________________
દુર્યોધનની અંદરનું પશુ ક્રોધમાં બરાડી ઊઠ્યું : ‘શું હું એનું આપ્યું લઉં? ન બને ! એ કદી પણ બની શકે નહિ !'
કૃપાચાર્ય કરગર્યો, ‘દુનિયામાં જિંદગી જેવી બીજી કોઈ વહાલી ચીજ નથી. હું કહું છું. થોડા મમતને ખાતર તમારી જિંદગી અને શેષ રહેલા યોદ્ધાઓની જિંદગી હોડમાં ન મુકો; હવે જરા શાણા થઈને એ બચાવી લો !'
દુર્યોધને સિંહની જેમ ગર્જના કરતાં કહ્યું, ‘જિંદગીની કંઈ કિંમત નથી; ખરી કિંમત તો કીર્તિની છે. દુર્યોધનની પાસે પાંડવો ભિક્ષા માગી શકે, પણ દુર્યોધન પાંડવો પાસે યાચના કરે એ ન ભૂતો ન ભવિષ્યતિ ! મેં ભીષ્મ, દ્રોણ ને કર્ણ જેવા મહારથીઓ ગુમાવ્યા છે, ફક્ત મારા પ્રાણની રક્ષા માટે ! તેમણે આરંભેલું યુદ્ધ હું છોડી ન શકું. મહારથી શલ્ય કાલે સરદારી લેશે, અને રણનો રંગ પલટી નાખશે. મારો છેલ્લામાં છેલ્લો યોદ્ધો પાંડવોના મુખ્ય સેનાપતિ કરતાંય મહાન છે !'
ભગવાન ! ઓહ, કેટલીક વસ્તુઓ એવી હોય છે કે એક વાર ઊગ્યા પછી એને મૂળથી ખોદી કાઢે, તોય નિકંદન જતું નથી. વેર એવું છે.
શલ્યરાજ મેદાને પડ્યો. શકુનિ પણ સમરક્ષેત્રે આવ્યો. યુદ્ધ શરૂ થયું ! ભયંકર કાપાકાપી ચાલવા લાગી; પણ ન જાણે કેમ, અહંકારીના અહમ્ હણાઈ ગયા.
શક્ય રાજા મરાયો. શકુનિ પછડાયો. સેના રણમેદાન મૂકીને નાઠી. છાવણીમાં આગ લાગી. બધું નષ્ટભષ્ટ થઈ ગયું. દુર્યોધન નિઃસહાય બની ગયો. એ એક તળાવમાં જઈને છુપાઈ ગયો. એ બહુ દોડાદોડીથી થાક્યો હતો. થોડીક આશાએશ લઈને ફરી લડાઈ આપવા માગતો હતો. લોહી ને આંસુ વગર એને ચેન નહોતું !
પણ કેટલાક શિકારીઓએ પાંડવોના આ શિકારને જોયો. તેઓએ પાંડવોને ખબર આપી. પાંડવો ધસી આવ્યા. દુર્યોધન જબરદસ્ત ગદાધર હતો. ભીમ અને એ મેદાને પડ્યા ! યુદ્ધનું પરિણામ આ પ્રસંગ પર આવીને ઊભું રહ્યું હતું, પણ શ્રીકૃષ્ણ ત્યાં હાજર હતા. તેઓએ કહ્યું,
‘ફરી લોહીથી લેખ લખવા નથી ! દુર્યોધન વીર છે, દાની છે, પણ અન્યાયી છે ! એણે ભરસભામાં દ્રૌપદીનું અપમાન કર્યું હતું; એને સજા થવી ઘટે. સત્ય કે નીતિ તેના જેવા માટે નથી.'
ભીમે દુર્યોધનની જાંઘ પર ગદા ફટકારી. યુદ્ધના નિયમ પ્રમાણે જે અયોગ્ય, એ જ પોતાના માટે યોગ્ય, એવો અવળો કાયદો ચાલતો હતો. સત્તા, સંપત્તિ ને અધિકારની સાથે અનીતિ અન્યાય તાણાવાણાની જેમ વણાયેલ છે!
દુર્યોધન મોતની રાહ જોતો પડ્યો એ વખતે અશ્વત્થામા, કૃપાચાર્ય ને કૃતવર્મા ત્યાં આવ્યા. દુર્યોધને કહ્યું, ‘કૃતવર્મા ! હું તો હવે જાઉં છું, પણ યુદ્ધ જારી રાખવા 372 – પ્રેમાવતાર
માટે અશ્વત્થામાને સેનાપતિ તરીકે નીમું છું. આ વેરનો બદલો જરૂર લેજો.’
દુર્યોધન મરાયો. યુદ્ધ જિતાયું; પણ ઓહ ! એ વિજય કેવો ભારે પડી ગયો! રાજ આટલું બોલી સ્તબ્ધ બનીને ઊભી રહી. હવે જે દૃશ્યનું એ વર્ણન કરવા માગતી હતી, એ દૃશ્ય જાણે જીરવી શકતી નહોતી !
એ રાત ! ભયંકર રાત ! ઘુવડ પણ બી રહ્યાં હતાં. નિશાચરો ચારો છોડી બેઠાં હતાં. એવી એ ભયંકર રાત !
રાજ્યશ્રીનું ભારતદર્શન 373