________________
શાબાશ ! સારથિ ઘણો હોશિયાર !' રાજ્યશ્રી બોલી.
‘એને હોશિયાર કે મૂર્ખ પછી કહેજો. નેમકુમારે એની વાત સાંભળીને કહ્યું કે જે લગ્ન પાછળ આટલા દીન-હીન જીવો પ્રાણ ખોવાના હોય, એ લગ્ન નથી પણ એક પ્રકારની લાય છે ! જે લાયમાં આ પશુઓ તેમનાં પ્રિય તન ખોવાનાં છે, આપણે કરુણાર્ક મન ખોઈ નાખવાનાં છીએ. સર્યું એ લગ્નથી ! સર્યું એવાં ભયંકર લગ્નોત્સવથી! રથ પાછો વાળ !'
‘અરે, એ તો મને ખબર જ હતી. નેમ કદી આવી બાહ્ય વિધિઓ અને આડંબરો પસંદ કરતા નથી, અને જીવહત્યાથી તો ભારે ઘૃણા ધરાવે છે.’ રાજ્યશ્રી બોલી.
‘રાજકુમારી ! નેમકુમારે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે વિધિ પણ નહિ, અને લગ્ન પણ નહિ ! ભલું મારું પ્રિય રેવતાચલનું સ્થાન ને ભલો હું ! ઓહ! તેઓ ઊકળીને બોલ્યા કે મને તો હવે આખો સંસાર આ પશુવાડા જેવો લાગે છે! એમાં પુરાયેલાં પશુડાના પોકાર મારા મન-ચિત્તને આવરી લે છે. એ દીનહીન પ્રાણી મને આમંત્રે છે કે રે ક્ષત્રિય ! અમને નિર્ભય કર ! મૃત્યુથી બચાવ ! બહેન! આખું વિશ્વ એમને મન વાડો છે : ને તમે, હું ને આ રાજાઓ તમામ એમાં પુરાયેલાં પશુઓ છીએ.' વનપાલકે વિસ્તારથી વાત કરી.
‘સાચી વાત છે. પશુ પશુને હણે, માનવી પશુને હણે, માનવીને માનવી હશે. સંહારની અને હત્યાઓની પરંપરા એનું નામ જ સંસાર . આ કુરુક્ષેત્રમાં શું થવાનું છે? માનવી પશુથી પણ હલકો દેખાશે. જમીનના એકાદ ટુકડા માટે કેટલી ખૂનખરાબી! માણસ અને તેમાંય રાજાઓ બીજા પ્રત્યે જે હિંસા આચરી રહ્યા છે, સંસારમાં હિંસાની જે પ્રતિષ્ઠા કરી રહ્યા છે, એનો આ પડઘો છે.' રાજ્યશ્રી ફિલસૂફીમાં ઊતરી !
ત્યાં બે દાસીઓ બૂમ પાડતી આવી : ‘રથ આખરે પાછો ન વળ્યો, કુમાર પોતાના આવાસ ભણી હંકારી ગયા !
‘તે તમે રથને ન રોક્યો ?' રાજ્યશ્રીએ કોપમાં કહ્યું.
‘અમે તો એમનું મધુર ભાવભર્યું મોં જોવામાં રહી ગયા, અને એ તો ચાલ્યા ગયા !' દાસીઓએ કહ્યું.
‘રે મૂરખીઓ ! કુમારનું મોં મારે જોવાનું છે કે તમારે ?' રાજ્યશ્રી એકદમ આવી પડેલી વિકટ પરિસ્થિતિથી મુંઝાઈ ગઈ અને ન બોલવાનું બોલી રહી.
‘એ મુખ તો સહુને જોવાલાયક છે, સહુને ગમે એવી એ મુદ્રા છે. કુમારી! એ ભર્યા રૂપવાળો ચહેરો એવો છે કે મનમાં કંઈક પાપ સંઘરીને બેઠાં હોઈએ તોય પલાયન થઈ જાય ! એમની પાસે વિષયની વાત કરવી જ વ્યર્થ લાગે. આત્મા પોતે 334 D પ્રેમાવતાર
જ જાણે આત્મા સાથે વાત કરતો લાગે.'
બસ કરો, સહુને ચિંતનનો-ફિલસૂફીનો શોખ લાગી જશે તો ભારે થઈ પડશે! ન જાણે કેમ, નૈમકુમારને જોઈ સહુ પાગલ થઈ જાય છે !' રાજ્યશ્રી ધીરે ધીરે મન પરનો કાબૂ ખોઈ રહી હતી !
‘તમારા પ્રશ્નનો જવાબ તમારા જ પ્રશ્નમાં છે. જે એમ માનતા કે હું કોઈ પર પાગલ ન થાઉં, હું કોઈ પુરુષને પરણું નહિ, મારી સાથે પુરુષ કોણ માત્ર, એની જ દશા વિચારોને !' બંને દાસીઓમાંથી એકે રાજ્યશ્રીને કડવી વાત સંભળાવી દીધી. એ હજી નેમકુમારને નીરખ્યાની મસ્તીમાં હતી ! સ્ત્રી જે રૂપમાં પોતાના સ્ત્રીત્વનો સાક્ષાત્કાર નિહાળે છે, એવું રૂપ એણે નીરખ્યું હતું!
‘કુમારી બહેન ! પાગલ થવાની વાત તમારે સાંભળવી છે ?” વનપાલકે વચ્ચે
કહ્યું.
‘ના' રાજ્યશ્રીએ રોષમાં ના પાડી.
“ભલે, તો ધણીનું ધણી કોણ ? બાકી તો સાબર, રોઝ, શિકારાં...' વનપાલક એટલે આવીને અટકી ગયો.
‘બોલ ને ! તને કોણે ના પાડી તે ચૂપ થઈ ગયો ?' રાજ્યશ્રી બહાવરી બનીને બોલી રહી.
‘કુમારી બા ! મોટાં માણસ છો. બોલું તોય દંડો, ન બોલું તોય દંડો ! ભલે, બાકી તો રસનાને પવિત્ર કરવા જેવો આ પ્રસંગ હતો.’
‘તો ભાઈ ફૂલસૂફ, જે હોય તે જલદી બોલી નાખ !'
‘કોઈ વાત જલદી કહી નાખવી ગમે, ઝટ છૂટકો થાય. કોઈ કહેવી જ ન ગમે, એવા ભુંડા શબ્દોને કોણ સજીવન કરે ? પણ કોઈ વાત તો મોં બહાર કાઢવી પણ ન ગમે. એમ થાય કે મોંમાં મમળાવ્યા કરીએ અને એનો રસ અનંતકાળ સુધી ચૂસ્યા કરીએ.’ વનપાલક જાણે પોતે જે અદ્ભુત દૃશ્ય જોયું હતું, એની ખુમારીમાં હતો.
‘એક પારસમણિના સ્પર્શે હજારો લોઢાં સુવર્ણ બની ગયાં છે !' રાજ્યશ્રીએ બધાના મનની સમીક્ષા કરતાં કહ્યું.
‘સાવ સાચું બોલ્યાં, બહેન ! રજવાડાં અહિંસા શીખે કે ન શીખે, આટલું સત્ય બોલતાં ને સમજતાં શીખે તોય ઘણું સારું.' એક દાસી બોલી.
‘મને પાગલ બનાવી દેશો !' રાજ્યશ્રી મૂંઝવણમાં પડી ગઈ.
‘પાગલ બનાવનાર બનાવી ગયો, અડધે કૂવે ઊતારી દોર કાપી ચાલતો થયો!’ બીજી દાસી બોલી.
બીજા બધા પર D 335