચીને ભોગવો એ સિદ્ધાંતને તેઓ કદી અનુસર્યા નહિ, પાંચ ગામડાં પણ પાંડવોને આપવાની ના કહેનાર કૌરવો આજે ક્યાં ગયા ? કેટલાં ગામડાં પોતાની સાથે લઈ ગયા ?
શું આપણું છે ? શું પરાયું છે ?
અરે, ખરી રીતે પારકાને જે આપીએ છીએ તે આપણું છે, અને જેને આપણું માની તિજોરીમાં પૂરી રાખીએ છીએ, તે આપણું નહીં પણ પરાયું છે.
આ તો નેમકુમારની વિચારધારા ! એ વિચારધારા વગર પ્રચાર સર્વ હૃદયમાં પ્રફુલ્લી રહી.
નેમકુમાર કહેતા હતા કે સંસારનો ઉદ્ધાર મહાત્યાગથી, મહાપ્રેમથી ને મહાયમાથી થશે, અન્યથા નહિ થઈ શકે !
રાજ્યશ્રીએ એ મહાપ્રેમને ચરિતાર્થ કરી બતાવ્યો, ૨થનેમિ જેવા નરને સાચી રાહ પર લેવો એ એક સુંદરી માટે કંઈ સામાન્ય વાત નહોતી; એ તો મહાભારતનું યુદ્ધ લડવા જેવા કપરી વાત હતી. અને એ કપરું કાર્ય રાજ્યશ્રીએ સફળ કર્યું હતું.
યાદવસેના ધીરે ધીરે દ્વારકા આવી પહોંચી. ઘણે દિવસે શ્રીકૃષ્ણ પણ પાટનગરમાં પધાર્યા અને બલરામ તીર્થયાત્રાએથી આવી રહ્યાના સમાચાર મળ્યા. શ્રીકૃષ્ણ આખા મારગે નેમ, રથનેમિ અને રાજ્યશ્રીની વાતો સાંભળ્યા કરી હતી. એમનું મન મસ્તીખોર રાજ્યશ્રીને જોવા તલસી રહ્યું હતું. સત્યારાણી અને રુક્મિણીદેવીએ મોતીના થાળથી પોતાના મનમોહનને વધાવ્યા
અરુણોદય 399