________________
21
નગરી દ્વારકા
એક દિશામાં આભ ઊંચો રૈવતાચલ (આજનો ગિરનાર) પર્વત ખડો હતો; બીજી દિશામાં સાગર મીઠું મીઠું ગર્જતો પડ્યો હતો; અને બાકીની બે બાજુ રૂપાળી વનશ્રી શોભી રહી હતી.
યાદવો શ્રીકૃષ્ણ સાથે અહીં આવ્યા. અહીંના પાદરમાં એક ખંડેર નગરી લાંબી થઈને સૂતી હતી. નિશાચરો સિવાય કોઈ અહીં રહેતું નહોતું. દુર્ગ જીર્ણ હતો, અને આવાસો તો માત્ર હાડ-ચામ વિનાનાં કંકાલ જેવાં ખડાં હતાં ! પણ કોણ જાણે કેમ, ભસ્મ ચોળેલો યોગી જેમ રૂડો લાગે એમ, આ નગરી મનને આકર્ષણ કરતી હતી.
સુંદર વૃક્ષો પર પતાકાઓ ફરફરતી હતી. અને આંગણામાં મોર રમતા હતા. મથુરાના વાસીઓએ આવું રૂપાળું, કલગીદાર પ્રાણી ઓછું જોયું હતું. આ એક જ પંખી આંગણાને રંગભર્યું બનાવી દેતું, હર્મ્યાને સુંદર બનાવી દેતું ને શિખર પર બેઠું એ દેવવિમાન જેવું દીપી ઊઠતું.
શ્રીકૃષ્ણે એ પંખીનું એક પીછું લઈને માથામાં ઘાલ્યું. રે કેવી શોભા ! ક્ષત્રિયાણીઓ એના નીલકંઠના રંગના કમખાની મોહિની લઈ બેઠી !
‘તમે બધાં તો છો, પણ આ નગરીનો રાજા ક્યાં છે ? એનું નામ શું છે?' બલરામે પૂછ્યું
‘આ પહાડ જેના નામથી પવિત્ર બન્યો એ રૈવતાચલનો અધિષ્ઠાતા કુકુટ રૈવત અહીંનો રાજા છે. એ બહાર ગયેલો ત્યારે પુણ્યજન રાક્ષસોએ આ નગરી પર હલ્લો કર્યો અને કબજો મેળવ્યો. રાક્ષસને તો રોળી-ટોળી નાખવામાં આનંદ આવે. એમણે આ મનોહર નગરીને રોળી નાખી !'
હવે રાજા અહીં આવતો નથી ? ‘ના; આવતાં ડરે છે.”
ડરે એ રાજા કઈ રીતે ? તમે મને આજ્ઞા આપો તો અમે આ જીર્ણ નગરને ફરી વસાવીએ.' શ્રીકૃષ્ણે ભાવપૂર્વક કહ્યું.
‘આ નગરીનું કોઈ રણી-ધણી નથી. બધાં ઘર કૃષ્ણને અર્પણ !' નગરજનોએ
કહ્યું.
‘અમે આ નગરીને આબાદ કરીશું. આનો કોટ સમરાવીશું. એને હસતીખેલતી બનાવી દઈશું. આનું નામ ?' શ્રીકૃષ્ણે કહ્યું.
‘કુશસ્થલી.’
‘કુશલ સ્થલી ! અરે, વસાવો આ નગરીને, આ આપણું પ્રવેશદ્વાર છે. એનું નવું નામ દ્વારકા. દ્વાર દ્વારા જ શત્રુ કે મિત્ર અહીં પ્રવેશી શકશે.’ શ્રીકૃષ્ણે પોતાની દરખાસ્ત મૂકી.
‘ગુરુદેવ સાંદીપનિને તેડાવો.' બલરામે કહ્યું.
અઢાર હજાર યાદવોમાં એકદમ આનંદ પ્રસરી રહ્યો. અરે, ગોકુળવૃંદાવનની શાંતિ અહીં પ્રવર્તે છે; અને મથુરાની ઝેરભરી હવા અહીં નથી.
‘તમારો રાજા કોણ છે ?' કુશસ્થલીના લોકોએ કહ્યું.
અમારે કોઈ રાજા નથી. યાદવો ગણતંત્રમાં માનનારા છે.' બલરામે કહ્યું. ‘કોઈ રાજા નથી, પણ નેતા તો હશે ને ?
‘નેતા અમારા પિતા વસુદેવ.’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘અને અમારા વડીલ રાજા સમુદ્રવિજય.'
અને નેમ તમારે શું થાય ?’
અમારો પિતરાઈ ભાઈ. અમારા વડીલ રાજા સમુદ્રવિજયનો એ સૂત છે.’ ‘નેમ શું કરશે ?’ લોકોને ફિલસૂફ નેમ ગમી ગયો હતો.
‘હું નવું રાજ સ્થાપીશ.' નેમ બાજુમાં શાંતિથી ઊભો હતો.
‘નવું રાજ !' બધેથી અવાજ ઊઠ્યો, પણ નેમ તો ઊંડા વિચારમાં ઊતરી ગય હતો. વાત કરતાં કરતાં આમ ઊંડા ઊતરી જવાની અને આદત હતી. એ વેળા એ બાહ્ય ભાન ભૂલી જતો. એણે જવાબ ન વાળ્યો. લોકોએ જવાબનો આગ્રહ પણ ન રાખ્યો. તેમની તો વાતો જ અજબ જેવી !
શ્રીકૃષ્ણ આ વખતે માતા દેવકીને લઈને આગળ આવ્યા. દેવકી રૂપાળા હતાં, પણ જેલજીવને એમના રૂપને ઝાંખું પાડ્યું હતું. અંધારી દીવાલોએ એમની આંખોના નૂરને હરી લીધું હતું, રુક્ષ ભોજને કાયાને કૃશ કરી નાખી હતી.
બોલો માતા દેવકીનો જય !' નેમ એકદમ બોલી ઊઠ્યો. નગરી દ્વારકા D 163