________________
53
ભાભી
વિલીન ન થઈ જાય તેની સાવચેતી રાખી !
આવું રૂપ તો સદા અભિનંઘ છે ! આજ આંતરતૃપ્તિ થઈ. નરના અંતરમાં બેઠેલો નારીના સુરૂપદર્શનનો ભાવ તૃપ્ત થઈ ગયો; એની ઝંખના ઝંખવાઈ ગઈ !
નર વધુ આગે બઢો. નારીની પ્રતિમા પર વીજે પ્રકાશ ઢોળ્યો, ગર્જનાના ઢોલે જયજયકાર પોકાર્યો ને નરને અદ્ભુત દર્શન લાધ્યાં !
નર ધસ્યો; પણ નારી વાદળની જેમ દૂર સરી ગઈ ! જાણે નિર્જીવ પ્રતિભા કોઈ કરામતથી સજીવ બનીને પથ્થરોની ઓટમાં સમાઈ ગઈ, અને થોડી વારમાં ચીરાચ્છાદિત થઈને બહાર આવી.
એ નારીએ અવાજ કર્યો, ‘રથનેમિ !'
આકાશની વીજ પૃથ્વી પર પડે ને હરિયાળીનો વિનાશ કરી નાખે, એમ આ શબ્દોએ નરને આઘાત આપ્યો ! એને પોતાની સ્વપ્નસમાધિ તૂટ્યાનો ખેદ થયો.
રે ! વાસ્તવ મારે નથી જોવું, કલ્પનાનું મારું ચિત્ર સજીવ રહો ! એ ચિત્ર જોતાં જોતાં મને મૃત્યુ પ્રાપ્ત હો ! આ નયનથી હવે અન્ય રૂપ નથી જોવાં !
પણ કઠોર વાસ્તવિકતા સામે ખડી હતી : એકલો નર, એકલી નારી અને સાવ એકાંત ! આ તો ધૃત અને અગ્નિનો સંગમ ! નારીએ તરત અહીંથી ભાગી છૂટવું જોઈએ. ભાગી છૂટતાં પગ ભારે થઈ ગયા હોય તો ચીસો પાડીને જ્યાં ત્યાંથી માણસોને સાદ દેવો જોઈએ; પણ આ નારી પણ નક્કી ન કરી ગજવેલની પૂતળી લાગી. એણે ફરી કહ્યું, ‘રથનેમિ !'
શબ્દોમાં સામર્થ્ય ગાજતું હતું. એ સામર્થ્ય નરબંકો રથનેમિ અનુભવી રહ્યો.
અંધારેઘેરી ગુફામાં જાણે બે આત્માની અગ્નિપરીક્ષા થતી હતી. ધૃત અને અગ્નિ ભેગાં મળ્યાં હતાં; એ એકબીજાથી કેવાં ચલિત થાય છે, એનો આજે ફેંસલો થવાનો હતો.
રથનેમિ વિચારતો હતો; આવા એકાંત સ્થાનમાં મારા નામનો ઉચ્ચાર કરનાર આ નમણી નારી કોણ હશે ભલા ? પળવાર એ ઊંડા વિચારમાં ઊતરી ગયો. પણ પળવારમાં જ એને થયું, આ તો ચોક્કસ રાજ્યશ્રીનો જ અવાજ !
રથનેમિની વાસનાનો વડવાનળ ભડકી ઊઠ્યો, એણે ભારે મમતાભર્યા સ્વરે કહ્યું, “કોણ ? ભાભી ?’ રથનેમિનો મનબર્પયો થનગની રહ્યો.
સામેથી ફરી એ જ શબ્દટેકાર સંભળાયો, ‘રથનેમિ !'
ભાભી' શબ્દમાં વાસનાનો કેફ ભર્યો હતો.
‘રથનેમિ' શબ્દમાં આત્મજાગૃતિનો ટંકાર ગાજતો હતો. સાધ્વી રાજ્યશ્રીએ સમભાવભર્યા શબ્દોમાં કહ્યું :
‘સાધુને કોણ ભાભી ને કોણ ભાઈ ? રથનેમિ ! તું તો વિશ્વવાત્સલ્યનો આત્મા! તું તો સાધુ ! આ વાસનાનાં વળગણ તને શોભે ?'
કેટલાંક રૂપ ચંપા જેવાં હોય છે. ભ્રમર એની પાસે ટૂંકી જ ન શકે. ટૂંકવાની હિંમત પણ કરી ન શકે ! કેટલાંક રૂપ તલવાર જેવાં હોય છે; માણસને ભય ઉપજાવે છે. અને કેટલાંક રૂપ માખણ જેવાં હોય છે ! માણસને ખાવાનું જ મન થાય છે. રાજ્યશ્રીનું રૂપ ચંપા જેવું ને તલવાર જેવું અસ્પૃશ્ય હતું !
રથનેમી પુરુષ હતો, એકાંત હતું, છતાં એ રાજ્યશ્રી તરફ અવિનયી થઈ શક્યો નહિ ! એની પોતાની સંસ્કારિતા એને આગળ વધવા ના કહેતી હતી.
386 3 પ્રેમાવતાર