________________
16
‘મહાપુરોહિત ગંગનાથ આવ્યા છે, અને આપણા પ્રત્યુત્તરની રાહ જુએ છે. એમને બોલાવું ?' પિતાએ આશાવતી ભાવે પૂછયું.
શિશુપાલે સીધો જવાબ ન આપ્યો, પણ સંમતિસૂચક મૌન દાખવ્યું. પરિચારક ગંગનાથને બોલાવવા ગયો.
શિશુપાલ જરાક મજાકમાં બોલ્યો, “મહાપુરોહિત એમ પણ કહેતા હશે કે આ લગ્ન જલદી પતાવવાનાં છે. હું પણ તૈયાર જ છું. પાકી કેરીને ટોચો લાગવાનો ઘણો સંભવ હોય છે !'
‘હા બેટા !'
આ વખતે મહાપુરોહિતે પ્રવેશ કર્યો. તેઓ કંઈ બોલવા જતા હતા ત્યાં શિશુપાલે જ એમને કહ્યું,
‘તમારે બોલવાની આવશ્યકતા નથી. તૈયારીઓ કરો. અમે તમારી પાછળ જ આવીએ છીએ. રાજા ભીમ કને ભારમાંથી મુક્ત કરવાની કૃપા અમે જરૂર કરીશું ! છોકરી છે તો રૂપાળી, પણ જરા માનિની છે, કાં ?”
વત્સ ! એ તો બિનઅનુભવી છોકરીઓ એવી જ હોય.’
‘મા ! હું ટીકા કરવા ખાતર નથી કહેતો, માની સ્ત્રી તો ખટમધુરી લાગે! અને મને તો એ વિશેષ ગમે !' શિશુપાલ સાવ નફફટ બની ગયો. માબાપની આમન્યા એ સમજ્યો જ નહોતો.
એની નફ્ફટાઈની દુર્ગધથી આખો રાજ મહેલ ગંધાઈ રહ્યો.
બહેન અને ભાઈ
કુંડિનપુરની એક કમલિની હતી. એની માદક સુગંધથી દિશાઓ મદભરી થઈ ગઈ હતી. એનું નામ રુકિમણી હતું.
જે કાસારમાં આ કમલિની ખીલી હતી, એનો સ્વામી ભીષ્મક હતો. અનેક ભ્રમરો આ કમલિનીના પરાગનો આસ્વાદ લેવાની લાલચથી આવતા હતા. પણ ત્યાં એકનોય પ્રવેશ શક્ય નહોતો. અનેક મદમસ્ત હાથીઓ એ કાસારમાં ક્રીડા કરવા દોડી આવતા અને રૂપસુંદર કમલિનીનો ચારો ચરવા ઇચ્છતા, પણ એ શક્ય નહોતું.
કારણ કે સમગ્ર હાથીઓનો સ્વામી રાજા જરાસંધ કંડિનપુરના રાજા ભીષ્મક પર કૃપાવંત હતો, અને એની જ સલાહ પ્રમાણે આ કમલિનીનો સ્વામી સુનિશ્ચિત થવાનો હતો. મહારાજ ની અનુજ્ઞાથી કન્યાનું કહેણ લઈને ગયેલો દૂત મગધના પાટનગરથી પાછો વળે, એટલી જ વાર હતી.
પણ જ્યાં હાથીનો પ્રવેશ દુશક્ય હોય, ત્યાં ભ્રમરનો પ્રવેશ સુશક્ય હોય છે. કારણ કે જુવાન હૈયાની ગતિ, રીતિ અને વિધિ સાવ ગુપ્ત હોય છે અને પ્રેમનું કાવ્યફૂલ તો હજારો સાવધ આંખોમાં ધૂળ નાખીને પાંગરતું રહે છે !
પણ અહીં તો ભ્રમરનો પ્રવેશ અશક્ય બનાવનાર ખુદ કમલિની પોતે હતી. યુવાની એને માટે નશો નહોતી ને રૂપ એને માટે મદભાર નહોતું ! ચંદ્રને શરમાવનાર મુખના કારણે એ ઉન્મત્ત નહોતી, ને મૃણાલદંડને શરમાવે તેવા બાહુથી એ ગર્વિતા નહોતી. હીરાની પંક્તિઓ જેવી દેતપંક્તિઓનો એને ગર્વ નહોતો. એના પરવાળાંશા હોઠ પર સદા અમી વરસતું હતું. એનો કેશકલાપ જોઈ શેષનાગ શરમાઈને પાતાળે ગયા. એની સુરમ્ય જંઘા જોઈ કેળ કાકવંઝા (એક જ વાર ફળનારી) રહી, એમ કવિઓ કહેતા, છતાં એનું પણ એને અભિમાન ન હતું. એનાં માબાપ તો કહેતાં, ‘અમારી રુકિમણી તો રૂપના દાબડામાં રહેલ રત્નગણોમાં
120 પ્રેમાવતાર