________________
ભૂખ !' રાજ્યશ્રી જાણે ઘેનમાં બોલતી હતી. હજી પણ એ સ્વપ્ન જોતી હોય એમ એનાં નેત્રો વારંવાર ઉઘાડÍચ થતાં હતાં; અને વારેવારે એ ખોવાઈ જતી હતી.
‘કેવી હતી એ સુખડી ? જરા અમને સમજાવ તો !' માએ દીકરીને માથે હાથ ફેરવતાં કહ્યું. એને લાગ્યું કે કદાચ વાત કરવાથી એને ભર્યું હયું ખાલી થઈ જાય.
“મા ! ગૂંગો ગોળનો સ્વાદ શું સમજાવે ? પણ તને થોડું કહું; તારા દિલને પણ ધરપત વળે, મા ! એમણે રથ પાછો ફેરવ્યો, ને મને સંકેત કર્યો કે રાજ્યશ્રી! ચાલ, નીકળી પડ ! દેહ-પ્રાણના મિલનમાં આ વિધિપ્રપંચની શી જરૂર છે ?'
‘સાવ ઘેલી છોકરી ! એટલે બધે દૂરથી તને આંખથી સંકેત કર્યો અને તું એ સંકેત સમજી ગઈ, કાં ?' માએ દીકરીની ઘેલછાને ટકોરતાં કહ્યું.
મા, અંતરના સંકેતને સ્થળ કે કાળનાં અંતર નડતાં નથી. એક અંતરની વાત આપમેળે બીજા અંતરમાં સમજાઈ જાય છે.' રાજ્ય શ્રી બોલી, ‘તું મારી વાત તો સાંભળ, માનવી હોય તો માનજે , અને ન માનવી હોય તો ન માનજે . મને મારા મનના સ્વામીનો સંકેત મળ્યો ને હું સરકી ગઈ ! તમે બધાં જોતાં રહ્યાં ને હું દોડીને એની પાસે પહોંચી ગઈ. એ કહે, ‘રાજ્યશ્રી ! જો ને પશુઓનો કેવો કરુણ પોકાર સંભળાય છે ! મા ! મેં અવાજ તરફ લક્ષ આપ્યું. મને લાગ્યું કે એ બીજા કોઈના નહોતા, તમારા બધાના અવાજો હતા !'
‘શું અમે બધાં પશુ ?' સત્યારાણીનો મિજાજ પળવાર હાથમાં ન રહ્યો, પણ તરત જ એ પરિસ્થિતિને વરતી ગયાં અને હસીને બોલ્યા, સાચી વાત મારી બેનડી ! તું દેવ અને અમે પશુ ! હે, પછી શું થયું ?
‘અમે ભાગ્યાં, બહેન ! સીધાં ચાલ્યાં રેવતાચલ પર, એ આગળ ને હું પાછળ ! પણ મોટીબહેન, હું વારે વારે જરાક પાછળ પડી જતી, મેં રોષ કરીને કહ્યું, “જો સાથે રાખવી હોય તો આવું, નહિ તો પાછી ચાલી જાઉં,’ એ શરમાયા ને બોલ્યા, ‘રાજ , દોટ દેવાનું કારણ બીજું હતું. તારાથી કોઈ વાત છુપાવીશ નહિ. મને પશુઓનો પોકાર પીડતો હતો, માર્ગમાં જ્યાં નજર નાખી ત્યાં ઠેર ઠેર આજંદ સંભળાતાં રહ્યાં. કોઈ પશુ હણાઈ ગયું છે, કોઈ હણાવાને તૈયાર છે, કોઈ હણી રહ્યું છે, હણનારને વળી હણવા માટે તૈયાર થવું પડે છે. કેવી ઘટમાળ ! જાણે સર્વત્ર સંહારલીલાનું સામ્રાજ્ય પ્રવર્તે છે !' મેં કહ્યું, ‘તમારું કામ એક જીવનું શ્રેય સાધવાનું નહિ, પણ અનેક જીવોનું કલ્યાણ સાધવાનું છે. ભલે, તો તમે નિરાંતે આગળ વધો!'
રાજ વળી વાત કરતાં ખોવાઈ ગઈ. થોડી વારે વાતનો તંતુ સાંધતી આગળ બોલી, મારી વાત સાંભળીને નેમ ઊભા રહ્યા. જરાક શરમાયા. મારા તરફ હાથ
350 g પ્રેમાવતાર
લંબાવીને બોલ્યા, ‘રાજ, તું મારા હાથની શક્તિ બનજે, પગની બેડી નહિ. તારા સાથથી મારે સંસારસમુદ્ર ઓળંગવો છે.” કહ્યું, ‘જાવ રે, તમે તો કુશળ તરવૈયા છો. તમે એકલા અબઘડી તરીને પાર થઈ જાઓ ! પણ શરત કરો કે મને એ વખતે ખંધોલે બેસાડી લેશો.’ બહેન ! નેમ હસ્યા : ‘રાજ, તું ભારે જબરી છે. આંગળી આપી ત્યાં પોંચો કરડી ખાવાની વાત કરે છે.’ પણ પછી તો મને ખંધોલે બેસાડી. અમે રેવતગિરિના સહસામ્રવનમાં પહોંચ્યાં. અને...અને...' બોલતી બોલતી રાજ્યશ્રી બેભાન થઈ ગઈ – જાણે એ એની સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગઈ.
રાજ્યશ્રીની માતાથી આ સહન ન થયું. એ રડતી રડતી બોલી : “ઓ નેમ! મારી દીકરીને ભર્યું સરોવર બતાવી તેં તરસી મારી ! સત્યા ! હવે વ્યવહારુ થવામાં સાર છે. જો એ ચિત્તભ્રમિત થશે, તો હાથમાં રહેલું રત્ન આપણે ખોઈ બેસીશું. મને તો રથનેમિ બરાબર યોગ્ય લાગે છે. તારો શું મત છે ?'
સત્યાદેવી જવાબ આપવા જાય છે ત્યાં ફરી રાજ્યશ્રીએ આંખો ખોલી. એ બોલી, ‘બહેન ! સરોવરની મજા ઓર છે. અમે તો ખૂબ ડૂબકીઓ ખાધી, કેવી મજા ! કેવાં સુંદર એ સરોવરનાં કમળ !'
‘હવે તો હદ થાય છે, સત્યા ! વૈદરાજને બોલાવ.' રાજ ની માતાએ કહ્યું. એનાથી રાજનો લવારો સહન થતો નહોતો.
મા ! નેમની ભૂરકી ભારે છે; આ રોગનો કોઈ વૈદ દ્વારકામાં નથી.' ‘તો ?' ‘એ તો જેણે દરદ આપ્યું એ જ દવા આપે તો કામ થાય.'
એટલે જે નાગે ડંખ દીધો, એ નાગ ઝેર ચૂસે તો જ ઝેર ઊતરે, એમ જ ને?” મા ઉગ્ર થઈને બોલી.
‘સાચી વાત એ જ છે, રાજમાતા !' મધુમાલતીએ કહ્યું. ‘અન્ય કોઈ ગારુડી ન ચાલે ?'
‘ચાલે જરૂર, ચાલે. મારી પાસે એવો એક ગારુડી છે. જુવાની કેવું ઝેર છે, અને એ કેવી રીતે ઊતરે છે એ તમામ વાતનો એ જ્ઞાતા છે.’ માતા બોલી.
મા, ઉતાવળ ન કર, નહિ તો ખેલ બગડી જશે. રાજ આપણી અન્ય છોકરીઓની જેમ જુવાની દીવાનીવાળી નથી.’
‘એમ કહી કહીને જ તમે બધાંએ એને ચડાવી મારી છે !' માએ જરા રોષમાં કહ્યું.
આશા નિરાશા 351