________________
દર્શનથી ધન્ય થયાં છો ! રે ! વનપાલક, નેમ મારા છે હોં !'
બહેન ! નેમ તો સહુના છે !' વનપાલકે લાગણીપૂર્વક કહ્યું. “તો શું એ મારા નથી ?' રાજ્યશ્રી હતાશા અનુભવી રહી.
“ના, દીકરી ના !' રાજ્યશ્રીની માતાએ પ્રવેશ કરતાં કહ્યું. ભાલ પ્રદેશ ઉપરનું કુમકુમ તિલક પ્રસ્વેદથી ભૂંસાઈ જાય એમ એમનો આનંદ ભૂંસાઈ ગયો હતો.
‘તો મા એ કોના છે ?’ રાજ્ય શ્રી પ્રશ્ન કરી રહી.
એ જેના હોય તેના, પણ હવે એ તારા તો નથી જ !' માતાએ જાણે વીજળીનો કડાકો કર્યો.
ઓ મા ! તું આ શું બોલે છે ?”
સાચું બોલું છું બેટા ! એ ધુતારો તારો નથી ! આપણાં ભાગ્ય એટલાં સારાં કે બધો ઘટસ્ફોટ વહેલો થઈ ગયો. માંડવે વર પોંખ્યો હોત, પંચની સાખે તારો હાથ ગ્રહ્યો હોત અને અગ્નિની સાખે ચોરીએ ચાર ફેરા ફર્યા હોત તો તારું શું થાત ? તો તો મારી રાજુ ભવદુખિયારી થઈ જાત '
‘એટલે મા, હવે તેમ મને નહિ મળે ?”
“શું કરવો છે એને ? એવા કાયર કુમારને કોણ દીકરી વરાવે ? કૂકડાં-મરઘાંની હત્યા જોઈને હારી જનારો કુરુક્ષેત્રમાં શું લડવાનો છે ? ક્ષત્રિયને હત્યાથી, યુદ્ધથી નારાજગી કેવી ?* માતાનું હૃદય જાણે ભડભડતી અગ્નિવેદી બની ગયું હતું.
| ‘મા ! હવે મારું શું થશે ?' કંટાળેલી રાજ્યશ્રી માના ખોળામાં માથું મૂકીને રડી પડી.
સહુ સારાં વાનાં થશે ! નેમને નીચો દેખાડે એવા સો વર હાજર કરીશ.” સો વર ?' ‘હા બેટી ! કુંવારી કન્યાને સો વર ને સો ઘર !' “અને એ સો વર કરતાં એક નેમ જ મને ગમે તો ?
“દીકરી ! એવા કાયરને હવે મારે મારી લાખેણી છોકરી આપવી નથી. સત્યાની વાત તો તું જાણે છે ને ? તારા બાપ જડ મણિમાં લોભાયા, ને મેં મારો ચેતનમણિ ખોયો !' માએ ભૂતકાળ ઉખેળ્યો.
‘સ્યમંતક મણિની વાત કરે છે ને ?”
‘હા દીકરી ! એ ઘર ભલે સોનાનું હોય, મારે નથી જોઈતું. સોનાની પાળી ભેટે ખોસાય, કંઈ પેટે ન ખોસાય.” મા ખૂબ રોષમાં હતી. “મા, સત્યાબેન ક્યાં છે ?'
338 1 પ્રેમાવતાર
‘જ્યાં હસે ત્યાં, પરણેલી દીકરીનું મન પિયરમાં ન હોય, એ તો સાસરાનું શ્રેષ્ઠત્વ રાખવા ચાહે, જો મેં તો મનથી નિર્ણય કર્યો છે કે....' માતા દીકરીની પાસે ગઈ અને કાનમાં મોં ઘાલી બોલી, ‘કુરુક્ષેત્રમાં લડાઈ ખેલાવાની છે. ઘણા ક્ષત્રિયો કામ આવશે. એ લડાઈ પછી કોઈ નરબંકો શોધી કાઢીશું ને એની સાથે તારાં લગ્ન રચાવીશું.’
મા, મારે તો નેમ એ વર, બીજા બધા પર.” ‘મૂરખ જાતની છે તું ! જરાક હોશિયાર હોશિયાર કહીને મોંએ ચઢાવી એટલે ગમે તેમ બોલે છે ! નેમ આપણી સાથે સંબંધ બગાડીને ગયો છે. એટલે એ હવે ક્યાંયનો નહીં રહે - ન ઘરનો, ન ઘાટનો ! એ પથ્થરહૃદયને કોઈ સંઘરે તો માત્ર રેવતાચળના પાણા.'
‘પથ્થરહૃદય કે કરુણાહૃદય ?’ રાજ્યશ્રીએ પ્રશ્ન કર્યો.
‘પથ્થરહૃદય ! આવી મીણની પૂતળી જેવી દીકરીને તરછોડી નાખતાં જેને દયા ન ઊપજી એને પથ્થરહૃદય નહીં તો કેવો કહીએ ?’
‘એની દયા તો માણસ છું, પશુ, પંખી ને પૃથ્વીનાં પરમાણુ પર પણ વરસે છે.”
‘પશુપંખી પર દયા રાખીને શું કરવાનું ? દુખિયા જીવોને આ રીતે વધુ જિવાડી વધુ દુ:ખી કરવાનાં ને ! એના કરતાં સારા કામમાં વપરાઈને સારો પરભવ મેળવે એ શું ખોટું ? નેમને મોઢે ચઢાવ્યો છે. એની છોકરવાદીને શ્રીકૃષ્ણ ને બલરામે ડામી નથી, એટલે એ ઘર જ મારે ન જોઈએ.’ માતાએ પોતાનો રોષ ઠાલવતાં કહ્યું.
‘મા ! તું રોષમાં છે, શાંત થા !' ‘કઈ રીતે શાંત થાઉં ? મારી દીકરીનો ભવ....' ‘મા તું કંઈક શાંત થાય તો હું વાત કરું.’ રાજ્યશ્રીએ કહ્યું.
‘બોલ દીકરી ! તારા મનની કોઈ વાત છૂપી ન રાખીશ. જુવાનીના માંડવે મનની વેલ કેમ ચડે છે, એ સહુ જાણે છે.’
‘મા ! તું મન ઉઘાડું રાખીને બરાબર સાંભળી લે, લોકો ગમે તે કહે, અને તમે બધાં પણ ગમે તે વિચારો, મેં તો મારા મનમાં દૃઢ સંકલ્પ લીધો છે કે નેમ એ જ મારો વર, બીજા બધા પર !”
માતાની જીભ સિવાઈ ગઈ.
બીજા બધા પર 1 339