________________
10
બલરામ અને જરાસંધ
‘રે છોકરી ! માગ ! માગ ! માગે તે આપું ! પણ બલરામના તેજને અને શીલને ઝાંખપ લાગે તેવું કંઈ ન માગીશ. રણક્ષેત્રે સંચરેલાને પાછા ફરવાની વાત ન કરીશ.' બલરામે કહ્યું.
હું જાણું છું, ક્ષત્રિયને આજે યુદ્ધ સ્વધર્મ લાગે છે, પ્રેમ પરધર્મ લાગે છે.’ નાનીશી વૈરોટવા મહાન એવા બલરામ સાથે મોટી મોટી વાતો કરી રહી; આકાશને જાણે ટિટોડી પોતાના બે પગથી થંભો દઈ રહી. એણે કહ્યું : ‘વીરવર બલરામ ! હું એટલું જ માગું છું કે કોઈ વાર તારી આ બહેનને યાદ કરીને યુદ્ધધર્મ અળગો કરી
પ્રેમધર્મ આચરજો !'
‘વૈરોટવા ! દુષ્કૃત્યોની સંખ્યા વધી ગઈ છે. સંસાર પરથી આતતાયીઓને દૂર કરવા માટે યુદ્ધ એ જ યુગધર્મ છે !'
‘એ વાત પણ હું માનું છું; નહિ તો મારો નેમ યુદ્ધભૂમિએ સંચર્યો ન હોત. પેટમાં થયેલા ચરમને શુદ્ધિ કરવા કડવી ઝેર દવાઓ પીવી પડે છે. પણ હે બલરામ! શું પછી પેટની શુદ્ધિ એવી સ્થાયી ન કરી શકાય કે ચરમ પેદા જ ન થાય ?'
‘તારી વાત હૃદયને તો ગમી જાય છે, પણ બુદ્ધિમાં નથી ઊતરતી. છતાં વખત આવે એક વાર યુદ્ધપ્રેમને બદલે પ્રેમયુદ્ધ જરૂર ખેલી બતાવીશ. એકાદ યુદ્ધને થતું થંભાવીશ. અને નહિ થંભે તો હું અળગો થઈ જઈશ. વચન આપું છું વૈરોટ્યા !' તો હવે સિધાવો રણવાટ !' વૈરોટ્યાએ જવાની તૈયારી કરી. એણે તમામ નાગ તથા નાગણોને એક તરફ થઈ જવા સંકેત કર્યો.
ઝેરની પ્રતિમાઓ લાગતાં નાગ અને નાગણો આર્યોને પ્રેમની મૂર્તિ લાગ્યાં. ભાષા તો એકબીજાની ભાગ્યે જ સમજી શકતાં, પણ એકબીજાના ચહેરા પર રમી રહેલા ભાવ સહુ વાંચવા લાગ્યા.
આર્ય સૈનિકોની નજર નાગકન્યાઓ પર સ્થિર થઈ અને આર્ય સુંદરીઓથી અનોખું રૂપ ત્યાં તેઓએ નિહાળ્યું. તેઓનાં વક્ષસ્થળ સાવ ખુલ્લાં હતાં, પણ એ શોભા જ જન્માવતાં. કોઈ ફળેલાં આમતરુંની અનેરી રૂપછટા દાખવતાં, છતાં જંગલી ન લાગતાં. એમનાં અડધાં ખુલ્લાં અંગો અને ખૂબ કાળજીથી સજાવેલો અંબોડો તો ગમે તેવી આર્ય રમણીને પણ મહાત કરવા શક્તિમાન હતાં.
‘નાગ અને આર્ય એક બને તો ? એમનાં લોહી એકબીજામાં ભળે તો ? જુવાનો વિચારી રહ્યા. આ વિચારમાં સ્થૂલ સૌંદર્યપ્રેમ છુપાયો હતો.
પણ આ વિચાર ભયંકર હતો. એક આર્ય માટે મનમાં આવો વિચાર કરવો એ પણ ભયંકર હતું; અને એ વિચારને વાણીમાં ઉતારવો એ તો મોતથીય બદતર હતું !
નાગ અને આર્ય દુશ્મન !
નાગ અને આર્ય મિત્ર બને એ તો નકુલ અને સર્પની મિત્રતા સધાય ત્યારની વાત ! છતાંય કેટલાય આર્ય સૈનિકો નાગકન્યાઓની નમણી છબી અંતરમાં કોરી બેઠા !
શંખસ્વર થયા. બલરામે હળને ખભે મૂક્યું, કદમ બઢાવ્યા, ને બધી સેના આગળ કૂચ કરી ગઈ.
નાગ અને નાગણોની સેનાને વૈરોટ્યા પણ ભાવભરી વિદાય આપી રહી. પ્રેમદીવાની વૈરોટ્યા પોતાના સ્નેહ-સ્વપ્નને ઝૂલે ઝુલી રહી. એક દહાડો પોતાના નેમનાં સ્વપ્ન સિદ્ધ થશે. સંસાર પ્રેમમય બનશે. આજે ભલે નાગ ને આર્ય ન મળે; રે, ભલે આર્ય આર્ય પણ અંદરોઅંદર ઝઘડે, પણ એક દિવસ બધા એક થશે; એવો એને દૃઢ વિશ્વાસ હતો. વેંતભરની વામન વૈરોટ્યા અને ગજભરની વિરાટ એની વિચારસરણી !
પણ એ વિચારસરણીને વૈરોટ્યા પાસે રાખી, વૈરોટ્યાની એક પ્રેમયુદ્ધની વાત હૃદયમાં સંઘરી, બલરામની સેના ખાડા ઓળંગતી, ટેકરા ચઢતી, ઝરણાં ઠેકતી આગળ વધી ગઈ.
હવે માર્ગમાં ઠેરઠેર નાનાં નાનાં યુદ્ધો થયાનાં ચિહ્નો જોવા મળતાં હતાં. ક્યાંક બળેલાં ગામડાં, ક્યાંક ઉજ્જડ થયેલાં ખેતરો ને ક્યાંક છેદાયેલાં વૃક્ષો જોવા મળતાં હતાં. લોકો નાસભાગ કરી રહ્યાં હતાં. શાપિત નગરીઓની જેમ ગામડાં સૂનાં પડ્યાં હતાં.
છુપાઈ ગયેલાં લોકો કદીક ડોકું બહાર કાઢતાં ને બલરામને હળ સાથે જોઈ છળી જતાં. કોઈક ઢીલાંપોચાં તો ‘હાય બાપ, જરાસંધ આવ્યો !' એમ ચિત્કાર કરી બલરામ અને જરાસંધ | 75