________________
48
કુરુક્ષેત્ર ભણી
રાજની માતાએ કહ્યું.
| ‘મા ! મારા માટે રથનેમિનો વિચાર પણ પાપ છે. હું તો એના મોટા ભાઈની પત્ની થાઉં. એની ભાભી થાઉં, અને ભાભી તો માના સ્થાને લેખાય.” રાજ એની એ વાત કરી રહી.
“મા !રાજ સાથે વાત કરવી, એ હવે પથ્થર પર પાણી નાખવા બરાબર છે * સત્યારાણીએ કહ્યું. તેમણે હાથ ધોઈ નાખ્યા હતા. આ આખા નાટકની રચનારી પોતે, અને પોતાનાથી કંઈ થઈ શક્યું નહિ. રાજ કોઈ જુદા ગજવેલની બનેલી હતી.
ધીરે ધીરે બધાં વીખરાયાં. રાજની હઠ કોઈને પસંદ પડી નહોતી. આજ તો હજુ મુગ્ધાભાવમાં છે; પણ કાલે યૌવનની સરિતા બે કાંઠે છલ કાશે, તૃષાતુરો ચારે તરફ ભમતા હશે, એ વખતે દેખાવડી દીકરીને જોબન જાળવવું મુશ્કેલ પડી જશે. જોબનવંતી નારીને તો અરણ્યમાં યોગીથી, વનમાં વનવાસીથી ને નગરમાં નગરવાસીથી સદા ડરતું રહેવાનું ! પણ અહીં તો બધી શિખામણ ફોક હતી.
છેવટે દુઃખનું ઓસડ દહાડો એમ માનીને માતા અને સત્યારાણીએ પોતાના મનને વાળી લીધું. એમના મનમાં ઊંડે ઊંડે એવી આશા છુપાઈ હતી કે આજે નહીં માને એ કાલે રહી રહીને માનશે. કાળ પોતાનું કામ કર્યા વગર નહીં રહે !
કાળનો પ્રવાહ પોતાની રીતે વહેતો રહ્યો, પણ રાજ્યશ્રીના અંતરમાં સુકાઈ ગયેલી સંસારભોગની સરવાણી ફરી વહેતી ન થઈ, એનું ચિત્ત કોઈથી ચળાવી શકાયું નહીં. રથનેમિના મનોરથો મનમાં જ રહી ગયા.
અને આખરે આશાભંગ થયેલો જુવાન રથમેનિ ઘરબાર તજીને રેવતાચલ તરફ ચાલી નીકળ્યો. ગિરનારની ગુફાઓ એને આજે મહેલ કરતાં વધુ પ્યારી થઈ પડી !
સંસાર તો પીડાનો પારાવાર છે. કુરુક્ષેત્રનું રણમેદાન છેવટે જાગતું થયું હતું, અને હાથી, રથ, ઘોડા કુરુક્ષેત્ર તરફ વહેતા થયા હતા. કુરુક્ષેત્રમાં કોણ કોણ રાજા આવ્યા હતા, કયા કયા રાજાની કેટલી સેના એમાં હાજર થઈ હતી, અને કોણ કોણ સેનાપતિ થવાનું હતું, એની જ ચર્ચાઓ ચોરે ને ચૌટે ચાલતી હતી.
રણરંગના ઉત્સાહી યાદવો હવે આખો દિવસ એક જ ચર્ચા કરતા : શત્રુને પોતે ક્યાં વીંધશે, કેવી રીતે વીંધશે, અને શત્રુ જખમી થઈને મૃત્યુ માટે તરફડતો હશે, ત્યારે એ જોવાની કેવી મજા આવશે ! અને શત્રુની સ્ત્રીઓનાં કમળ જેવાં લોચનોમાંથી આંસુરૂપી મોતી ટપકીને એનાં મદભર્યા વક્ષસ્થળો પર હાર થતાં હશે, ત્યારે જોનારનાં નેત્રો કેવાં ધન્ય બનશે !
સત્યા અને રાજ્ય શ્રી બંનેનાં હદય જુદા જુદા પ્રકારનાં ઘડાયાં હતાં. રાજનો જીવ યુદ્ધના વર્તમાનથી કળીએ કળીએ કપાઈ જતો હતો; જ્યારે રાણી સત્યા ભારે ઉત્સાહમાં હતાં. શ્રીકૃષ્ણ મહારથી અર્જુનના સારથિ બનવાના હતા. અને શ્રીકૃષ્ણના રથનાં સારથિ સત્યારાણી પોતે થવાનાં હતાં. એ પણ પોતાને યોગ્ય બખ્તર, તીર, તલવાર, મુદ્રગર વગેરે શસ્ત્રો તૈયાર કરી રહ્યાં હતાં.
સાવજોને રમાડનારી રાજ ખરે વખતે હિંમત હારી ગઈ. એ નાની શી છોકરી મોટામાં મોટા વિચાર કરી રહી : રે ! નેમે પશુનો પોકાર સાંભળ્યો ને લગ્નલીલાનો રથ પાછો વાળ્યો, એ કોઈ ભાવિનો સંકેત હશે કે શું ? યુદ્ધમાં માણસ પશુનું જ અનુકરણ કરે છે. નિર્બળને સબળ કચડે છે ! સંસાર વળી પાછો મોટા મોટા લોકોનાં મૃત્યુથી નિરાધાર બની જશે ? એની ગલીએ ગલી દુઃખિયારાં કે અનાથ બનેલાં માનવીઓનાં આક્રદોથી ભરાઈ જશે ? રાજ બહાવરી બનીને શ્રીકૃષ્ણ પાસે દોડી ગઈ અને એમને વીનવી રહી, ‘મહારાજ, કૃપા કરી આપ યુદ્ધથી પાછા ફરો.’
356 D પ્રેમાવતાર