________________
ફૂટ્યા કરે છે ! અરે, એની વિચિત્રતાની શી વાત કરું ? એ કહે છે કે જેમ એક વસ્તુમાં અતિ દ્વેષ ખોટો, એમ અતિ રાગ પણ ખોટો ! હવે આ વાત શી રીતે મનાય? આપણા દીકરામાં અતિ રાગ શું એ દૂષણ છે ?”
*માણુ શું હાલ્યું છે ને ? જમાનો સાવ જુદો આવ્યો છે. ચાલવા દો ત્યારે જેમ ચાલે તેમ ! આપણું રોક્યું કંઈ રોકાય તેમ નથી. પણ સંદેશા એવા છે કે, ચક્રવર્તી રાજા જરાસંધ મથુરા પર ચડી આવે છે. શિશુપાલ એનો સેનાપતિ બન્યો છે. કહેવરાવ્યું છે કે ગોપબાળો ચેતે, નહિ તો ઢોરના જેવી દશા કરીશ!' પાડોશીએ પડખે ચડી વાતમાં રસ લીધો.
મોકલોને ત્યારે આ વૈરોટટ્યાને ત્યાં ? મોટી પ્રેમની વાતો કરનારી નીકળી પડી છે તે ! પહેલાં અહીં તો પ્રેમને સ્થાપી બતાવે !” સલાહકારે કહ્યું.
‘ભાઈ ! મેં એને આ જ વાત કહી. નાગ-આર્ય વચ્ચે મૈત્રી એ તો બીજું પગથિયું છે બાઈ ! આ આર્ય-આર્ય વચ્ચે તો પ્રીતિભાવ જગાડ ! એ માટે મથુરા તો જા !”
ખૂબ સરસ કહ્યું તમે ! આમ ને આમ એ ક્યાંક ભેખડે ભરાઈ જશે, ને ટાઢે પાણીએ ખસ જશે. આવી તે પ્રીત થતી હશે ?'
કૃષ્ણ કનૈયો
મથુરા અને ગોકુળ-વૃંદાવનનો શસ્યશ્યામલ પ્રદેશ દૂર દૂર સુધી પથરાયેલો હતો. શેરડીનાં ખેતરોમાં ગાયો ચરતી હતી, અને આજનાં ઘીને શરમાવે તેવાં દૂધ ઝરતી હતી.
નદીકાંઠે કદંબની ડાળે ગોપાંગનાઓ રમતી હતી, એમના નીલા કંચવા ઢીલા થઈ ગયા હતા, અને ઝૂલે ઝૂલતી યૌવનાઓની યૌવનશ્રી પ્રગટ થઈ જતી હતી. મલીર એમનાં માથેથી ખસી જતાં હતાં અને ગોરા ગોરા ગાલ પર પ્રસ્વેદનાં મોતી બાઝયાં હતાં.
- દેવાંગના ચઢે કે ગોપાંગના ? રસિક દ્રષ્ટાને સહજ પ્રશ્ન થતો ! ઝૂલે ઝૂલતાં એમની ગૌર પગની માંસલ પિંડીઓ સ્વયં શૃંગાર કાવ્ય રચતી હતી.
ગોવાળો સાથે મોરપિંછનું છોગું ઘાલી, પાતળી કમરને વળાંક આપતા, કંબુ આકારની ડોકને મત્ત મોરલાની જેમ નચાવતા ચારે તરફ ફરતા હતા. કોઈ ગીત ગાતું, કોઈ રાગ આલાપતું, કોઈ દુહા ફેંકતું.
જુવાનો જુવતીઓને દુહાના ઘા મારતા. યુવતી ગોપાંગનાના નજરના ઘા અચૂક હતા.
સરખેસરખી જોડીનાં યુવાન-યુવતીઓ ભેગાં થતાં. બધાં રાસ ખેલતાં. એક ગોપ ને બીજી ગોપી - એમ કુંડાળે વળી સૌ ધૂમતાં.
એ વખતે ન જાણે ક્યાંથી આવીને તોફાની કૃષ્ણ કનૈયો બંસરી છેડી બેસતો.
કનૈયાની મલ્લકુસ્તીના અજબ દાવથી બધાં હજી હમણાં જ જાણીતાં થયાં હતાં. મથુરામાં એણે પરાકાષ્ઠા બતાવી હતી. પણ એની બંસરીના નાદથી તો બધાં સુપરિચિત હતાં.
56 પ્રેમાવતાર