________________
13
અજબ પ્રતિકાર
રણશિંગું જોરથી ફૂંકાઈ રહ્યું હતું.
એ યુદ્ધનું રણશિંગું હતું, અને બળવાન હોઠો પરથી ફૂંકાઈ રહ્યું હતું. એના અવાજમાં એવી ભયાનકતા ભરી હતી કે સાંભળનારના હૈયા પર એકદમ ભયની લાગણી છવાઈ જતી; નામર્દીની હવા ન ઇચ્છે તોય મનમાં વ્યાપી જતી! એમ જ થઈ આવતું કે ભાગો, કટોકટી આવી રહી છે ! રાક્ષસોનું ટોળું રણક્ષેત્ર પર ધસ્યું આવે છે !
આ સામે બલરામ દોડ્યા, પોતાનું હળ ઉપાડ્યું. વીંઝ્યું !
શ્રીકૃષ્ણ દોડ્યા. એમણે એક હાથ પર ચક્ર લીધું ને બીજા હાથમાં ગદા લીધી. ચક્ર ને ગદા ઊંચાંનીચાં થઈ રહ્યાં.
નેમ પણ દોડ્યા, અને એથી પહેલાં રાજા સમુદ્રવિજય પણ ધસ્યા. નેમ તો હજી બાળક હતો. અને બલરામ ને કૃષ્ણ પણ ભલે બળૂકા હતા, પણ એમણે કેટલી દુનિયા જોઈ હતી ? આ આખા યુદ્ધસંઘના વડીલ રાજા સમુદ્રવિજય હતા. એમની ચિંતા પાર વગરની હતી.
રાજા કંસની હત્યામાં એમની સંમતિ પણ હતી, ને અસંમતિ પણ હતી. સંમતિ એ માટે હતી કે જો પહાડને ઉલ્લંઘી ન શકાય તેવો સમજીને એની સામે હાથ જોડીને બેસી રહીએ તો ન પહાડ નીચો થાય કે ન માણસ અને ઉલ્લંઘી શકે! અને તો પછી દાનવતામાંથી ધરતીનો છુટકારો ક્યારે થાય ?
અસંમતિ એ માટે હતી કે સામે જરાસંધ જેવો બલવાન સમ્રાટ હતો, શિશુપાલ જેવો ભારે વિદ્વેષી સેનાપતિ હતો; અને બીજા પણ અનેક રાજાઓ એવા હતા કે જે જરાસંધની છાયા લઈને મોટા બનીને બેઠા હતા ! પોતાની મૂઠીભર યાદવસેના, બિનકેળવાયેલ ગોપર્સના આ સાગરસમી અને સુસજ્જ સેનાઓ સામે
ટિટોડીના પગ જેવી હતી ! પોતાને તો વળી રાજ ખોવાનો ડર પણ હતો ! આ બધાની પાસે કંઈ નહોતું, જે કંઈ ખોવાનું હતું તે પોતાને ખોવાનું હતું; બીજાને તો આમાંથી કંઈક ને કંઈક પણ મળવાનું હતું !
પણ સમુદ્રવિજયની દૃઢ માન્યતા હતી કે જ્યારે લોકસમસ્તનો પ્રશ્ન ઊભો થાય ત્યારે એને પોતાની સ્વાર્થી મનોવૃત્તિથી જોઈ શકાય નહિ.
રાણી જીવયશાએ એમને ખાનગીમાં કહેવરાવ્યું પણ હતું કે મને નેમ પર પ્યાર છે, મારા શત્રુઓના પક્ષમાંથી ખસી જાઓ, તમે તો હવે જિંદગીને કાંઠે બેઠા છો, પણ નાહક નેમને કાં બાવો બનાવો ! આગળ જરાસંધ છે, જેનાથી સ્વર્ગ અને પૃથ્વીના સેનાપતિઓ પણ બાકરી બાંધતાં ડરે છે !'
નાનો નેમ આ વખતે પાસે ઊભો હતો. એણે પોતાનાં મનોહર જુલફાં નચાવતાં કહ્યું હતું, ‘પિતાજી ! આ લડાઈઓ મને પસંદ નથી, એ બંધ કરવા માટે એક વાર બાવો બનવા પણ તૈયાર છું !'
પિતા સમુદ્રવિજયે હસીને કહ્યું, “ભાઈ ! રાજા તે યોગી, યોગી તે રાજા, એ આપણી સંસ્કૃતિનું પ્રથમ સૂત્ર છે. આપણે બાવા બનીએ તો એમાં કોઈ શોચ નથી બલકે હર્ષ છે. જોકે સામનો કપરો છે, સામે પહાડ છે; આ તરફ ફૂલના દડા જેવા સુકુમાર કિશોરો ને અણઘડ મોતી જેવા ગોપ મરદો છે.'
પછી પિતાપુત્ર વિચારમાં ડૂબી ગયેલા, પણ આખરે તો રાજા સમુદ્રવિજયે વડીલનું પદ શોભાવ્યું ને એ જબ્બર તાકાતની સામે બાકરી બાંધી લીધી ! એ દિવસે આખી ભરતખંડની પૃથ્વી આંચકા અનુભવી રહી.
અત્યાર સુધી છૂટોછવાયો સામનો હતો; હોતા હૈ, ચલતા હૈ, એમ સેના લડતી હતી, પણ આજના રણશિંગામાં અત્યંત ઉત્કટતા ભરી હતી, ભયંકરતા ગાજતી હતી.
શત્રુ પૂરી તાકાતથી હલ્લો લઈને આવ્યો હતો.
જુદી જુદી દિશામાં થોડી વારમાં જુદા જુદા મોરચા ગોઠવાઈ ગયા, છતાં પણ રણશિંગું હજી પણ એ જ ભયંકર રીતે ફૂંકાઈ રહ્યું હતું.
દિશાઓ થરથર ધ્રૂજતી રહી, શંકરનું જાણે પ્રલયકાળનું ડમરું વાગ્યું.
સૂર્યનો પ્રકાશ પણ બીતો બીતો ધરતીને અજવાળવા લાગ્યો, જાણે રાહુ અને કેતુ સામટો હલ્લો લઈ આવ્યા !
હવામાં પણ કંઈક પરિવર્તન આવતું હતું. એ હવા દેહને ખટાશ ચડાવી કોકડું વાળી રહી હતી. હાથ હલાવી ન શકાય - જાણે આંબલી ખાઈને અંબાઈ ગયા; હલાવવા જાય તો થરથર કંપે !
અજબ પ્રતિકાર – 97