________________
33
રથનેમિનો પડકાર
સરોવર નાનનો દિવસ નક્કી થઈ ગયો હતો. નર્મરા નેમકુમાર પણ પોતાની ભાભી સત્યાના આગ્રહથી એમાં ભાગ લેવા કબૂલ થયા હતા.
લોકોમાં એક માન્યતા પ્રચલિત છે કે બોલતાં પંખી કરતાં મુંગા પંખી ભારે જીવરાં હોય છે. સત્યારાણી બટકબોલું પંખી હતાં. પુરુષ એના સવાલના જવાબ આપી આપીને થાકી જતો. પણ છેવટે એના મનને પામી જતો.
લોકો કહેતાં કે સત્યાને શ્રીકૃષ્ણ જેવો સ્વામી ન મળ્યો હોત તો પૃથ્વી પર બીજો નર એને નમાવે તેવો મોજૂદ નહોતો. બહુ બોલકી સત્યાની પડખે એક મૂંગું પંખી હતું ! એ જીભ ન ચલાવતું, પણ પોતાના પગ ને પાંખોથી ચૂપચાપ પોતાનું કામ પતાવતું. એ હોઠ ન હલાવતું, પણ એના હાથ ને હૈયું તો હંમેશાં કામે લાગેલાં જ રહેતાં. એ હતી સત્યારાણીની નાની બહેન રાજ્યશ્રી. | શિકારે ચઢે ત્યારે સૂર્યકિરણ જેવી ! શાંત હોય ત્યારે ચંદ્રકિરણ જેવી !
ઇષત્ લજ્જાભારથી વધુ મોહક લાગતી રાજ્યશ્રી જ્યાં થઈને પસાર થતી, ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દેતી. કેટલાય યાદવકુમાર નારિયેળીના વૃક્ષ પર રહેલા મધપૂડા જેવી સત્યાને જોઈને રાજી થતા, પણ એની પાસે ટૂંકવાનું સામર્થ્ય ન ધરાવતો..
રાજ્યશ્રી તો ચંદનડાળે બેઠેલા મધપૂડા જેવી લાગતી હતી. એના શ્વાસમાં ઇત્રની સુવાસ રહેતી, એનાં નયનોમાં મેઘની ભીનાશ રહેતી, એના પગમાં પદ્મનો પરિમલ રહેતો. એની દેહલતા મૂર્તિમયી રાગિણી જેવી હતી. યૌવનના સૌરભભર્યા બાગ જેવું નિર્મળ એનું યૌવન હતું.
રાણી સત્યા કહેતાં કે આ તો સ્વર્ગનું પારિજાત મારી બહેન રૂપે જન્મે છે !
રાજ્યશ્રીનો આનંદ પરાધીન નહોતો. એ હંમેશાં નિજાનંદમાં મસ્ત રહેતી, અને એકલી એકલી એ આનંદ માણી શકતી. એને બહુ સાથીઓ કે સંગીની જરૂર રહેતી નહિ. અને ક્યારેક સંગી-સાથીની જરૂર લાગે તો ગમે તે પશુ-પંખીને સાથી બનાવી લેતી. કોઈ ન મળે તો હાથ પડ્યું વૃક્ષ કાં ફૂલ પણ સંગીની ખોટ પૂરી પાડતું. એ સાગર સાથે વાતો કરી શકતી, સિંહ-બાળ સાથે સવાલ-જવાબ કરતી, પહાડને પણ એ પોતાનો બનાવી શકતી.
સત્યારાણી પોતાની નાની બહેનના આ મસ્ત બેપરવા સ્વભાવ પર આફરીન થઈ જતાં. એ મશ્કરીમાં કહેતાં : “રે ! આ મધુભરી તળાવડીનું આચમન કરનાર કયો ભાગ્યશાળી હશે ?”
“આ રહ્યાં એ ભાગ્યશાળી !' રાજ્યશ્રી પોતાની મોટી બહેનના હોઠ પર આંગળી મૂકીને બોલતી.
સત્યારાણી નાની બહેન પર ઓળઘોળ થઈ જતી, કહેતી, ‘જા રે ધુતારી! અણહકનું લઈને હું શા માટે પાપમાં પડું ?'
‘અણહકનું ?” ‘હા, જરૂર, એનો હકદાર તો કોઈ બીજો હશે.' મોટી બહેને કહ્યું . કોણ છે ?” રાજ્યશ્રીએ આંખો નીચે ઢાળી લજ્જાભાવથી પૂછયું. ‘ કોણ છે તે તું જાણે છે.’ સત્યારાણીએ કહ્યું. ‘નથી જાણતી, બહેન !” ‘નામ નથી જાણતી, તું ? સાચું કહે છે ?”
‘એટલું જાણું છું કે મારાં મોટાં બહેનનું નામ છે સત્યારાણી. એ નામ જાણ્યા પછી બીજા કોઈ નામ જાણવાની મને પરવા નથી !' રાજ્યશ્રીએ બહેન પરનો ભાવ દાખવ્યો.
સત્યારાણીએ નાની બહેનને વહાલથી પોતાના ભુજપાશમાં સમાવી લઈને કહ્યું,
‘રાજ્યશ્રી ! તું તો કોઈ જનમજનમના ભેખધારીનાં ભગવાં ઉતરાવે તેવી મીઠડી ને કામણગારી છે, હોં !'
‘એટલે શું તમારે મને કોઈ યોગી-બાવાને પરણાવવી છે, બહેન ?” રાજ્યશ્રી કંઈ ન સમજતી હોય તેમ બોલી.
ના રે ! સત્યાની બહેન ચક્રવર્તીને વરશે, પણ રાજ ! એ હીરાને તારે જરા પહેલ પાડવા પડશે.’ રાણી સત્યા વહાલ કરતાં શિખામણ આપી રહ્યાં.
રથનેમિનો પડકાર 1 249