________________
34
રથનેમિ અને રાજ્યશ્રી
સહસ્સામ્રવનમાં આવેલ સરોવરનાં બિલોરી જળ લહેરિયાં લેતાં હતાં અને મસ્ત યાદવસુંદરીઓ જળચાદર ઓઢીને ચત્તીપાટ તરતી હતી. એમનાં મનોહર વક્ષસ્થળો કમળની ઉપમા પામી રહ્યાં હતાં.
કોઈને અહીં લજ્જા સતાવતી નહોતી, કોઈ અહીં નાનુંમોટું રહ્યું નહોતું. યૌવનના ઉદ્યાનમાં સૌ સમાન ભાવે કામ અને રતિ બનીને વિહરી રહ્યાં હતાં!
એક કાંઠે નેમકુમાર બેઠા હતા, બીજે કાંઠે રાજ્યશ્રી બેઠી હતી. એ બે એકલાં હતાં; બાકી બધાં બેકલાં હતાં. અને સહુ પોતપોતાનાં સંગીસાથી સાથે જળક્રીડાનો રસ માણી રહ્યા હતાં. જલદેવતા પણ ક્રીડારસિયાંઓનાં વસ્ત્રોને સ્પર્શીને, પોતે જ પારદર્શક બનાવેલા એ પારસદેહોને જોઈ જાણે સ્વયં મુગ્ધ બની રહ્યા હતા !
વિધાતાએ કઈ નવરાશે આ સ્ત્રી-પુરુષોને ઘડ્યાં હશે ! એમનું એક એક અવયવ જાણે જીવંત કાવ્ય બની રહ્યું હતું.
રસિયાંઓએ નિર્ભય બનીને જલક્રીડાનો આરંભ કર્યો. સ્ત્રીઓએ રક્તરાગથી શોભતી પોતાની હથેળીઓ વડે જળ ઉડાડવાનું શરૂ કર્યું. રસિકો સામે આવીને પાણી ઉડાડવા માંડ્યાં. થોડી વાર તો પાણીનો મારો સામસામો એવો ચાલ્યો કે બંને પક્ષમાંથી એક પણ પક્ષ આગળ વધી ન શક્યો.
જળ-છાંટણામાં મગ્ન રસિકાઓના હાથનાં વલય કોઈ અજબ સંગીત છેડી બેઠાં, પણ હાથની થપાટ આપીને પાણીને ઉછાળતા એ સુકોમળ હસ્ત આખરે જલખેલમાં થાક્યા.
રસિકોએ આ પ્રસંગને પારખી લીધો અને પોતાના કાર્યની ઝડપ વધારી. રસિકાઓ ઢીલી પડી હતી. રસિકોએ દોડીને એમને ભુજપાશમાં જ કડી લીધી.
રે ! જલ-છંટકાવમાં રસિકાઓ હારી, રસિકો જીત્યા !
પણ ના રે ! આ કોમલાંગીઓ એમ હાર કબૂલ કરે એવી નહોતી. એમણે પોતાના કંઠમાં રહેલા મોટા પુષ્પહારો કાઢીને પુરુષોની આંખે વીટી દીધા.
રસિકાઓની આ નવી યુક્તિથી રસિયાઓ મીઠી મૂંઝવણમાં પડી ગયા. હાર તોડાય નહિ, અને તોડાય નહિ ત્યાં સુધી આંખ ખૂલે નહિ : જાણે આંધળા ભીંત ! - સ્ત્રીઓ ધીરેથી રસિયાઓના ભુજપાશમાંથી સરીને અળગી થઈ. પછી તો એમણે નવો મોરચો જમાવ્યો : એમણે પોતાના વક્ષસ્થળમાં છુપાવેલા કંદુક કાઢવા ને તેનાથી પુરુષોને મારવા માંડ્યાં !
પુરુષો બે બાજુના મારથી ત્રાસ પામી ગયા. છેવટે એમણે આંખે વીંટેલા ફૂલહાર ધીરે ધીરે ગ્રીવામાં સરકાવી દીધા, ને સામેથી ઢંકાયેલા કંદુકોને ગ્રહીને સામો મારો શરૂ કર્યો !
કઠોર પુરુષોના આ પ્રહાર સામે કોમલાંગીઓ પાછી હઠી, અને રસિકો આગળ વધ્યા. એટલામાં તો રસિકાઓ ડૂબકી મારી ક્યાંય સંતાઈ ગઈ. આ તરફ રસિક વલ્લભો કંદુક લઈને તૈયાર રહ્યા, રસિકાઓ જળથી બહાર ડોકું કાઢે કે પ્રહાર કરવો!
પણ રે, ત્યાં તો પગથી એ પોતે જ ખેંચાયા ! જાણે પાતાળે એમનો પ્રવેશ માગ્યો ! પુરુષો પાણીમાં ! મીનયુગલ જળની ભીતર ઘૂમતાં હોય એવો દેખાવ થઈ રહ્યો. અને થોડી વારમાં જળમાંથી દેવ-દેવી પ્રગટ થતાં હોય એમ સ્ત્રી-પુરુષોનાં યુગલો પ્રગટ થયાં ! જલક્રીડાના રસાયણથી બધાંનાં સૌંદર્યમાં ભરતી આવી હતી. વિના આસવે નયનો લાલઘૂમ બન્યાં હતાં; ને શ્રમથી હાંફતાં હૈયાં મૃદંગની જેમ ઊછળતાં હતાં.
“અરે ! સહુ એકલાં ને આ નેમકુમાર કાં એકલા ?' જલક્રીડાથી અત્યંત લાવણ્યમય લાગતાં સત્યારાણીએ કહ્યું.
‘આ રાજ્યશ્રી પણ અહીં એકલી બેઠી છે ! સંસારમાં કોઈ એકલું નથી; ને આ છોકરી એકલવાયી ?' રાણી રુકિમણીએ ટાપસી પૂરી.
‘આજ અહીં કોઈ એકલું ન રહી શકે.” શ્રીકૃષ્ણ જલક્રીડા કરતાં કહ્યું, ‘તો તો યૌવનરાજનો અક્ષમ્ય અપરાધ થાય.’
ને શ્રીકૃષ્ણ જેવાનું પ્રોત્સાહન મળતાં રસિકાઓ પોતાના વલ્લભથી છૂટીને તરતી તરતી નેમકુમાર અને રાજ્યશ્રી તરફ ચાલી. - રમણીઓનાં જળ પર તરતાં પૂર્ણચંદ્ર જેવાં મુખ અને કાળા મેઘખંડ જેવા એમના કેશપાશ એક અદ્ભુત રૂપનગરી રચી રહ્યાં; વચમાં તરતાં કમળકોષ કોઈ અવનવી મધુરિમા પ્રસારી રહ્યા. રમણીઓએ દેહ પર લગાડેલાં ભભકભર્યો વિલેપનો ને લેપો ધોવાઈને પાણીને સુગંધિત બનાવી રહ્યાં હતાં. એ સુગંધને લૂંટવા ભ્રમરોની
રથનેમિ અને રાજ્યશ્રી 1 257