________________
44
સુણી પશુડાં પોકાર
આકાશમાં વાદળ બંધાય છે. વાદળમાં વીજ બંધાય છે. ધરતી પર હરિયાળી બંધાય છે. દેહના બંધનમાં જીવ બંધાય છે. લગ્નની બેડીમાં સ્ત્રી બંધાય છે. શું જડચેતન સૌને બંધન અતિ પ્યારું હશે ? મનસ્વિની રાજ્યશ્રીને શૃંગાર સજતી જોઈને મધુમાલતી વિચાર કરી રહીઃ રે! વનમાં જેમ શિકારીઓથી મૃગ બંધાય છે, એમ પુરુષોથી લગ્નની બેડીમાં સ્ત્રીઓ જીવનભર બંધાય છે. શા માટે ?
રાજ્યશ્રીની અલકલટમાં મોતી પરોવાઈ ગયાં, ભાલે તિલક ૨ચાઈ ગયું, પગેહાથે પત્રાવલિ રચાઈ ગઈ, કટિએ મેખલા ને પગમાં નેપુર બંધાઈ ગયાં.
નપુર બાંધતી મધુ વિચારમાં ઊંડી ઊતરીને બોલવા લાગી : ‘રે સાવજચિત્તાને નમાવનારી રાજ્યશ્રી, તારું પણ આ લગ્નની બેડીનું જ ભાવિ ? આ બેડી તારું બહુમૂલ્ય વ્યક્તિત્વ હરી લેશે, પછી તો તું સંસારઘેલી બની જઈશ અને એકમાત્ર પતિદેવને પૂજી રહીશ !'
“મધુ ! ચારે તરફ ભટકતું જહાજ કિનારો ભાળી લંગરથી બંધાય છે એમ, દિલ લગ્નથી એક વ્યક્તિ જોડે બંધાઈ જાય છે, અને ઉચાટ બધા ઓછા થઈ જાય છે !' રાજ્યશ્રી બોલી, ‘સખી ! તને બેડી કાં ગમે ?”
‘રે ઘેલી ! એ બેડી ન પડે, ત્યાં સુધી સ્વૈતમાં અદ્વૈતનો સાક્ષાત્કાર ન થાય. બેનો સરવાળો એકમાં જઈને ન સમાય !' રાજ્યશ્રી સર્વથા વરઘેલી થઈ ગઈ હતી.
પ્રબળ લાગણીઓની અગ્નિશિખા જેવી આ અબળાને મધુમાલતી એકીટસે નીરખી રહી. એ મનમાં ને મનમાં બોલી રહી : રે ! આકાશમાંથી આવનારી ગંગા! અવનિતલ પર વહેતાં તારી શી દશા થશે, એની તને ખબર છે ? કાંઠાનાં બંધન તને વ્યાકુળ બનાવશે રે બાવરી !
પણ એટલામાં રાજ્ય શ્રી વળી ઝરૂખે જઈને ઊભી રહી અને આવતી જાનને
મન ભરીને નિહાળી રહી. મધુમાલતીની વિચારમાળા થંભી ગઈ. રાજ્યશ્રીએ જોયું કે ધૂળની ડમરી દિશાઓને ઢાંકી દેતી હતી, પણ એ ડમરી વચ્ચેથી પણ રાજ્યશ્રી જાણે પોતાના પ્યારા પિયુને પરખી રહી. એના લાંબા લાંબા હાથ જાણે એને પોતાને ભુજપાશમાં આવરી લેતા લાગ્યા. ઓહ ! મારા નેણે મારા કપાળે કેવું ચુંબન ચોડ્યું! લગ્નઘેલી નારી કપાળ પર શીતલ ચંદન જેવો અનુભવ કરી ભારે તાદાભ્ય અનુભવી રહી.
શ્રાવણની વાદળીઓ રીમઝીમ રીમઝીમ કરતી વરસતી હતી. શીતળ વાયુ ગ્રીષ્મનાં અકળાયેલાં ઉદ્યાનોને સાંત્વન આપતો હતો; ચંદનબાગની એમાં સુગંધ ભરી હતી.
રાજ્યશ્રીને લાગ્યું કે પોતાના નાવલિયાનો શીતલ શ્વાસ પોતાના ગીર ગાલોને સ્પર્શી રહ્યો છે !
મધુ ! જો તો ખરી, મારી નેમ મને ગોદમાં લઈ હીંચોળી રહ્યો છે !' રાજ્યશ્રીએ વિશ્વાસુ સખી મધુને કહ્યું.
મધુએ રાજ્યશ્રીના મુખે જે શબ્દો સાંભળવાની કદી કલ્પના કરી નહોતી, એ શબ્દો ભારે અચરજ સાથે એ સાંભળી રહી ને વિચારી રહી : રે, ક્યાંક મારી આ સખીને, અતિ સુખની કલ્પનામાં ચિત્તભ્રમ તો પ્રાપ્ત થયું નથી ને ?
મધુએ રાજ્યશ્રીના મુખ સામે જોયું : એ મુખ સ્વપ્નિલ હતું. ‘રાજ્યશ્રી !' મધુએ એને બે હાથથી ઢંઢોળી !
રાજ્યશ્રી હજી પણ ખોવાઈ ગયેલી હતી. થોડી વારે એ ગદ્ગદિત કંઠે બોલી : ‘લુચ્ચી મધુ ! ખરે વખતે તું પણ ફરી ગઈ ? અરે રે ! મને શરમ આવે છે. હવે તો એ તોફાની મારાં વસ્ત્રો ખેંચવા લાગ્યો છે !'
‘સખી ! પિયુને મળવા જતાં અન્ય સર્વ ઉપાધિઓ તજવી ઘટે.”
‘તો પછી પગ નુપુર કાં બાંધે, સખી ?' અને રાજ્યશ્રીએ પગની હળવી વાત મધુને લગાવી દીધી. પછી એ બોલી, ‘તને ખબર પડતી નથી કે તેમને હું છાની છાની મળવા જાઉં છું ત્યારે એ નુપુર ચાડી ખાય છે ! કંકણ અને નૂપુર બંનેનો હું ત્યાગ કરીશ.”
ના બોલ એમ, મારી પ્યારી સખી ! એ તો તારાં સૌભાગ્યનાં ચિહ્નો છે.”
‘સૌભાગ્ય સ્વયં આવીને મને મળ્યું, પછી સૌભાગ્ય-ચિનોની શી જરૂર? હું તો મારા ભાલનું આ કુમકુમ પણ ભૂંસી નાખીશ.”
‘આવું શું બોલે છે ?' મધુને રાજ્યશ્રી ખરેખર ચિત્તભ્રમિત લાગી.
સુણી પશુડાં પોકાર | 329