________________
શ્રીકૃષ્ણ પ્રસ્તાવના બાંધીને પોતાની વાત આગળ ચલાવી.
‘વિદુલા સૌવીર દેશના રાજાની સ્ત્રી હતી. એ સૌવીર દેશના રાજાને સિંધુ દેશના રાજાએ હરાવ્યો ને એનું રાજ્ય લઈ લીધું. વિદુલા નાના પુત્રને લઈ જંગલમાં ચાલી ગઈ, પણ એના હૃદયમાં વેરનો કાંટો ખટક્યા કરતો હતો. એણે પોતાના પુત્ર સંજયને ક્ષત્રિય ધર્મનો ઉપદેશ આપી લડવા માટે તૈયાર કર્યો. પુત્ર સંજય લડવા તૈયાર થયો, પણ શત્રુ પ્રબળ હતો. એ હારીને ઘેર ભાગી આવ્યો. ઘેર આવ્યા પછી પણ એનું મન વ્યાકુળ રહેવા માંડ્યું. કર્તવ્ય શું ને અકર્તવ્ય શું, તે કંઈ સમજાય નહિ.”
“આ વખતે વિદુલાએ પુત્રને કહ્યું. ‘ઓ ભીરુ, વત્સ !' આ તારી કાયરતાને ખંખેરી નાખ. એ કાયરતા તારા શત્રુને પ્રસન્ન કરનારી છે, બીજું કોઈ તારી કાયરતાથી રાજી નથી. તું ઊઠ અને તારા માર્ગે જા ! હિંમત વિનાનો માનવી માટીથી પણ તુચ્છ છે.’
| ‘વિદુલાએ પુત્રને ઉત્સાહ આપતાં આગળ કહ્યું, ‘તું તારી જાતને લઘુ માનીશ માં, શત્રુને સબળ લેખીશ માં, થોડાથી તું સંતોષ પામીશ મા !'
| ‘પુત્ર સંજય ખડો થઈ ગયો. એણે માતાનો ચરણસ્પર્શ કર્યો. માતા વિદુલાએ તેનું માથું સુંઘતાં કહ્યું, ‘નિઃસત્ત્વ થઈ કૂતરાના ભંડા મોતે મરવું એના કરતાં સાપના દરમાં સત્ત્વથી હાથ ઘાલવો શ્રેયસ્કર છે. એક રૂડી ગાથા તો ગવાશે. વર્ષોનાં વર્ષો સુધી અંદર અંદર ધુમાડો થઈને ગોટાયા કરવું એના કરતાં થોડા વખત માટે પણ ભડભડ અગ્નિ થઈને ખપી જવું બહેતર છે. માટે ઊભો થા, તારું પરાક્રમ દાખવ! કર્તવ્ય બજાવતાં બજાવતાં કાં કલ્યાણને કાં મૃત્યુને વર !'
સંજયે કહ્યું, ‘મા ! મારા વગર તું જીવી શકીશ ?' *માતાએ કહ્યું, ‘હજારો માતાઓ પુત્રહીન છે, ને જીવે છે.” ‘પુત્રે કહ્યું, ‘મા, તને એવા જીવનમાં આસ્વાદ રહેશે ?”
માતાએ કહ્યું, ‘બેટા ! તું હારીશ તો તારી અધોગતિ થશે, તારી પત્ની અને તારી માટા પેટ કાજે શેરીઓમાં ભીખ માગશે, એવા જીવનમાં તને કેવો આસ્વાદ રહેશે ?”
‘સંજય રણે ચડ્યો, સફળ થયો. સુકીર્તિને વર્યો.'
શ્રીકૃષ્ણ પોતાની વાત પૂરી કરતાં કહ્યું, ‘કુંતા ફોઈએ વિગતથી આ વાર્તા કહેતાં કહ્યું કે મારા દીકરાઓને કહેજો કે વિદુલાનાં વાક્યો યાદ રાખે. વરસો સુધી અંદરોઅંદર ધુમાઈને રાખ થવું એના કરતાં ભભૂકતી આગ બની જીવતર ઉજાળવું કે મૃત્યુને વરવું બહેતર છે.’ યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ !' યાદવસભામાં પોકાર થઈ રહ્યો.
286 પ્રેમાવતાર
‘રે ! ભાવિ ભારે ભયંકર લાગે છે. દ્રૌપદીને તો હું જાણું છું, પણ કુંતાના દિલમાં પણ વેરનો વડવાનલ ભભૂકે છે ? યાદ રાખો કે વેરથી વેર શમાવવું નથી ! કોઈકે પણ ક્ષમાથી કામ લેવું પડશે. વારુ, બંને પક્ષમાં કોણ કોણ છે?” બલરામે વાસ્તવિક સ્થિતિ જાણવા પૂછવું.
“હે વડીલ બંધુ ! કાળ પણ કપરો આવ્યો છે. કોણ કોના પક્ષે છે, એનાં તોલ કાઢવાનાં માપ વિચિત્ર બન્યાં છે. પાંચ પાંડવોમાંના નકુલ અને સહદેવનો મામો મદ્ર દેશનો રાજા શૈલ્ય કૌરવ પક્ષે છે; જ્યારે યાદવકુળના હાડવેરી જરાસંધ અને શિશુપાલના પુત્રો પાંડવોના પક્ષે છે. ઉત્તર તરફથી પીતવર્ણી પ્રજાનો નેતા ભગદત્ત, ભોજ યાદવોનો નેતા કૃતવર્મા, સિંધુ સૌવીરનો રાજા જયદ્રથ, ભૂરિશ્રવા, દક્ષિણની માહિષ્મતીનો રાજા નીલ, અવન્તીના રાજાઓ સુદક્ષિણ અને કંબોજ તથા યવનોના રાજા પોતાની અક્ષૌહિણી સેનાઓ લઈને કૌરવપક્ષે લડવા આવી પહોંચ્યા છે.'
‘અક્ષૌહિણી એટલે કેટલી સેના ?' એક જણાએ પ્રશ્ન કર્યો.
‘એક અક્ષૌહિણીમાં ૧૧ હજાર જેટલું પાયદળ, બાવીસ હજાર જેટલા હાથી, એટલા રથ અને સાડી પાંસઠ હજાર ઘોડા હોય છે. લડાઈનો મુખ્ય આધાર પાયદળ છે. કૌરવો પાસે બાર લાખનું પાયદળ છે, પાંડવો પાસે સાડા સાત લાખનું છે.”
‘ઓહ આટલો બધો વિનાશ થશે ? શ્રીકૃષ્ણ ! હું આ નરમધમાં ભાગ લઈ શકીશ નહિ.” બલરામે કહ્યું.
| ‘જાણું છું કે આપણે લડાઈને સંમતિ નહિ આપીએ એટલા માત્રથી લડાઈ બંધ રહેશે નહિ ! લડાઈમાં ભાગ નહિ લઈએ, તેથી આપણા લડવૈયાઓનાં મને ઉપર માઠી અસર થશે, બલ્ક આપણી તટસ્થતા દુષ્ટોને સગવડકર્તા બની રહેશે. આમ ન થાય અને વિશ્વમાં સત્યનું રાજ્ય સ્થપાય એ માટે આપણે પણ મથવું જોઈએ.” શ્રીકૃષ્ણે કહ્યું.
‘મને એમાં તથ્ય લાગતું નથી. હું વધુ વિચાર કરી શકતો નથી; પણ એક વાત નક્કી છે કે આ યુદ્ધસંહારમાં હું ભાગ લઈ શકીશ નહિ. આવતી કાલે તીર્થયાત્રાએ નીકળી જઈશ.’
‘જેવી વડીલ બંધુની ઇચ્છા, મેં તો અગ્નિમાં પ્રવેશ કર્યો છે. હવે દાઝવાની બીકે દૂર નહિ રહી શકું. મારો આ પ્રયત્ન પૃથ્વી પરથી અધર્મનો ભાર ઉતારવા માટેનો છે. હું ધર્મની સંસ્થાપના માગું છું.”
‘પણ ધર્મની સંસ્થાપના માગું છું, ને એ માટે તલવાર કરતાં તપમાં અને રણમેદાન કરતાં મનના મેદાન પર યુદ્ધ કરવામાં માનું છું.' અત્યાર સુધી ચુપ રહેલા નેમકુમારે કહ્યું.
સહુ સહુના રાહે ન્યારા D 287