________________
લશ્કરોનો પહેરો બધે ગોઠવાતો નજરે પડતો હતો ! ધીરે ધીરે આખો ડુંગર અગ્નિથી ઘેરાઈ ગયો અને ચારે તરફની પગદંડીઓ પર સૈનિકો ગોઠવાઈ ગયા.
બલરામ વાનરોની વાટ જોતા હતા. આગ તો લગભગ અડધા પહાડને ઘેરી વળી હતી.
વાનરો નીકળી ગયા લાગે છે !' શ્રીકૃષ્ણે કહ્યું,
‘વાનરોની વાટ એ જ આપણી વાટ !' બલરામે કહ્યું. ને બંને એ રસ્તે ધસ્યા. રસ્તો નરને ચાલવા યોગ્ય નહોતો. અને ચાલવું હોય તો વાનરની જેમ ચાલવું પડે તેમ હતું. બંને ભાઈઓ એ રીતે કૂદતા આગળ વધ્યા.
છતાં વાંદર અને નરની ચાલમાં ફેર હતો. અને જે માર્ગ હતો એ માર્ગ આગથી ધીરે ધીરે વધુ ને વધુ રૂંધાતો જતો હતો.
‘મોટા ભાઈ, હવે તો યાહોમની ઘડી આવી પહોંચી છે !' શ્રીકૃષ્ણે પથ્થરની એક ઊંચી શિલા પર ઊભા રહેતાં કહ્યું.
‘પણ કમોતે નથી મરવું. મરવું તો એ રીતે કે દુનિયા આપણા જીવનથી વધુ આપણા મોતની ઈર્ષ્યા કરે.
કરો ત્યારે આપણાં આયુધો સાબદાં !'
‘પણ આ શિલા પરથી નીચે કેવી રીતે ઊતરશું ?’ નીચે તો આગે ઘેરો ઘાલ્યો
છે.
‘જમનાના જળમાં ઝાડે ચડીને ધૂબકા મારતા હતા, તે તો યાદ છે ને ?' શ્રીકૃષ્ણ જાણે મોત જોઈને મોજમાં આવી ગયા હતા.
‘જળમાં ધૂબકા મરાય, પણ આ તો સ્થળ છે !' બલરામે કહ્યું.
‘સ્થળને જળ માની લઈએ, અને કુદીને જઈ પડીએ શત્રુ-દળની વચ્ચે. પછી એ છે ને આપણે છીએ.' શ્રીકૃષ્ણે કહ્યું. એમના અવાજમાં ભય નહોતો, શંકા નહોતી. ઉંમર તો કંઈ મોટી નહોતી, પણ વાતો ઉંમરલાયકની હતી.
‘કૃષ્ણ ! મને એક વાર તને ભેટી લેવા દે ! કદાચ શત્રુનો સામનો કરતાં ખપી જઈએ !' બલરામના અવાજમાં પ્રેમની ભીનાશ ભરી હતી.
‘ભાઈ ! ભેટશું હવે શત્રુને ! તમારા હળની, મુશળની ને મારા સુદર્શનની આજ પરીક્ષા થઈ જવા દો !'
ને શ્રીકૃષ્ણ છેલ્લા નિર્ણય સાથે શિલાના છેડા પર જઈને ઊભા. બલરામ બાજુ પર આવીને ઊભા રહી ગયા.
નીચે, અતળ ખીણ જેવા ભાગમાં લશ્કરો સજ્જ ખડાં હતાં.
110 – પ્રેમાવતાર
બંને જણાએ પોતાનાં આયુધો દેહ સાથે સજ્જડ કર્યાં ને હવામાં ઝંપલાવ્યું ! પાંખ કપાયેલાં પંખી આકાશમાંથી ધરતી ઉપર ઊતરી આવે, એમ બંને ઊતરી આવ્યા ! ભૂમિ પર આવતાં જ બંનેએ ઠેકડો માર્યો ને શસ્ત્ર સંભાળ્યાં.
રાતનું અંધારું ઘૂંટાતું હતું ! શત્રુ આવી રીતે ભૃગુપાત કરીને નીચે ઊતરી આવે, એવી અશક્ય કલ્પના કોઈને આવી નહોતી. બધા ઉપર ચઢવામાં વ્યગ્ર હતા, ત્યાં સુદર્શન ચક્રનો સુસવાટો સંભળાયો.
સેનાપતિ શિશુપાલના કાન પાસેથી ચક્ર સરી ગયું. રે ! એક આંગળ જેટલી દૂરીમાં એ બચી ગયા !
ત્યાં હળ ઘૂમવા લાગ્યું. એની ફણાદાર કોશ માણસોનાં માથાંને ડૂંડાંની જેમ ખંખેરવા માંડી.
પહાડનો આ ભાગ બહુ મહત્ત્વનો નહોતો, એટલે વધુ સેના અહીં નહોતી. જરાસંધનો હાથી ને શિશુપાલના અશ્વ બધે ફરી રહ્યા હતા.
સુદર્શન ચક્રનો વેગ ધીરે ધીરે વધી રહ્યો હતો ને શત્રુના સૈનિકો એની પાસે ભારે ભય અનુભવતા હતા. ધીમે ધીમે મોરચો ઢીલો થઈ રહ્યો હતો.
ત્યાં જરાસંધના હાથીને બલરામના મુશળનો આસ્વાદ મળ્યો. આસ્વાદ તે કેવો ? હાથી જેવો હાથી રણ છોડીને જાય ભાગ્યો ! અને જરાસંધ ભાગ્યો એટલે એનું લશ્કર પણ ભાગ્યું.
બલરામના મુશળે તો કમાલ કરી. બીજો પ્રહાર શિશુપાલના ઘોડાની પીઠ પર. ઘોડા જેવો ઘોડો બકરી બનીને બેસી ગયો અને અધૂરામાં પૂરું ઘોર આભમાં વીજળીનો ઝબકારો થાય, એમ ઉપર સુદર્શન ચક્ર આવ્યું !
શિશુપાલ પણ જરાસંધની પાછળ ! બંને ભાઈઓ પળવારમાં સૈન્યમાં ભારે ભંગાણ પાડીને નીકળી ગયા; થોડે દૂર જઈ, ગોપનો વેશ લઈ ગાયો ચારતા આગળ
વધ્યા.
રાતનો પડદો ઊંચકાઈ ગયો. સૂરજે સોનાનો ચંદરવો આભમાં બાંધ્યો. એક ગામના પાદરમાં બંને ભાઈ આવી પહોંચ્યા.
બલરામે કહ્યું, ‘આ તો કૌંચપુર.'
‘ચો. ફુઆની મહેમાનગતિ માણીએ.' શ્રીકૃષ્ણે કહ્યું.
‘હા, દમઘોષ ફુઆ જરૂર આપણું સ્વાગત કરશે. એ પોતાના દીકરાથી નારાજ છે.' શ્રીકૃષ્ણે કહ્યું .
ચલો ત્યારે ! ઘર તો શત્રુના પિતાનું છે, પણ લાગશે તેવા દેવાશે !’ જનતાના જનાર્દન ] 111