________________
36
‘કેવા નિકૃષ્ઠ વિચારો. દુર્યોધનભાઈ ! મિથ્યાભિમાન મૂકો ! યુદ્ધના વિચારો તમને અવિવેકી બનાવ્યા છે. પણ એટલું યાદ રાખજો કે અવિવેકી ક્યારેય વિજયને વરતો નથી.” નેમ જાણે કાળબોલી ભાખતો હતો.
પણ એ બોલ સાંભળનાર કાન બહેરા હતા ! ‘તું મને શાપ આપે છે ?' દુર્યોધને હુંકાર કર્યો.
‘કોઈને આશીર્વાદ આપવા કે શાપ આપવા એ મારું કામ નથી. એ તો તમારાં પોતાનાં કર્મનું કાર્ય છે !' નેમ સ્વસ્થતાથી કહ્યું.
| ‘તમે બધા તો અર્જુનના પક્ષકારો છો. યુધિષ્ઠિરે પોતાના સત્યવાદીપણાનો ધજાગરો ઊંચો ચડાવ્યો છે. ભીમ પોતાને જાણે જગતમલ્લ લેખે છે. એ બધાની બડાશો થોડા વખતમાં ઠેકાણે પડી જશે. પેલી કાળી કામણગારી દ્રૌપદી-પાંચ પતિની પત્ની-પણ શેખી કેવી મારે છે, એ અમને અંધના અંધ કહે છે !'
‘શાંત થાઓ ! ઓહ ! યુદ્ધનો અગ્નિ તમારા અંતરના રણમેદાન પર તો ક્યારનો ભભૂકી ઊઠ્યો છે. એને વેળાસર ઠારો, નહિ તો અકલ્યાણને વરશો.' નેમકુમારે છેલ્લાં વચનો કહ્યાં.
દુર્યોધન જોરથી હસ્યો અને આવા નાદાન સાથે વધુ જીભાજોડી શું કરવી એમ સમજીને મૂછો આંબળીને છલાંગ મારીને રથમાં બેસી ગયો.
રથ ઊપડ્યો. એની રજથી દિશાઓ ભરાઈ ગઈ. નેમકુમાર કર્મની રજથી લપટાયેલી પૃથ્વીને અંતરનાં ચક્ષુઓથી જોઈ રહ્યા.
યુદ્ધની અધિષ્ઠાત્રી
દ્વારકામાંથી દુર્યોધનનો રથ પસાર થયો કે આખી યાદવસેના કૂચ કરવા માટે સજ્જ થઈ રહી. ઠેર ઠેર યુદ્ધના નાદો, શંખો અને રણદુંદુભિ ગાજી રહ્યાં. યુદ્ધ જાણે ક્ષત્રિયોના લોહીનો રંગ બની ગયું હતું. જરાક કારણ મળ્યું કે શસ્ત્રાસ્ત્રો લઈને દોડ્યા જ છે !
આત્માનું લોહી આ રીતે સદા તપ્ત રહ્યા કરતું, એમાં એક નેમકુમાર સાવ ઠંડા લોહીના નીકળ્યા. એમણે સ્પષ્ટ રીતે કહ્યું, ‘જે માણસ સુખમાં પોતાના ભાઈને પણ ભાગ આપી શકતો નથી, એ સંસારને પોતાના સુખના ભાગ કેવી રીતે વહેંચી શકશે? અને દરેક તકરારનો નિકાલ તલવાર વાટે જ, અને દરેક ઝઘડાનો અંત યુદ્ધ દ્વારા જ લાવી શકાય છે, આ વિચાર જ નિતાંત ભ્રમથી ભરેલો છે. આ ભ્રમ વહેલો ટળે એમાં જ સંસારની શાંતિ છે.”
નેમકુમાર પોતાના મતનું સમર્થન મેળવવા બલરામજીના આવાસ તરફ ચાલ્યા , આ આવાસ એકાંતમાં આવેલો હતો. ઝાડ-પાન અને ઝરણાંથી ઘેરાયેલો આ આવાસ આશ્રમનું ભાન કરાવતો હતો.
બળરામ સ્વભાવના અલગારી અને સરળ છતાં ક્રોધી હતા. ખોટી વાત એમનાથી લેશ પણ સહન થતી નહિ, છતાં એમનો કુટુંબપ્રેમ તથા શ્રીકૃષ્ણ પ્રત્યેનો સ્નેહ એવો અદ્ભુત હતો કે એ વાત આગળ બીજી તમામ વાતો નગણ્ય થઈ જતી.
નેમકુમાર બલરામના આવાસે પહોંચ્યા ત્યારે તેઓ એક ખેતરમાં નવા પ્રકારનાં બી વવરાવી રહ્યા હતા. તેઓ તેમને જોતાં જ સામે આવ્યા અને વાત્સલ્યભાવથી નેમનું માથું સુંઘીને બોલ્યા, ‘નેમ ! તને ભોજન માટે પશુપ્રાણીની હત્યા ગમતી નથી, માણસનું પેટ પશુ-પ્રાણીની કબર નથી, એ તારા મતની પુષ્ટિ માટે હું આ કરી રહ્યો
272 | પ્રેમાવતાર