________________
કૌરવો સદાના આપના ઓશિંગણ રહેશે.'
‘ભાઈ દુર્યોધન ! એટલું યાદ રાખજે કે સત્યમેવ જયતે.'
‘અમે તો તલવારની તાકાતમાં માનનારા છીએ. જેની લાઠી એની ભેંસ એ જુગજૂગનો નિયમ છે. તલવારની ધાર પાસે જૂઠ પણ સત્ય બની જાય છે, ને અપયશ પણ યશ બની જાય છે. વીરભોગ્યા વસુંધરા ! મહાન નીતિવેત્તા ભીષ્મપિતામહ પણ અમારી સાથે છે. નીતિ-અનીતિ વિશે ક્યારેક અવકાશે એમની સાથે ચર્ચા કરજો.’
દુર્યોધન આટલું બોલીને પગથી ધરતી ધમધમાવતો બહાર નીકળી ગયો. શ્રીકૃષ્ણ અને અર્જુન એને જતો જોઈ રહ્યા.
‘ઓહ ! સ્વયં મદની મૂર્તિ છે ! આવાના હાથમાં સત્તા રહે તો એ કોઈને સુખે જીવવા જ ન દે !' શ્રીકૃષ્ણે આપોઆપ કહ્યું.
‘આવા લોકોના નાશ માટે આપને નિમંત્રણ આપું છું. અમારી આજીજીઓ, પ્રાર્થનાઓ, બધું વ્યર્થ ગયું છે. એમે કહ્યું કે એમ ને એમ સોયના નાકા જેટલી પણ પૃથ્વી નહિં આપું. યુદ્ધ કરીને જીતો તે તમારું !' અર્જુને કહ્યું ને બંને અંતઃપુર તરફ
વળ્યા.
દુર્યોધન બહાર નીકળી રથમાં બેસવા જતો હતો, ત્યાં અને સામા નેમકુમાર મળ્યા. એ રૈવતાચળ પરથી સીધા આવતા હતા.
‘શુભાશિષ, નેમ !’
‘પ્રણામ દુર્યોધનભાઈ ! ક્યારે આવ્યા ?'
‘આવ્યો છું અત્યારે, અને જાઉં છું પણ આ ઘડીએ જ. ભલા આદમી ! લહેર તો તમારે છે; ન કોઈ ચિંતા, ન કોઈ પળોજણ !'
‘કાં ?’
‘મૂંઝવણ થાય કે સંસારત્યાગની કે સંન્યાસની વાતો કરવી. અમારાથી એમ થઈ શકતું નથી. કુરુક્ષેત્ર પર થોડા વખતમાં કૌરવો-પાંડવોનું યુદ્ધ મંડાશે.’
પાંડવો પણ કૌરવો તો ખરા જ ને ?'
‘હા, અમે બંને કુરુકુળના જ કહેવાઈએ.'
‘તો શું ભાઈએ ભાગ વહેંચાય છે ?' નેમકુમારે પૂછ્યું.
‘ના ભાઈ ના, આ તો ભાઈ ભાઈનાં માથાં વહેંચાવાનાં છે.' ભાઈ-ભાઈનાં માથાં ? શા માટે ?”
‘ભૂમિ માટે.' દુર્યોધને કહ્યું.
‘ઓહ ! ભાઈ કરતાં ભૂમિ વધી ? ના, ભાઈ ! તમે પ્રેમનો મહિમા શીખો, 270 D પ્રેમાવતાર
પોતાનું બીજાને આપતાં શીખો ! દુર્યોધનભાઈ ! આ નદી પોતાનું જળ પોતે પીવે છે ખરી ? આ આમ્રવૃક્ષ પોતાનાં ફળ પોતે ખાય છે ખરાં ?' નેમકુમારે સમજાવવા માંડ્યું.
દુર્યોધન સામે હસતો હસતો ઊભો હતો.
ભોળા નેમે પોતાની વાત ચાલુ રાખી, ‘મોટા ભાઈ ! યુદ્ધની વાત ન કરશો અને યુદ્ધની વાત જ કરવી હોય તો અંતરના રાગ-દ્વેષ સાથેની લડાઈની વાત કરજો. બાકી આ તમારું યુદ્ધ તો પૃથ્વીને ભૂંડીભૂખ કરી નાખશે.”
દુર્યોધન વધુ ને વધુ હસી રહ્યો હતો.
નેમે કહ્યું, “રે ! હું ઠેર ઠેર ફરીને લોકોને સમજાવીશ. તમારા સ્વાર્થના આ યુદ્ધમાં કોઈ સાથે નહિ આપે.'
દુર્યોધન જોરથી હસ્યો, ને બોલ્યો, ‘નેમકુમાર ! તમે ધરતીના જીવ નથી. લોકોએ તો યુદ્ધનું નામ સાંભળ્યું, ત્યારથી આનંદરંગ માણવા શરૂ કર્યા છે. અગિયાર અક્ષૌહિણી સેના અમારી ભેરે છે; સાત અક્ષૌહિણી પાંડવોના પક્ષે છે! અઢાર અક્ષૌહિણી સેના લોહીના રંગે હોળીનો તહેવાર માણવા થનગની રહી છે.’
“ઓહ ! શું આટલાં માનવીનો સંહાર કરશો ? ધરતી માથે વેરના ધજાગરા બાંધશો ? પૃથ્વીનાં તમે ભાગલા પાડી દેશો ? આ ભૂમિભાગવાળા પુરુષ આ ભૂમિભાગવાળા પુરુષને હણ્યો, માટે એ એનો સદાનો શત્રુ ! ઓહ! પૃથ્વીને સંતપ્ત કરી જશો તમે ? દુર્યોધનભાઈ ! તમે તમારા ભાઈઓને પૃથ્વી આપો.’ ‘નેમ ! સાધુ થઈ જા. તારાથી રાજરંગ નહિ નિભાવાય ' ‘પણ તમારા રાજરંગ માટે આટલી હત્યાઓ !'
હત્યાઓ અનિવાર્ય છે. એમ ન થાય તો આ પૃથ્વી પર બીજાને વિસામો લેવાની જગા ન મળે. જીવો જીવસ્ય ભક્ષણમ્ ! શત્રુને મારવા ને મિત્રને સન્માનવા એ જ દુન્યવી રાજરીત છે.' દુર્યોધન પોતે કોઈ રાજકારણનો મહાનિષ્ણાત હોય એમ ઉપદેશ દેવા લાગ્યો.
આ શત્રુ, આ મિત્ર - એ ભાવનાઓનાં કડવાં ફળ, એનું નામ જ યુદ્ધ છે. તમે પહેલાં નાગ અને આર્યકુળો વચ્ચે આ વેરભાવનાનાં વિષ પ્રસાર્યાં. ભાઈશ્રી દુર્યોધન ! મારી વિનંતિ છે કે યુદ્ધ રોકો ! સમજો ! સમાધાન સ્વીકારો!'
‘તારી તાકાત હોય તો રોકજે, બાકી યુદ્ધ અવશ્યભાવિ છે ! ઓહ ! શત્રુનાં મસ્તકોને કંદૂક માની એની સાથે અસિધારાથી રમવાની કેવી મજા પડશે! શત્રુની રૂપભરી વિધવા સ્ત્રીઓનાં વક્ષસ્થળ પર એની મોટી મોટી આંખોનાં આંસુ મોતી બનીને વરસશે, ત્યારે અમારાં નેત્રોને કેટલો આનંદ આવશે !'
મહાભારત 1 271