Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 206
________________ પ્રેમપ્રકૃતિથી એ વિકૃતિઓને વરસતાં પહેલાં વિખેરી નાખીશું ? મને મદદ કર ! દુનિયાને દાનવની વસ્તી નહિ, દેવોની સૃષ્ટિ બનાવી દે !' રાજ્યશ્રીની વાતો મર્મસ્પર્શી હતી. એ નીડરભાવે બોલતી હતી. આકાશી ઢોલ આછા ગર્જતા હતા. મોર ટહુકાર કરતા હતા. દાદુરોએ સારંગી છેડી હતી. હવામાં આફ્લાદકતા ભરી હતી. પૃથ્વીમાંથી મીઠી ગંધ છૂટતી હતી. રથનેમિ હજી પણ મોહવિષ્ટ હતો. એ બોલ્યો, ‘હું રથનેમિ, તું રાજ્યશ્રી ! હું અંતરમાં પ્રેમવાળાથી સંતપ્ત હોઉં, પછી બીજાને શું કરું ? મેઘ પૃથ્વીને તૃપ્ત કરે, પછી તૃપ્ત પૃથ્વી હરિયાળી બનીને શોભે છે. મને તું તૃપ્ત કર, પછી હું આત્મવિજયી દિવ્ય પ્રણયી બની જઈશ. અને મને તું તરછોડીશ તો હું લાંબું જીવીશ નહિ. તને હત્યા લાગશે, એ હત્યા ભવોભવ સુધી તારો પીછો કરશે!' | ‘નિર્વિકારીને ભય કેવો ? નેમે મને નિર્વિકારી બનાવી છે. તે નિર્વિકારી બની જા. રથનેમિ ! પછી સદાકાળ સત્, ચિત્ અને આનંદમાં મહાલશું.’ રાજ્ય શ્રી જુદા વજ્જરની હતી. રથનેમિની એક પણ દલીલ કે આજીજી એને સ્પર્શ કરી શકતી નહોતી. ‘રાજ્યશ્રી ! આવી વાતો કરીને મને ભરમાવીશ નહીં. મારું સત્ તું, મારા ચિત્તનો આનંદ તું, તું મળે તો મારે સત્, ચિત્ અને આનંદને કરવાં છે શું ? રાજ્યશ્રી મારી તાકાત તું છે.” “સાધુ ! તારામાં કરોળિયાની જાળથી હાથીને બાંધવાની અદ્દભુત તાકાત હોય, તોય વાસના-વિકારના ભુજંગથી ખેલીશ મા. તારી દૃષ્ટિમાં પરિવર્તન લાવ. સુંદર સ્ત્રીમાં પત્નીનો ભાવ નહિ, ભગિનીનો અને માતાનો ભાવ જગાડ. તારી વિવેકદૃષ્ટિને શુદ્ધ કર.’ રાજ્યશ્રીએ બરાબર ટક્કર લેવા માંડી હતી. પણ રાજનું અરુણોદય જેવું સુકોમળ રૂપ સાધુને વિરાગી બનાવી ઘડીમાં પાછું રાગી બનાવતું હતું. | ‘તું ના પાડે છે. કામશાસ્ત્ર મને કહે છે કે માનુની સ્ત્રીની નામાં હા છુપાયેલી હોય છે. હું કદાચ આગળ વધુ ને તને મારા જીવનરથની સારથિ બનાવવા પ્રયત્ન કરું તો માફ કરજે .” રથનેમિ અધીરો બની ગયો. એની અંદરના પશુએ હુંકાર કર્યો. રાજ્યશ્રી એ પશુનો પોકાર સાંભળી જરાય પાછી ન હઠી. એણે એક ડગલું મક્કમતાથી આગળ ભર્યું ને કહ્યું, ‘રથનેમિ ! કાન ખોલીને સાંભળી લે ! જે ક્ષત્રિયાણીનું દૂધ તું ધાવ્યો છે, હું પણ એવી જ ક્ષત્રિયાણીનું દૂધ 390 | પ્રેમાવતાર ધાવી છું. પણ મારામાં ને તારામાં ફેર લાગે છે. કોઈ વાર તું બહુ ભૂખ્યો થયો હોઈશ, ને દાસીનું દૂધ તને સાંપડ્યું હશે, નહિ તો સગા બે ભાઈ – અને એ બે ભાઈ વચ્ચે વૃત્તિઓનો આટલો ફેર ?” રાજ્યશ્રીની આંખોમાંથી એક પ્રભાવોત્પાદક જ્યોતિ ઝરી રહી હતી. એ આગળ બોલી, “એક ભાઈ સિંહ બીજો ભાઈ શ્વાન ! એક સામે મળેલું તજનારો, અને બીજો વમન કરેલું પણ જમનારો ! એકને મેં પ્રાર્થના કરી અને એણે મને તજી ; એણે મને સમજાવ્યું કે સંસાર જે ભૂલ કરે છે, એવી ભૂલ આપણે ન કરીએ; દાંપત્યભાવ માત્ર દેહને આશ્રિત નથી, આત્માનું અમર દાંપત્ય આદરીએ. રથનેમિ ! તને એમ લાગે છે કે મારા જેવી રૂપસૌંદર્યશાલિની સ્ત્રીને કોઈ તજી ન શકે અને છતાં તું ભૂલી કેમ જાય છે કે એ રૂપને કંકરની જેમ તજનાર તારો સગો ભાઈ જ છે ! હું તને તિરસ્કારું છું અને તું મને ભજે છે. ભલા માણસ, કોઈ શીરાનું ભોજન છાંડી ઉખરડા આરોગે ખરા ?” રથનેમિ ધીરે ધીરે વિવશ બનતો જતો હતો. રાજ્યશ્રીની ઉપદેશવર્ષા એને ભીંજવી રહી હતી. પણ એની નજર રાજ્યશ્રીની દેહની સુશ્રી પર ફરતી કે બધું ભુલાઈ જતું. | ‘ભાભી ! મેં ઘણા સાધુના સદુપદેશ સાંભળ્યા છે, પણ તારા જેવી સચોટતા અન્યમાં નથી અનુભવી, પણ મારું મનરૂપી માંકડું હજી માનતું નથી. એ તો કહે કે ભલા, આવી એકાંતે તારા મનની માનેલી સ્ત્રી ફરી એકલી ક્યારે મળવાની હતી ? મારું મન કહે છે કે અબળા બળને વશ થાય. તું રણઘેલો રજપૂત છે. આગળ વધ અને અનાથ અબળાને-* | ‘રથનેમિ ! તારું સાહસ તને પશ્ચાત્તાપ ન કરાવે એ જોજે. ગજવેલ સાથે ગજવેલ ટકરાય એ સારી સ્થિતિ નથી, પણ ભાવિ એવું હોય તો ભલે એમ થાય. યાદ રાખ કે કદાચ તારા વીરત્વથી રેવતાચળના પાણી પીગળે , કદાચ અહીંના સાવજ તારા સેવક બની બેસે, પણ રાજ્યશ્રીને તારી થનારી ને મારીશ. છતાં તારે તારું શુરાતન અજમાવી જોવું હોય તો હું તૈયાર છું.' રાજ્યશ્રીનો આખો દેહ અગ્નિજ્વાળા જેવો બની ગયો. દેહને સ્પર્શવાની વાતે તો આવી રહી, એની આંખ સાથે આંખ મિલાવવાની તાકાત પણ રથનેમિ ખોઈ બેઠો. એ ગદ્ગદ્ કંઠે બોલ્યો, ‘રાજ્યશ્રી ! આટલી નઠોર ન થા ! મારા જેવા સેવક પર તારો સ્નેહ વરસાવે. મને માફ કર. આજ વાસના-વ્યામોહથી ત્રસ્ત બનેલાને આપેલું દેહનું દાન અને તારી દેશે. જગત કંઈ જાણવાનું નથી.' ‘જગત જાણે કે ન જાણે, અંતરમાં બેઠેલો આત્મા જાણે એ જ મોટી વાત છે. ભાભી D 391

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234