________________
હોય છે !
ચંપક, અશોક ને બકુલ વૃક્ષો આ રસિયાઓને બહુ પ્રિય હોય છે. એની છાયામાંથી, એની ફૂલગૂંથણીમાંથી અને એની પર્ણપથારી રચવામાંથી એ નવરાં જ પડતાં નથી !
રાણી સત્યા ભારે રમતિયાળ છેઃ તેઓએ સ્ત્રીવર્ગની પરીક્ષા લેવા માંડી છે. વંધ્ય બકુલ વૃક્ષોને ખીલવવા એ એકાદ નારીવૃંદને મદ્યના કોગળાથી વાસિત કરી રહી છે, મદિરાક્ષીના મદિરા-છાંટણાંથી બકુલ ખીલી ઊઠે છે !
અપુષ્પ કુટુંબક વૃક્ષો માટે એ બીજા નારીવૃંદને આમંત્રે છે. આ વૃંદ પાસે વૃક્ષને આલિંગન અપાવે છે; વૃક્ષ જોતજોતામાં નવાં કિસલયથી હસી ઊઠે છે.
અશોકનાં વૃક્ષ વર્ષોથી શોક ધરીને ખડાં છે, નથી એને ફળ આવતાં, નથી ફૂલ બેસતાં.
સત્યા રાણી ત્યાં આવે છે, એક પાદપ્રહાર કરે છે, ને વૃક્ષ શોક તજી ખિલખિલાટ હસી ઊઠે છે.
‘રે રુકિમણી ! જાણું છું, તમે મરતાંને મેર કહો તેવાં નથી, પણ આ વેરાન તિલકવૃક્ષની ઘટા તરફ જરાક તમારી વાદળઘટા જેવી કીકી વર્ડ નેત્રપ્રહાર તો કરો!’ રાણી રુકિમણી કહે, “બહેન, નેમ તો કહે છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ ને વૃક્ષ બધામાં જીવ છે.’
સત્યાએ કહ્યું, ‘અરે મારી ઘેલી બહેનડી ! હું એ જ વાત તો સિદ્ધ કરવા માગું છું. પણ કોઈ વૃક્ષ કે જીવ પ્રફુલ્લે એમાં એ પાપ માનતો હશે, કાં ? ખરેખર! નેમ તો નારીજગતનો અરિ છે !'
નારીજગતનો અરિ નેમ ? ના, બહેન ! ના. નેમને તો સ્ત્રીઓ પર ખૂબ વાત્સલ્ય છે. એ કહે છે કે પ્રેમરાજ્યની સ્થાપના અગર કોઈ કરી શકશે તો સ્ત્રીઓ
જ કરી શકશે; પુરુષોથી કંઈ થવાનું નથી ! પુરુષો તો આ શિખરથી પેલે શિખર કૂદતા રહેવાના અને હિંસા અને પ્રતિહિંસામાંથી નવરા જ પડવાના નહિ.’
‘રુકિમણી ! મેં નેમને સંસારી કરવાની પ્રતિજ્ઞા લીધી છે, એ તો તું જાણે છે ને ?'
‘એવું કરવાની શી જરૂર પડી ? ભલે ને કુંવારા રહેતા !'
‘કેમ ? કંઈ યાદવવસ્તી વધી ગઈ છે ? રે રાણી ! સારાં વૃક્ષની ને સારા ફળની તો પરંપરા પૃથ્વી પર સચવાવી જોઈએ.’
‘પણ નેમને ગમે એવી નારી જ ક્યાં છે ?' રુકિમણીએ પૂછ્યું.
244 – પ્રેમાવતાર
સત્યારાણીએ રુકિમણીના કાનમાં ધીરેથી કંઈક કહ્યું.
રુકિમણી નામ જાણીને રાજી રાજી થઈ ગઈ : ‘ખરેખર ! નેમને નમાવે તો એ નારી; બાકી તો બધી પાણીની ઝારી જેવી છે ! પેટમાં હોય તે મોંમાંથી કાઢી નાખે, બીજું કંઈ નહિ !'
ભોજન તો તૈયાર છે, પણ સામે ઉપવાસી બેઠેલો છે !' સત્યારાણીએ ખરી મૂંઝવણ કહી.
‘ઉપવાસીને જમાડીએ તો જ આપણે સાચાં.’
‘બહેન, તું અમારી સાથે જ રહીશ ને ?'
‘હા બહેન ! હા.’ રુકિમણીએ કહ્યું.
‘તો તો આપણે મંદરાચલ પર્વતને પણ ચલાયમાન કરી દઈશું. તારું સ્ત્રીત્વ
તો પૂર્ણિમાના ચાંદની જેમ સર્વકળાએ ખીલી ઊઠ્યું છે.' સત્યારાણીએ રુકિમણીની પ્રશંસા કરતાં કહ્યું.
‘અને મોટાંબહેન ! તમારું સ્ત્રીત્વ સૂરજની તેજાવલિ લઈને જન્મ્યું છે એ કેમ ભૂલો છો ? પુરુષમાત્ર તમને નમીને જ ચાલે.'
‘નમે મને, પૂજે તને !’સત્યારાણી નિખાલસ હતાં. એ રુકિમણીની ગુણગરિમાને
અભિનંદી રહ્યાં.
‘મને બહુ છાપરે ન ચડાવો !' રુકિમણીએ કહ્યું.
‘નેમને સ્નાનાગારમાં જળક્રીડા માટે નિમંત્રીએ.' સત્યારાણીએ નેમને વશ કરવાનો ટૂંકો છતાં અનુભવસિદ્ધ માર્ગ સૂચવ્યો.
“હું તો નેમની પાસે વાત કરતાં નમી પડું છું. બહેન ! સાચે જ, એ તો નાનો પણ રાઈનો દાણો છે. એની વાતોમાં અજબ મીઠાશ ભરી હોય છે. એ બીજા જેવો સામાન્ય નર નથી હોં !' રુકિમણી ભાવથી બોલી.
બધાં પુરુષો પહેલી નજરે તો એવા જ લાગે છે. આપણને લાગે કે બધા પુરુષોથી આ જુદો, આનાં હાડ જુદાં, એનું હૈયું જુદું ! પણ પરણીને પાંચ દહાડા સાથે કાઢીએ એટલે બધા સરખા લાગે : એક મગની બે ફાડ જેવા.” સત્યારાણી આજે સ્પષ્ટભાષી બન્યાં હતાં. જગતને વાસ્તવિકતાના ગજથી એ મૂલવી રહ્યાં હતાં, પણ એ મૂલમાં કોઈ જાતનો અંગત હર્ષશોક નહોતો !
‘આપનાં નાનાં બહેન રાજ્યશ્રી હાલ ક્યાં ?' રુકિમણીએ પ્રશ્ન કર્યો.
‘એ તો આપણાં પહેલાં અહીં આવી પહોંચી છે ? જુવાનીની હવા કોને છોડે છે, બહેન ! એ તો ઘેરથી કહીને નીકળી છે કે ખેલવા માટે એક સિંહબાળ લેવા જાઉં જલક્રીડાની તૈયારી D 245