________________
એ રથમાંથી સૂર્યને ગ્રસનાર રાહુ હોય એવી કપરી મુખમુદ્રાવાળો એક પડછંદ પુરુષ નીચે ઊતર્યો. એણે જોરથી કહ્યું,
‘દરવાન !' દરવાને જવાબમાં નાકે આંગળી મૂકી ચૂપ રહેવાનો આદેશ આપ્યો. ‘હું કોણ છું, તે તું જાણે છે ?' આગંતુકે રોફ છાંટ્યો..
‘શ્રીકૃષ્ણના સેવકને એ જાણવાની જરૂર નથી; માત્ર તમે એટલું જાણી લો કે પ્રભુ અત્યારે પોઢ્યા છે.”
‘અલ્યા, રણમેદાનમાં રણશિંગ વાગતાં હોય અને દુનિયાની દેગ માથે લોહીનાં આંધણ ચઢયાં હોય ત્યાં આ પોઢણ કેવું ?' આગંતુક કોચાબોલો લાગ્યો.
મહાશય ! અમારે અહીં દ્વારકામાં તો આનંદની શરણાઈઓ બજે છે.* કાં ?” નેમકુમારે વિવાહ કરવાનો સ્વીકાર કર્યો છે.”
‘તે મોટું પરાક્રમ કર્યું, કાં ? અમારે ત્યાં તો દશ દશ રાણીઓ લાવીને અંતઃપુરમાં પૂરી દે, ત્યાં સુધી તો કોઈને ખબર પણ ન પડે ! લગ્નને આવું મહત્ત્વ આપો એટલે પછી સ્ત્રીઓ માથે જ ચડી જાય ને ! સ્ત્રી એટલે ખાસડું. ખાસડાને વળી માન કેવાં ? અમારે ત્યાં અમારા ભાઈઓના ઘરમાં દ્રોપદી છે. એણે જ આખી લડાઈનો આ હોબાળો ઊભો કર્યો છે. ભાઈના માથે ભાઈ છાણાં થાપે છે !'
‘ભગવાન શ્રીકૃષણે જેને ચીર પૂર્યાં હતાં એ રાણી દ્રૌપદી ? વાહ બાઈ, ધન્ય તારો અવતાર !' દરવાન જૂની વાતોનો જાણકાર લાગ્યો.
અરે મૂર્ખ ! શું ભાઈ અને શું બાઈ ! એ તો બધાં નખરાં. બાઈ જુઓ તો કાળાં, પણ ઠઠારાનો પાર નહિ ! કોઈ દહાડો ચોટલો છૂટો મૂકીને ધૂણે અને કહે, ‘તમારા ભાઈઓને મારો તો હા, નહિ તો ના !' ધણી બધા ઢીલા પડી જાય. કહે તેમ કરે. આ એના લાડ ઓછો કરવા મેં જ એનાં ચીર ખેંચાવેલાં. આપણો દેહ શું છાણ-માણીનો બનેલો છે, અને બાઈનો શું સોના-રૂપાનો છે?'
એટલે મહાશય ! શું આપ પોતે દુર્યોધન છો ?’ વિચક્ષણ કરવાને કલ્પના કરીને નામ દીધું. આજ સુધી એણે દુર્યોધનને નજરે નીરખ્યો નહોતો.
‘હા, મહારાજ ધૃતરાષ્ટ્રનો પુત્ર અને મહાન હસ્તિનાપુરનો રાજવી ! તારા સ્વામીને જઈને જ ગાડ ! કહે કે કુરુકુળના મહારાજ દુર્યોધન આવ્યા છે; એમને જલદી મળવું છે. ખરું તાકીદનું કામ છે.' ‘થોડીવારમાં જાગશે. આપ અંદર પધારો !”
266 | પ્રેમાવતાર
દુર્યોધન એ કળાતો અકળાતો અંદર જવા ધસ્યો. એને વિલંબ પોસાતો નહોતો.
દરવાને એની તલવારને હાથ અડાડતાં થોભાવતાં કહ્યું, ‘આપ રાજનિયમ કાં ભૂલો છો ? શસ્ત્ર અહીં મૂકતા જાઓ.’
‘શા માટે ?' ‘રાજનિયમ છે માટે આપે નિયમને વશ વર્તવું જોઈએ.’ ‘અને ન હતું તો....”
ક્ષમા કરજો, મહારાજ ! તો હું આપને પ્રવેશ નહીં આપી શકું.' દરવાને જરા કડક થઈને કહ્યું. એણે ઢાલ જેવો પોતાનો સીનો પહોળો કર્યો.
‘મને ઓળખે છે તું ?”
‘તો મારા સ્વામીની આજ્ઞાને ઓળખું છું, પછી બીજાને ઓળખવાની મને તમાં નથી !” દરવાન હઠ પર આવી ગયો. એને એના સ્વામીએ કદી એકવચનથી બોલાવ્યો નહોતો. દુર્યોધનના તુંકારાથી એનું મન ઘવાયું હતું. રાજમહેલના દરવાનો પર રાજપુરુષો જેટલો ભરોસો મૂકી શકતા, એટલો સગા ભાઈ પર મૂકી શકાતો નહિ.
‘માથું ધડથી અલગ થશે.”
‘એની ચિંતા નથી. એક શું દશ માથાં ચઢાવનાર હાજરાહજૂર બેઠા છે.” દરવાને નીડરતાથી કહ્યું.
‘એમ ? તો લેતો જા....' દુર્યોધને તલવાર પર હાથ મૂક્યો.
ધમાધમ સાંભળી રાણી રુકિમણી આવી પહોંચ્યાં. એમણે દરવાને ઇશારાથી આતંગુકને અંદર આવવા દેવા કહ્યું.
‘મને ઓળખ્યો ને ભાભી ? હું દુર્યોધન !'રોફથી ચંદનકાષ્ઠના આસન પર બેસતાં દુર્યોધને કહ્યું.
‘હા મારા વીરા ! અર્જુનદેવ ક્યારના આવીને શાંતિથી અંદર બેઠા છે !' રુકિમણીએ કહ્યું. એણે શાંતિ શબ્દ પર ખાસ ભાર મૂક્યો હતો.
‘મારા પહેલાં પહોંચી ગયો ? એ મળ્યો મારા ભાઈને ?”
ના. તમારા ભાઈ હજી ઊંઘમાં છે.' ‘ભાભી ! જેના હૈયામાં વેર જાગતાં હોય, એને ઊંઘ ન આવે.”
હૈયામાં વેર શા માટે વાવો છો ? પ્રેમનાં વાવેતર કરો ને !' રુકિમણી બોલ્યાં. એ જાણે નર્યા પ્રેમરસની મૂર્તિ જેવી લાગતી હતી. દુર્યોધન દ્રૌપદી અને રુકિમણીની તુલના કરી રહ્યો.
મહાભારત D 267