________________
35.
મહાભારત
ખરેખર, રાજ્યશ્રીના રૂપનાં જાદુ થયાં : અડોલ ડુંગરા જેવા અણનમ નેમકુમારે પોતાનાં હૈયાં ખોલ્યાં, વિવાહનો સ્વીકાર કર્યો, અને પોતાની સંગિની તરીકે રાજ્યશ્રી પર કળશ ઢોળ્યો.
રાણી સત્યાનાં તીર ધાર્યા નિશાન વીંધી રહ્યાં ! યાદવ સત્રાજિતની દીકરીસ્યમંતકણિના માલિકનો આ બીજો મણિ પણ રાજ કુળમાં સ્થાન પામી. આદેશપ્રત્યાદેશથી આકાશ ગુંજી રહ્યું.
‘ભલી પેરે લગ્ન રચાવો, અજબ ઠાઠ જમાવ. આકાશ ધરતીને ચૂમે ત્યારે દિશાઓ હર્ષનાદથી ગાજી રહેવી જોઈએ. કોઈ વાતની કસર આ પ્રસંગોમાં થવી ન ઘટે. પ્રસંગે જ માણસના બળાબળની ઓળખાણ થાય છે.'
યોદેવસંઘે આ પ્રસંગ અદૂભુત રીતે ઊજવવાનો નિર્ણય કર્યો.
યાદવસંઘના નેતા શ્રીકૃષ્ણ રાણી રુકિમણીને મહેલે જઈને છત્રપલંગ પોઢચા. રાણી પગ ચાંપવા બેઠાં.
પતિ-પત્ની વાર્તાવિનોદ કરી રહ્યાં ! ‘રાજ્યશ્રી અડિયલ નેમનું નામ ખેંચશે, કાં ?” ‘છેવટે તો સત્યાદેવીની બહેન છે ને !' રુકિમણી બોલ્યાં. ‘જોજે ને ! બાપડા નેમ પાસે પગચંપી કરાવશે !' શ્રીકૃષ્ણે કહ્યું.
‘તમને પુરુષોને તો માથાની જ સ્ત્રીઓ મળવી જોઈએ ! સામે ચાલીને આવે એનો દરજ્જો સામાન્ય. તમે હાથે-પગે પડીને જેને લઈ આવો, એના લાડકોડનો પાર નહિ !” રુકિમણીના શાંત વદનમાંથી અંગારા જેવા શબ્દો ઝર્યા. એમાં વેદના ભરી હતી.
‘યાદ રાખો રાણી ! કે પુરુષ જેટલો ભક્તિને વશ છે એટલો શક્તિને વશ નથી.' શ્રીકૃષ્ણે કહ્યું. આમાં રુકિમણી અને સત્યાદેવીનાં મૂલ્યાંકન હતાં.
‘પુરુષોનો તે શો ભરોસો ? એ તો ગંગા ગયે ગંગાદાસ, ને જમના ગયે જમનાદાસ. તમારા જેવાને તો સત્યાદેવી જ સીધાદોર રાખે !”
‘દેવી ! સાચું કહું છું, તમારી ભક્તિને મારું અંતર જેટલું નમે છે એટલું બીજા કોઈને નમતું નથી.”
‘એ તો ખાલી પટાવવાની વાત છે. વારુ ! હવે થોડી વાર વામકુક્ષી કરો.’
રાણી રુકિમણી વીંઝણો ઢોળી રહ્યા અને શ્રીકૃષ્ણ થોડી વારમાં નિદ્રાધીન થઈ ગુયો..
એટલામાં એક રથ આવી પહોંચ્યો. નખ-શિખ યોદ્ધાના વેશમાં સજ્જ થયેલો એક સુંદર નવયુવક રથમાંથી નીચે ઊતર્યો. એની કાંતિ અપૂર્વ હતી, એનું હાડ મોટું હતું; ને વિપત્તિના નિભાડામાં પાકીને તૈયાર થયેલા પાત્ર જેવો એ લાગતો હતો,
એણે આપમેળે જ પોતાનાં શસ્ત્રો ઉતારીને દરવાનને સુપરત કરતાં પૂછ્યું, ‘પૂજનીય બાંધવ શ્રીકૃષ્ણ જાગે છે કે પોચા છે ?”
દરવાને કહ્યું, ‘હમણાં જ પોઢ્યા છે.”
આગંતુકે કહ્યું, ‘અંદર મારાં પૂજ્ય ભાભી રુકિમણીદેવીને ખબર કહાવો કે હસ્તિનાપુરથી અર્જુન આવ્યો છે, જલદી મળવું છે. માથે દુઃખનાં ઝાડવાં ઊગવા બાકી છે, સંસાર સમર્થનો સગો છે. પૂછો કે પાંડુપુત્ર અર્જુનને મુલાકાત મળશે ?”
દરવાન કંઈ જવાબ આપે એ પહેલાં રાણી રુકિમણી બહાર આવ્યાં ને બોલ્યાં, ‘વીરા અર્જુન ! હજી હમણાં જ અમે તમને યાદ કર્યા હતા ! આવો, અંદર બેસો, થોડી વારમાં તમારા ભાઈ જાગશે.’
‘ભાભી ! મારા ભાઈની તો આખી દુનિયા કીર્તિ ગાઈ રહી છે. જગતમાં એની જોડ નહીં, હોં ! અમે ત્યાં બેઠાં એમની વીરરસ અને શૃંગારરસની અદ્ભુત કથાઓ સાંભળીએ છીએ અને અમારા અંતરના બંધ તૂટવા લાગે છે. ભલે પોઢચી મારા ભાઈ ! અમારા જેવાની હજાર જંજાળ વેંઢારનાર એ પરોપકારી પુરુષ છે. અહીં એમના ચરણ પાસે શાંતિથી બેસું છું - જો મને પણ શાંતિ લાધે તો !'
અર્જુન ધીમેથી પલંગને છેડે બેઠો. ફરી શાંતિ વ્યાપી રહી.
થોડી વારમાં એક બીજો રથ ઉતાવળો ઉતાવળો આવીને દ્વાર પર ઊભો. એનો ધમધમાટ ગજબ હતો. એ રથ કીમતી હતો, એને બેના બદલે છ ઘોડા જોડ્યા હતી.
મહાભારત D 265