________________
કે શ્રીકૃષ્ણે પ્રશ્ન કર્યો, ‘રાજ ક્યાં છે ?'
‘ક્યાં છે તેની કોઈને માહિતી નથી. સાગરમાં મત્સ્યનો રાહ કોણ જાણી શકે ભલા ? સત્યારાણીએ કહ્યું. જીવનને ડોલાવતો એમનો મદ આજે સાવ અલ્પ થયો લાગ્યો.
‘વૃદ્ધા સ્ત્રી જેવી કાં વાતો કરો, રાણી ? યુદ્ધમાં ફતેહ કરીને આવું છું ને!' શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું.
‘રાજે જે વયમાં આ બધો ત્યાગ કર્યો, એ વિચારીને હું તો વૃદ્ધ થઈ ગઈ છું. મને તો ચારે દિશામાંથી પશુઓનો પોકાર સંભળાય છે. શું આપણા ભોગ, શું આપણા વિલાસ, શું આપણા વિકાર !' સત્યારાણી ખરેખર પશુડાંનો પોકાર સાંભળતાં હોય તેમ બોલી રહ્યાં.
‘રાણી ! પશુઓનો ખરેખરો પોકાર સાંભળીને તો હું આવું છું. સાત લાખ પાંડવોના ને બાર લાખ કૌરવોના યોદ્ધાઓના પ્રાણત્યાગ મેં નજરોનજર નિહાળ્યા છે ! અધર્મનો ભાર પૃથ્વી પરથી હલકો કરવાનો પુરુષાર્થ સેવીને આવું છું.' “અધર્મનો ભાર ઊતર્યો ખરો ?
‘રાણી, એ તો આવતો યુગ કહેશે. કલિયુગના કાંટા ફૂટી રહ્યા છે. કમળની વાડીઓ રચાશે જો કર્તવ્યના રાહ અપનાવશે તો, વાવેતર સારું વાડીઓ એવી નિર્દોષ કરી છે કે જે ભાવથી કણ વાવશે અને મણ મળશે. મોટા મોટા મહારથીઓને રમતમાત્રમાં હણાતા જોઈને દુનિયા હવે દેહના બળમાં રાચવાનું બંધ કરશે. અસત્ય અને અધર્મના સાગરો એટલું જાણશે કે સત્યધર્મની એક નાનીશી ચિનગારી અસત્યના આખા સમુદ્રને શોષી જાય છે.'
‘સત્ય છે નાથ !' સત્યારાણીએ કહ્યું.
એવામાં કોઈકે વર્તમાન આપ્યા : “રેવતાચલ પરથી ભગવાન નેમનાથ આવી
રહ્યા છે.
‘ઓહ ! આજ ન જાણે કેટલા દિવસે અનાથ દ્વારકા સનાથ બની, અશાંતિનો અંધકાર દૂર થયો ને શાંતિનો અરુણોદય થયો !' રુકિમણીએ કહ્યું.
પણ ક્યાં છે મારી રાજ ? એના વિના બધાં ઠામ ખાલી છે.' સત્યારાણીએ
કહ્યું.
400 7 પ્રેમાવતાર
55
પ્રેમની અજબ સૃષ્ટિ
દ્વારકામાં રાજ્યશ્રી ક્યાંય શોધી જડતી નહોતી-જાણે દેહમાં થનગનતો પ્રાણ ખોવાઈ ગયો હતો !
શ્રીકૃષ્ણે આવતાંવેંત રાજના ખબર પૂછ્યા. રાજ વિના રાજપાટ સૂનાં સૂનાં લાગતાં હતાં.
બલરામને એ લાડકવાયી છોકરી વિના ચેન નહોતું. તેઓ માનતા હતા કે બિચારી કોડભરી નારી નેમ જેવા અલગારીને પરણી ફસાઈ પડી; નહિ તો કોઈ ચક્રવર્તીની પ્રેરણામૂર્તિ બને એવી એ હતી. એની કેવી દુર્દશા થઈ ! રે દેવ!
સહુએ શોધમાં નિરાશા અનુભવી અને નક્કી કર્યું કે હવે કંઈ ભાળ મળે તો નેમકુમાર પાસેથી મળે. પણ નેમકુમાર આજે જૂના રાજકુમાર નહોતા રહ્યા. એ તો હવે ત્રણ કાળના જ્ઞાનના ધારક બન્યા હતા. સત્ય એમની વાણીમાંથી ને અહિંસા એમના આચારમાંથી પ્રગટ થતાં હતાં.
રેવતાચલની કઈ ગુફામાં રહીને એમણે એવી તે કઈ ગેબી શક્તિની સાધના કરી કે એ જ્યાં ડગ દેતા ત્યાં હિંસાને બદલે પ્રેમનું વાતાવરણ પ્રસરી જતું?
જેમ મહાયોદ્ધાને જોઈ કાયરો ધ્રૂજતા ને નામર્દો નાસી છૂટતા એમ નેમનાથ જ્યાં ઘૂમતા ત્યાં પુદ્ગલોમાં અને પ્રાણીઓમાં અજબ પરાવર્ત જોવામાં આવતો હતો.
અનેક લોકો સાક્ષી હતા કે નિત્ય વઢવેડ કરનારાં સાપ અને મોર નેમની ભૂમિમાં પ્રેમથી વર્તતાં. મયૂર કેલિ રચતો, સર્પ નૃત્ય કરતો; બંને મૈત્રીથી રહેતા. એક વાર તો એક ઉપત્યકામાં વિકરાળ સિંહ ક્ષુધા તૃપ્તિની શોધમાં ઘૂમતો હતો. દૂર દૂર એણે ગોવાળની બંસી સાંભળી.