________________
52
સંમિલન
વર્ષાની ઋતુ છે. જેવી પ્રકૃતિ અને પુરુષની બેલડી છે, એવી જ વીજ રાણી અને મેઘ મહારાજાની જોડલી છે, એમના મિલનની એ સોહામણી ઋતુ.
રેવતાચળના ઓતરાદા ખૂણામાં મેઘપુરુષ મૌન ધરીને બેઠો છે. ગરવા પર્વતના દક્ષિણ ખૂણામાં ઝબુક ઝબૂક કરતી વીજ રાણી મૌન ધરીને બેઠી છે.
મેઘરાજા જાણે વીનવે છે, ‘માની જાઓ ને વીરાણી !' વીજ રાણી જવાબ આપે છે, ‘લાવો વા અને લાવો પાણી !'
આ તો જુવાન હૈયાનાં રિસામણાં છે; એ એમ જલદી કેમ છૂટે ? પછી તો લીધાનો અર્થ શો ?
બેમાંથી કોઈ બોલતું નથી. પણ રે ! તમારા રિસામણાંએ ધરતી પર કેવો હાહાકાર વર્તાવી દીધો છે; એ તો જુઓ ઘેલા નર-નાર ! કોરાધાકોર ડુંગરા ને સૂકાભઠ મેદાનો સામે જોઈને પશુ આંતરડી કકળાવે છે! રે, માના થાન જેવા રસભર્યા આ પ્રદેશો આજે કેમ સાવ સૂકા? રે, કોઈ સમજાવો આ બંનેને !
પવનદેહ સહુનાં હૈયાનો સંચારી ! એણે આખરે આગેવાની લીધી, એના ઝપાટે મેઘરાજા અને વીજ રાણીનાં રિસામણાં પૂરાં થયાં અને તપેલી ધરતી અને સંતપ્ત જીવનસૃષ્ટિ જળબંબાકાર બની ગઈ. મહાયોગીનાં નેત્રોમાંથી કે સંત પુરુષના અંતરમાંથી સ્નેહની સરવાણી વહી નીકળે એમ રળિયામણા રેવતાચળ પરથી ઠેર ઠેરથી જલધારાઓ વહી નીકળી. ઉપરથી વરસતો મુશળધાર વરસાદ અને ધરતી પર વહેતા પાણીના વહેળાઓથી બચવા યાત્રાએ પરવરેલાં યાત્રિકો જ્યાં રક્ષણ મળ્યું ત્યાં આશ્રય લઈને થોભી ગયાં!
આવે વખતે રેવતાચળની ૨જને સુવર્ણરજ બનાવતી એક નારી ચાલી આવતી હતી. એણે એક જ સાદું વસ્ત્ર પહેર્યું હતું; ને સાધ્વી જેવા એ વસ્ત્રમાં પણ એ
અપ્સરાઓની કાંતિને ઝાંખી પાડતી હતી. એ નારી પણ મેઘથી ભીંજાઈ ગઈ હતી; અને લજ્જાને આવરવા માટે રાખેલું વસ્ત્ર ખુદ લજાને પ્રગટ કરે તેવું થઈ ગયું હતું.
એ નારી પોતાના સમુદાયથી વિખૂટી પડી ગઈ હતી. સતત વર્ષોથી પર્વતના કેડા ભૂંસાઈ ગયા હતા અને એ નમણી નારી આશ્રયસ્થાન શોધી રહી હતી. સંસારનો ભલભલો ચક્રવર્તી આવી નારીને આશ્રય માટે પોતાનો મહેલ કાઢી આપે ને પોતે વરસતા આકાશ નીચે આશ્રય લેવામાં સૌભાગ્ય માને, એવી એની દેહગરિમા લાગતી હતી.
નારીની ચંપાકળી જેવી દેહને ઠંડા સુસવાટા કંપાવતા હતા ને આકાશના ગડગડાટ આવી જોબનભરી નારીને છળાવી નાખે તેવા ગાજતા હતા; પણ આ નારીને બીક કે સંતાપ જરાય સ્પર્શી શકતાં ન હોય, એવી એની નિશ્ચલ મુખમુદ્રા હતી. આ નારી વીજના જેવી તેજસ્વી ને પર્વતના જેવી અચલ હતી.
વરસાદ વેગમાં વરસતો હતો. નારી એક પછી એક કદમ આગે બઢાવે જતી હતી. કોઈ ઠોકર ખાતી, કદી લપસતી, કદી પાછી પડતી એ આગળ વધતી હતી. સંસારનો રાહ તો આવો જ હોય છે ને ! આખરે એક ગુફા જતી આવી. અંધારી ને એકાંત એ ગુફા હતી. એવી ગુફાની જ એને જરૂર હતી.
નારીએ એમાં પ્રવેશ કરીને હાશકારો કર્યો. માની ગોદ જેવી કેવી હૂંફાળી એ ગુફા ! અહીં નું મેઘ છે, ન ઠંડો સૂસવાતો પવન છે, કમળ પરથી જળ ઝરી જાય, એમ ગુફાના માથેથી વર્ષાના જળ ઝરી જાય છે !
નારીએ ભીંજાયેલું વસ્ત્ર અલગ કરીને નિચોવ્યું અને નિચોવીને હવાની દિશામાં પથ્થરો પર સુકાવા પાથરી દીધું, અંધારાનું અંબર એની પાસે હતું ને દિગંબરવ એ તો માણસનું પહેલું ને છેલ્લું સરજત હતું. વસ્ત્રની એ મનની ગાંઠો છોડીને નિગ્રંથ બનવા નીકળેલી આ રાજવંશી નારી હતી. એ નારીએ અડગ નિરધારથી રાજ કુળ ને રાજમહેલ તજ્યાં હતાં.
ગુફામાં આવેલી એક શિલા પર એ નારી શાંતિથી બેઠી; અને પવન અને પાણીના તોફાનને આરામથી નીરખી રહી, પણ એ નિરીક્ષણ બાહ્ય જગતનું નહોતું, અંતર ભાવનું હતું. સંસારમાં રાગનાં તોફાન હતાં, હેપના દાવાનલ હતા, સચરાચર સહુ કોઈ એમાં ભીંજાઈ રહ્યાં હતાં. કોઈક વીરલા જ એનાથી બચવા સદ્દગુરુરૂપી આશ્રય શોધતા હતા. કોઈક જ સદ્ગુરુનો આશ્રય સ્વીકારીને રાગ-દ્વેષના ભાવથી ભીજાયેલાં બાહ્ય વસ્ત્રોને દૂર કરીને, વિવેકની શક્તિથી એને નિચોવીને સાધનાના તાપમાં સુકવતા હતા. નિર્મળતાનો - માનવીમાંથી સાચા માનવી બનવાનો - એ જ માર્ગ હતો.
સંમિલન [ 383