________________
ભયંકર સ્વભાવનો પુરુષ હતો, જાણે કલિયુગનું મોં જ જોઈ લો. એ દિવસે આકાશ રજે ભરાયેલું હતું, સૂર્ય ફિક્કો ઊગ્યો હતો ને પૃથ્વી કંપ અનુભવતી હતી. આ બધા મને ભયંકર બનાવોની આગાહીરૂપ લાગ્યાં.
નાથ ! હું તો જાણે પવનની પાંખે ઊડતી હતી : ઘડીકમાં કૌરવસેનામાં, કદી પાંડવપક્ષમાં ! મારાં ચક્ષુઓ દિવ્યચક્ષુ બની ગયાં હતાં. જે કોઈ ન જોઈ શકે એ હું જોઈ શકતી હતી. ઉષ્ણ પક્ષની સેનાઓ આ વખતે પોતપોતાના સ્થાને આવીને ગોઠવાઈ ગઈ. કૌરવની સેના પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભી હતી; ને પાંડવોની પૂર્વ તરફ મોં રાખીને ઊભી હતી.
કૌરવોના સરદાર ભીષ્મ પિતામહ સફેદ વસ્ત્રમાં, સફેદ રથમાં, સફેદ ધજા સાથે આગળ હતા. અર્જુન પણ તેવા વસ્ત્રમાં સજ્જ થઈને, સુવર્ણના રથમાં બેઠો હતો. શ્રીકૃષ્ણ એના સારથિ હતા. નિષ્કામ મહારથી.
દેખાવ ભારે ભયંકર હતો. જમીનના થોડાક ભાગ માટે અંગત સ્નેહીઓ, મિત્રો, સંબંધીઓ સાથે લડવું ? એકબીજાનાં મોત નિપજાવવાં ? જે મૃત્યુ પછી મૂઠીભર પૃથ્વી પણ મરનારની સાથે આવવાની નથી, એ પૃથ્વી માટે સગાં, સ્નેહી ને ગુરુજનોની આવી ક્રૂર હત્યા !
સ્વામીનાથ ! હું જાણું છું. અર્જુન અહીં આવ્યો ત્યારે આપે એને ‘જીવો અને જીવવા દો’ અને ‘અહિંસા પરમો ધર્મ નો પ્રેમસંદેશ આપ્યો હતો. પણ આજે તો ત્યાં કાં વિજય કાં મૃત્યુનો આદેશ અપાઈ રહ્યો છે !
અર્જુને પોતાનું ધનુષ નીચે મૂકી દીધું ને કહ્યું, ‘આવું ઘોર કર્મ કરવા કરતાં ભિક્ષા માગીને જીવન ગુજારવું બહેતર છે. પૃથ્વીના એક તુચ્છ ટુકડા માટે પૂજ્ય ગુરુ જેવા ભીષ્મપિતામહનો જીવ મારાથી નહિ લઈ શકાય. આમાં મારા વૈરી કોણ ને વહાલાં કોણ, એ જ હું સમજી શકતો નથી !'
શ્રીકૃષ્ણ આ વખતે હાજર હતા. તેમણે કહ્યું, ‘અર્જુન ! તને મોહ થયો છે. કર્તવ્યના પાલન વખતે તારી આ વિચારણા ઠીક નથી. મારી પાસેથી એટલું જાણી લે કે અધર્મીઓ તો ખરી રીતે અવસાન પામેલા જ છે. અનીતિ, અધર્મ, અનાચારને જે સહન કરે છે, જે એને સ્વરછંદે ચાલવા દે છે, તે પણ મરેલા છે. એ મરેલાને તારે મારવાના છે. યુદ્ધ એ અગ્નિ છે. ગંદી પૃથ્વી એના વિના સ્વચ્છ નહિ થાય. આજ તું કાયર થઈશ, તો પૃથ્વી પર કુકર્મીઓનું રાજ થશે અને નીતિવાનોને સહન કરવું પડશે. માટે તારું તીર ચલાવ. આ બધા કહેવાતા મોટા માણસોનાં કાર્યો તો તું જાણે જ છે !' અર્જુન સાવધ થયો. ત્યાં યુધિષ્ઠિર પાંડવ સેનામાંથી કૌરવસેના તરફ દોડતા
366 D પ્રેમાવતાર
દેખાયા. સ્થિતિ એવી હતી કે એક સાંધતા તેર તૂટતા હતા. અરે ! લડવું કાંઈ સહેલું છે ? અને તે પણ પોતાના પૂજ્ય અને પ્રિય પુરુષો સામે ! આ માટે જ માનસશાસ્ત્રી દુર્યોધન કહેતો હતો કે લડાઈ વગર સોયના નાકા જેટલી પણ જમીન નહિ આપું!
યુધિષ્ઠિરને દોડતા જોઈ આખી કૌરવસેના હસી રહી, પણ યુધિષ્ઠિર તો ધર્મરાજ હતા. તેઓ ભીષ્મ પિતામહ પાસે પહોંચીને બોલ્યા,
‘પૂજ્ય પિતામહ ! અનિચ્છાએ અમારે યુદ્ધમાં ભાગ લેવો પડ્યો છે. આપ આશિષ આપો ?
કેટલું પ્રેમભર્યું જીવન ! મારી આંખમાં તો પ્રેમનો શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો. આ પ્રેમનું રાજ્ય આખી પૃથ્વી પર વિસ્તરે તો ? પણ આવી કલ્પનાઓ બધી અત્યારે કેવળ વિડંબના રૂપ જ હતી.
યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહે આશીર્વાદ આપ્યા. એ પછી યુધિષ્ઠિર મહારાજે દ્રોણાચાર્ય ગુરુના, કૃપાચાર્ય શિક્ષકના ને મામા શલ્યના આશીર્વાદ મેળવ્યા. આ બધા આજ ભલે પરાયા હોય, ગઈ કાલે તો એ પોતાના જ હતા !
આખરે યુધિષ્ઠિરે જાહેર કર્યું : ‘હજી જેને જે પક્ષમાં જવું હોય તે તે પક્ષમાં જઈ શકે છે.'
ફક્ત ધૃતરાષ્ટ્રનો દાસીપુત્ર યુયુત્સુ કૌરવોનો પક્ષ છોડી પાંડવોના પક્ષમાં આવ્યો. બાકી બધા યથાવત્ રહ્યા.
સ્વામીનાથ ! પછી ભયંકર રોમહર્ષણ યુદ્ધનો પ્રારંભ થયો, ઓહ, કેવું દારુણ દેશ્ય ! કેવો હૃદયવિદારક બનાવ !
રથો દોડ્યા, પદાતિ ધાયા. ભયંકર કલેઆમ મચી રહી. હાથી અને ઘોડાનાં કપાયેલાં અંગોથી જમીન ખાડા-ટેકરાવાળી બની રહી.
અર્જુન સામે ભીષ્મ મેદાને પડ્યા. દ્રોણ સામે ધૃષ્ટદ્યુમ્ન આવ્યો. દુર્યોધન સામે ભીમ મેદાને પડ્યો. ઓહ ! શું ભયંકર એ યુદ્ધ !
ભીમની ગદા હાથીસેનાનો કચ્ચરઘાણ કાઢવા લાગી ! સ્વામીનાથ ! પૃથ્વી જાણે પશુઓના પોકારથી ગાજી રહી. સર્વત્ર મારો, કાપો, સંહારોના નાદો ગાજી રહ્યા.
- સાંજ સુધી આ ખૂનખાર લડાઈ ચાલી. સૂરજ અસ્તાચળે ઊતર્યો, ને યુદ્ધવિરામનાં રણશીંગા વાગ્યાં. બંને સેના પોતપોતાની છાવણીમાં પાછી ફરી. રણક્ષેત્રનું દૃશ્ય
રાજ્યશ્રીનું ભારતદર્શન 367