________________
નેમ ! ખાટી ગયો છે તું. રાજ્યશ્રી તો ખરેખર રાજ્યશ્રી જ છે. અંધારામાં અજવાળાં કરે એવી છે ! બે બહેનો વચ્ચે જાણે લાખ ગાડાંનો ફેર છે.’
| ‘પૂજ્યબંધુ ! કદાચ સંસારના તમામ પુરુષોનો આ સ્વભાવ હશે, મને તો ઊલટું એમ લાગે કે ક્યાં સત્યાદેવી ને ક્યાં રાજ્યશ્રી ? આપ ખાટ્યા છો.*
ના, ના. સત્યાદેવી તો યજ્ઞના અગ્નિ જેવાં છે, ને રાજ્યશ્રી ચંદનકાષ્ઠ જેવી છે. બાળો તોય સુગંધ, કાપો તોય સુગંધ, ઘસો તોય સુગંધ.”
પણ ભાઈ ! એ બધી આપની કૃપા છે.' ‘નમ ! તારાં લગ્ન અદ્ભુત રીતે કરવાં છે.' ‘એ લગ્નની મજા તો આ યુદ્ધ શાંત થાય તો આવે.” આવતીકાલે હું હસ્તિનાપુર જાઉં છું.” શ્રીકૃષ્ણ કહ્યું.
શ્રીકૃષ્ણનો શિષ્ય મહાબળવાન સાત્યકિ બહાર રથ લઈને ઊભો હતો. એ બળમાં બહુ માનનારો હતો, યુદ્ધ એનો પ્રિય વ્યવસાય હતો.
બલરામે સાત્યકિને કહ્યું, ‘જોજે ! વાતને ખોટો વળ ન ચડાવતો.’
સાત્યકિ પણ ફિલસુફ હતો. પણ એની ફિલસૂફી યુદ્ધ તરફી રહેતી. એ બોલ્યો, ‘નમ્રતા પણ અમુક હદ સુધી જ સારી લેખાય. જેમાં ક્રોધ કરવાની શક્તિ નથી, અને જેના ક્રોધથી શત્રુ નરમ પડતો નથી, એવા વંધ્ય કોપવાળો માનવી રાજા થયો તોય શું અને ન થયો તોય શું ?” સાત્યકિએ પોતાના મનની વાત કરી.
“સાત્યકિ ! યુદિષ્ઠિર સત્યવાદી છે. મને એના પર પ્રેમ છે. એ રાજા થાય તો હું રાજી થાઉં. પણ મનમાં કેટલીક વાતો ખટકે છે. આવો માણસ જુગાર રમે એ બરાબર, બે ઘડી મનનો બહેલાવ ગણું; પણ એના પર સ્ત્રી, ધન ને રાજ્યની હારજીત કરે એ મહામૂર્ખ કહેવાય. એક પાપમાંથી અનેક પાપ જન્મ, એ જુગારની હોળીમાંથી જ આ લડાઈ જાગી. એકલા સત્યની શું રોટલી થાય કે રાબ થાય ?' બલરામે પોતાના સ્વભાવ મુજબ સોઈઝાટકીને વાત કરી દીધી.
‘મોટા ભાઈ !' સાયકી બોલ્યો, ‘એવી ગણતરી ન ચાલે. એ તો આપણે ન જન્મ્યા હોત તો દુનિયામાં લડાઈ જ ન થાત. હું યુદ્ધરૂપી અગ્નિના પક્ષમાં નથી; પણ એક વાર પ્રગટ થયેલા અગ્નિને પરાક્રમથી બઢાવવાના નહિ, પણ બુઝાવવાના મતનો છું.’
‘રે મુર્ખ !' બલરામનો ગુસ્સો હાથથી ગયો. ‘હું ક્યાં બઢાવવાની વાત કરું છું; હું પણ બુઝાવવાનું જ કહું . મારા વતી યુધિષ્ઠિરને કહેજે કે હું પણ યુદ્ધનો વિરોધી છું. ગમે તે યુદ્ધ કરશે, હું એકેય પક્ષે ભાગ નહિ લઉં, મારી તો માન્યતા છે કે સંધિ દ્વારા મેળવેલો અર્થ જ ખરો અર્થ છે. લડાઈ કરીને મેળવેલો અર્થ અર્થ ન
278 | પ્રેમાવતાર
કહેવાય. એ તો અનર્થનું જ મૂળ બની બેસે !'
સાત્યકિ અને બલરામ વચ્ચે આ પ્રકારે સંવાદ ચાલતો હતો, ત્યારે બે ભાંડુઓ - જેમકુમાર ને શ્રીકૃષ્ણ-નિરાંતે લગ્નની ચર્ચા કરી રહ્યા હતા.
આ વખતે અર્જુન અને દ્રૌપદી આવી પહોંચ્યાં. તેઓ પણ રુકિમણીની સહૃદય સરભરા સ્વીકારી, હસ્તિનાપુર જવા તૈયાર થઈ નીકળ્યાં હતાં.
બલરામે અર્જુનને જોયો ને કહ્યું, ‘કાં અર્જુન ! યુદ્ધ વિશે તારી કેવી કલ્પના છે?’
અર્જુન ફાંકડો નવજુવાન હતો. એનો રંગ તપ્ત સુવર્ણ જેવો હતો. એના પડખે આર્યાવર્તમાં જેના આકર્ષણની બોલબાલા હતી, એ દ્રૌપદી હતી, દ્રૌપદી શ્યામલ હતી, પણ આંખ-નાકે અજબ નમણી હતી, મુખમુદ્રા પર ગજબનું આકર્ષણ ધરાવતી હતી. વાદવિવાદમાં તો એ ભલભલાને આંટી દેતી ! અર્જુનના સંગમાં બંને દેવ-દેવી જેવાં શોભતાં.
અર્જુને કહ્યું, ‘મને નેમકુમાર મળ્યા. એમણે બાહ્યયુદ્ધ કરવા કરતાં આંતરયુદ્ધ લડવા વિશે પ્રેરણા કરી. અમારો મત પણ આ યુદ્ધ રોકાવું જ જોઈએ. એવો છે. અમે તો યુદ્ધ ન થાય એ માટે હકની વાત કરતા નથી; સંપમાં જ સામર્થ્ય છે.”
શાબાશ અર્જુન ! તારું સદા કલ્યાણ થશે.”
‘જો અર્જુનની ભાવના સિદ્ધ થશે, તો ક્ષત્રિયો બધા વૈશ્ય બની જશે. યાદ રાખો, દ્વારકાની પ્રત્યેક દીવાલ પર લખી રાખો કે, નહિ મારવા યોગ્ય માણસને મારવાથી જે પાપ લાગે છે, તે જ પાપ મારવા યોગ્ય માણસને ન મારવાથી લાગે છે !' દ્રૌપદીએ મનનો રોષ ઠાલવ્યો. એની નીલસાગરના ઊંડાણવાળી આંખોમાં વીજળી હતી, લલાટ પર શિવનું તાંડવ દાખવતી રેખાઓ હતી.
આટલું બોલતાં બોલતાં તો દ્રૌપદીએ પોતાનો સુંદર, મઘમઘતો ચોટલો વીંખી નાખ્યો ને થોડીક લટો હાથમાં લઈને રમાડતાં રમાડતાં કટાક્ષમાં કહ્યું, ‘નાના ચોરને આપણે કોઈના હકનું લેવા માટે સજા કરીએ છીએ, અને મોટા ચોરને બહુ મોટી ચોરી માટે આપણે ક્ષમાની હિમાયત કરીએ છીએ. કેવાં રૂડાં દેખાય છે તમારા બળ અને ક્ષમા ! નીતિ ને ન્યાય !રે, કૂતરાં ખડ ખાતાં હોય એવાં આ તમારાં ન્યાય-નીતિ લાગે છે.’
દ્રૌપદી સ્વયં યુદ્ધદેવી જેવી શોભી રહી ! એનાં સુંદર નેત્રોમાંથી તેજનો પ્રવાહ વહી રહ્યો. એ આગળ બોલી, “નેમ તો બાળક છે, બિનવ્યવહારુ છે. મોટાની છાયામાં ઊગેલા છોડ ઠીંગણા રહે છે, એ અહિંસાની છોકરવાદી વાતો કરે છે, એ હું જાણું છું; એ મોતથી ડરે છે. પણ મોત કોને છોડવાનું છે ભલા? તો પછી એનો
યુદ્ધની અધિષ્ઠાત્રી | 279.